Abtak Media Google News

પુન:પ્રાપ્ય ઉર્જા એક એવું ઉર્જા સ્ત્રોત છે કે જે સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે પરંતુ પ્રકૃતિના ભોગે ઉર્જાનો સંચય કરવામાં આવતો નથી. પરંપરાગત વર્તમાન ઉર્જા ઉત્પન કરવા માટે એક યા બીજી રીતે કુદરતી સંશાધનોને ખાયને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. પેટ્રોલીયમ પેદાશ હોય કે અણુ ઉર્જા વિદ્યુત ઉત્પાદન માટે પ્રાકૃતિક ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી બે ગેરફાયદા થાય છે એક તો કુદરતી સંશાધનોનો બેફામ ઉપયોગ અને બીજું વાયુ પ્રદૂષણમાં વધારો તેની સામે પુન:પ્રાપ્ય ઉર્જા સં5ૂર્ણપણે નિર્દોષ ભાવે વિદ્યુતનું ઉત્પાદન કરે છે.

વિજળી પેદા કરવા માટે કોઇ બળતણની જરૂર પડતી નથી. જલ, વાયુ અને સૂર્યશક્તિના ઉપયોગથી પુન:પ્રાપ્ય ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. જે આજના સમયની માંગ બની ગઇ છે. ઉર્જાના એવા કેટલાક સ્ત્રોતો હોય છે કે જેનો ક્યારેય નાશ થતો નથી. પરંતુ એકથી બીજા રૂપમાં પરિવર્તન થયાં રાખે છે. અક્ષય ઉર્જાના મુખ્ય સ્ત્રોતમાં સૂર્ય, જલ, વાયુ, જ્વાળામુખી અને તાપ જેવાં સ્ત્રોતો અક્ષય ઉર્જા ગણાય છે. હવે સમય આવ્યો છે કે દુનિયાના વધતાં જતા તાપમાન સામે સાવચેત રહેવું પડશે. વિશ્ર્વના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ જેમ બને તેમ ઓછું થાય તે માટે પ્રયત્નશીલ બન્યાં છે.

ઉર્જા એટલે કે શક્તિ અને વીજળી અત્યારે આવશ્યક બની છે તેવાં સંજોગોમાં વીજળીની કરકસર કે અછત જરાપણ પરવડે તેમ નથી. બીજી તરફ વીજળી મેળવવા માટે બેફામ પણે વાપરવામાં આવતા હાઇડ્રોકાર્બન, ઇંધણ, કોલસા, યુરેનિયમ આધારિત પાવર પ્રોજેક્ટથી વીજળી મળે છે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન, કોલસાની રંજકણ અને વાતાવરણનું વધતું તાપમાન પર્યાવરણને ખૂબ નુકશાન કરે છે. વળી વીજળીના ઉત્પાદન માટે વાપરવામાં આવતા હાઇડ્રો કાર્બનની આયાતથી દેશનું હુંડયામણ પણ મબલખ વપરાઇ જાય છે. ત્યારે વિશ્ર્વ માટે હવે પુન:પ્રાપ્ય ઉર્જાનો વિકલ્પ અપનાવ્યા સિવાય છૂટકો નથી.

પુન:પ્રાપ્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવાના પ્રયોજનને પેરિસમાં યોજાયેલી ગ્લોબલ ક્લાઇમેન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જગતને ચેતાવતા સમસ્યાનો ઉકેલ બતાવતાં હિમાયત કરી હતી કે વિશ્ર્વના દરેક જવાબદાર દેશ પોતાના વાતાવરણનું બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવા માટે ગંભીર બને અને પોતાની જવાબદારી સમજે તો ગ્લોબલ વોર્મિંગની વકરતી સમસ્યા અટકી શકે. તેના માટે સૂર્ય, પવન અને જલ ઉર્જાનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરવાની હિમાયત કરી હતી.

ભારતમાં એ દિશામાં ઝડપથી કામ ઉપાડી લેવામાં આવ્યું છે. તેમાં પણ ગુજરાત મોખરે રહ્યું છે. ગુજરાતના વિશાળ દરિયાઇ કાંઠે પવન ચક્કીઓ મારફતે વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ થઇ ચુક્યું છે. આ જ રીતે કચ્છના અફાટ રણમાં કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં સોલાર પાર્ક ઉભા કરી વીજળીની મહત્તમ જરૂરીયાત પૂરી કરવાની શરૂ થયેલી પ્રક્રિયા હવે પરિણામ દાયી બની રહી છે. ભારતમાં કુલ 1,48,518 મેગા વોટ પુન:પ્રાપ્ય થકી ઉર્જા મેળવવામાં આવે છે. જેમાં સૌથી વધુ સૂર્ય ઉર્જા 1,42,310 મેગા વોટના ઉત્પાદનથી રાજસ્થાન સૌથી મોખરે છે.

આ જ રીતે દેશના તમામ રાજ્યોમાં પુન:પ્રાપ્ય ઉર્જા માટેના પ્રયાસ થઇ રહ્યાં છે સૂર્ય ઉર્જાની જેમ પવન ઉર્જાનું પણ ખૂબ જ મહત્વ રહ્યું છે. ભારતમાં 2015થી શરૂ થયેલી પુન:પ્રાપ્ય ઉર્જાનુ ઉત્પાદન વચ્ચે 2022 સુધીમાં રાષ્ટ્રમાં 175 ગીગા વોટ પુન:પ્રાપ્ય ઉર્જાનું લક્ષ્ય હજુ 450 ગીગા વોટ સુધી લઇ જવાશે. પવન ઉર્જામાં ગુજરાત અવ્વલ નંબરે પહોચ્યું છે. ગુજરાત એક વર્ષમાં 1020 મેગા વોટ વીજળીનું પવન ઉર્જામાંથી ઉત્પાદન મેળવી પહેલો નંબર હાંસલ કર્યો. અત્યારના યુગમાં જે રાષ્ટ્ર પુન:પ્રાપ્ય ઉર્જાનું મહત્વ સમજશે તેનો વિકાસ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.