Abtak Media Google News

મહાભારત સમયના યુગમાં ભિષ્મ પિતામહનો વધ કરનાર શિખંડીનું નામ આજ પણ આદરપુર્વક લેવાય છે. તેજ રીતે અજ્ઞાતવાસ દરમીયાન શ્રેષ્ઠ બાણાવણી અર્જુન(બ્રુહનલા)નું ચરીત્ર પણ જાણીતું છે. પરંતુ સમયના વહેણ સાથે પરિવર્તનશીલ સમાજમાં ટ્રાન્સજેન્ડર પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાઇ રહ્યો છે.

પરીવાર અને સમાજ તરફથી તિરસ્કૃત થવાને કારણે આવા લોકોમાં સમાજ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ જન્મે છે. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિના પરીજનોની મનોદશા અને વ્યથા હદયદ્રાવક અને કરૂણાસભર હોય છે. પરંતુ સમાજની આ મનોદશામાં હવે સકારાત્મક પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. હાલ આવોજ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સો સમાજમાં થઇ રહેલા પરિવર્તનશીલ વિચારધારાનો એક અનોખો અધ્યાય દર્શાવી રહ્યો છે.

કલેકટર અરુણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર આપી તેને માનસિક સધિયારો પણ પૂરો પાડ્યો હતો. સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક હોવાનું કલેકટરએ ચિરાગને હિંમત આપતા જણાવ્યું હતું. માત્ર એટલું જ નહિ કોઈપણ પ્રકારની મદદ માટે તેઓ તૈયાર હોવાનું અને મળવાપાત્ર તમામ સરકારી સહાય પુરી પડાશે તેવો કલેકટર દ્વારા વિશ્વાસ પૂરો પાડી સમાજમાં ચિરાગ ઉર્ફે ચાર્મી જેવા ટ્રાન્સજેન્ડર્સને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

પિતાનો પ્રતિભાવ: મારા પુત્રને આજે કલેકટર સાહેબે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ પત્ર આપી અમારા પરિવારને બહુ મોટી રાહત પુરી પાડી છે તેમ કલેકટર અને રાજ્ય સરકારનો આભાર માનતા ચિરાગ ઉર્ફે ચાર્મીના પિતા જેન્તીભાઇ મકવાણાએ ખુશી વ્યક્ત કરી હતી. તેઓ ગૌરવ સાથે ઉમેરે છે કે, મારે બે સંતાનો છે. નાનો બાબો ચિરાગ ટ્રાન્સજેન્ડર હોવા છતાં મારા માટે બંને સંતાનો એક સમાન છે. અમારા પરિવારે તેમના વચ્ચે કયારેય કોઈ ભેદભાવ નહિ રાખ્યાનું જેન્તીભાઇ કહે છે.

સમાજને નવી રાહ ચીંધતા જેન્તીભાઇ કહે છે કે, સંતાનમાં ખામી હોઈ તો પણ આપણે તેનો સ્વીકાર કરીએ જ છીએ ને ? આ પણ એક કુદરતી ખામી છે. આપણે તેને તિરસ્કાર નહીં પરંતુ પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.

ચિરાગ જયારે ૧૨ વર્ષ નો હતો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેનામાં સ્ત્રી તરીકેના માનસિક તેમજ શારીરિક ફેરફાર થવા લાગ્યા હતા. તેમના પિતાએ એક વર્ષ જેટલો સમય ચિરાગની સારવાર કરાવી, પરંતુ ડોક્ટર્સ દ્વારા તેઓને તેમનુ બાળક ટ્રાન્સજેન્ડર્સ છે તેમ જણાવ્યું ત્યારે તેમના પરિવારજનો અને આસપાસના રહેવાસીઓએ આ વાત હિંમતપૂર્વક સ્વીકારી અને જરૂરી સાથ સહકાર પૂરો પાડ્યો.

૧૧ ધોરણ સુધી ભણેલ ચિરાગ  હાલ ૨૦ વર્ષનો છે,  તેને ઉચ્ચ અભ્યાસ સાથોસાથ ફેશન ડિઝાઈનર બનવાની મહેચ્છા છે. ચિરાગને મિત્રો પણ છે અને તેમની સાથે હરવા ફરવા જવું, રેસ્ટોરન્ટમાં જમવા જવાનું  સહજ છે તેમ તેમના પિતા જણાવે છે.

આજના આધુનિક યુગમાં સકારાત્મક પરિવર્તન અને સમાજમાં ટ્રાન્સજેન્ડરોને પણ અન્ય વર્ગના લોકોની જેમ સમાન હકો અને તકો મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજભાઇ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણયો દ્વારા ઉમદા કાર્યનો આરંભ કર્યો છે.  સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકો સ્વાભિમાન સાથે જીવન વ્યતીત કરી શકે તથા તેઓનું સમાજના મુખ્યપ્રવાહમાં પુનઃસ્થાપન થાય તેવા ઉમદા પ્રયત્નો હાલ થઇ રહયા છે.

ટ્રાન્સજેન્ડર્સ હવે આઈ કાર્ડ થકી તેમની ઓળખ આપી શકશે

આ તકે સમાજ સુરક્ષાના અધિકારી શ્રી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ ટ્રાન્સજેન્ડર્સને આઈ.ડી. કાર્ડ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તેઓ તેમની ઓળખ આપી શકશે  અને તેઓને ગરિમાપૂર્ણ માનવ જીવન વ્યતીત કરી શક્શે. આઈ.ડી. કાર્ડ માટે તેઓને ડોકટરી સર્ટિફિકેટ આપવું જરૂરી હોઈ છે. સરકાર દ્વારા તેઓને પેન્શન સહાય અર્થે રૂ. ૧૦૦૦ ની રકમ પુરી પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.