Abtak Media Google News

દુષ્કર્મ એ સ્ત્રીની શારીરિક નહીં પરંતુ સ્ત્રીત્વની ગંભીર ઇજા: મુંબઇ હાઇકોર્ટ

સમાજમાં પોતાની હવસની પ્યાસ બુઝાવવા કોઈ નિર્દોષ બાળકીનો ભોગ લેનાર નરાધમોને આકરામાં આકરી સજા મળે તેવી માંગ દેશભરના લોકોની હોય છે અને ન્યાયતંત્ર પણ તેના માટે કટિબદ્ધ છે ત્યારે મુંબઇ હાઇકોર્ટે દુષ્કર્મના કેસમાં ૨૮ વર્ષ બાદ આરોપીને ૭ વર્ષની સખત કારાવાસની સજા ફટકારી છે. ઉલ્લેખનીય બાબત છે કે, દુષ્કર્મના કેસમાં સજા ફટકારવાની સંપૂર્ણ સ્વાયત સતા  ન્યાયતંત્રની હોય છે પરંતુ મોટાભાગના કેસમાં આરોપીને ૩ વર્ષની સજા અને રૂ. ૧૦ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવતો હોય છે પરંતુ મુંબઇ હાઇકોર્ટે આરોપીને ૭ વર્ષની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.

દુષ્કર્મના કેસમાં અગાઉ ૧૪ વર્ષ પૂર્વે મુંબઈની સેશન્સ ટ્રાઇબલ કોર્ટે આરોપીને ૩ વર્ષની સજા ફટકારી હતી પરંતુ અમુક કારણોસર કેસ ફરીવાર મુંબઇ હાઇકોર્ટમાં ચાલ્યો હતો. મામલામાં હાઇકોર્ટે તમામ આધાર – પુરાવા તેમજ સમાજને ધ્યાને રાખીને આરોપીને ૭ વર્ષની આકરી સજા ફટકારી હતી. આરોપીને ફટકારવામાં આવેલી ૭ વર્ષની સજા તો મહત્વની છે જ પણ સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, જ્યારે હાઇકોર્ટે આરોપીને ૭ વર્ષની સજા ફટકારી છે તેની અસરરૂપે હવે આરોપીને નીચલી અદાલત કે સેશન્સ કોર્ટ જામીન આપી શકશે નહીં પરિણામે આરોપી હાઇકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજામાં જામીન અરજી નીચલી અદાલતોમાં કરીને છૂટી શકશે નહીં.

જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ એન.જે. જમાદારની ખંડપીઠે આરોપીને વર્ષ ૨૦૦૬માં સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલા રૂ. ૧૦ હજારને બદલે ૧.૧ લાખનો દંડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો. બેંચે જણાવ્યું હતું કે ૧ લાખ રૂપિયા પીડિતાને વળતર તરીકે ચૂકવણી કરવામાં આવશે. એકવાર અદાલત ભોગ બનનારની રજૂ કરાયેલી વિગતોની વિશ્વસનીયતાની ચકાસણી અને યોગ્ય પુરાવા શોધી કાઢ્યા બાદ આરોપીને દોષિત ઠેરવી શકાય છે પરંતુ સમય પસાર કરવો એ ઉચિત વલણ ગણી શકાય નહીં.

મામલામાં આરોપીએ સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જ્યારે રાજ્યએ સેશન્સ દ્વારા ફટકરાયેલી નજીવી સજાને પડકારી હતી. જે સાત વર્ષની સખત કેદની સજા કરતા ઓછી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તેની જામીનબંધી રદ થઈ ગઈ છે અને તેને આ મહિનાની શરૂઆતમાં ૪ જાન્યુઆરી સુધીમાં શરણાગતિ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

હાઇકોર્ટે કહ્યું હતું કે, બળાત્કાર એ એક ઘોર અપરાધ હતો છે જેને કોઈ પણ નબળાઇથી જોઈ શકાય નહીં.  સ્ત્રીની જાતીય સતામણી કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય નહીં. જ્યાં તેણી પોતાની આજીવિકા મેળવવા માટે કામ કરી રહી છે તેનો દુરૂપયોગ કરનારને કોઈ પણ કાળે બકસી શકાય નહીં. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, લઘુત્તમ કરતા ઓછી સજા આપવાના કિસ્સામાં ટ્રાયલ કોર્ટે વિશેષ અને પૂરતા કારણો આપવા અનિવાર્ય છે જ્યારે  આ કેસમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, સેશન્સ જજે આવા કોઈ ખાસ કારણો રજૂ કર્યા નથી.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ખોટા અર્થઘટન કરી આરોપીઓ દ્વારા સમય પસાર કરે તેવા હીન પ્રયાસોનો છેદ ઉડાવવો જરૂરી છે. આરોપીના લુલા બચાવને માન્ય ગણી શકાય નહીં. બળાત્કાર સ્ત્રીના સર્વોચ્ચ સન્માન અને ગૌરવને ગંભીર ફટકો આપે છે અને તે માનવાધિકારનું ઉલ્લંઘન પણ છે. દુષ્કર્મ સ્ત્રીની માત્ર શારીરિક ઈજા નથી પરંતુ સ્ત્રીત્વની ઇજા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.