હવે માધાપર ચોકડીએ પણ બનશે અત્યાધુનિક બસ સ્ટેન્ડ, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મહત્વની જાહેરાત

રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં તાજેતરમાં ઢેબર રોડ પર સેન્ટ્રલ બસ સ્ટેશન પીપીપીના ધોરણે નવું બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે આ બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આવામાં મુખ્ય બસ સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે માધાપર ચોકડી ખાતે બસ સ્ટેશન બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા અગાઉ કરી ચૂકવામાં આવી છે. હાલ માધાપર ચોકડીએ હંગામી બસ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં પીપીપીના ધોરણે અત્યાધુનિક સુવિધા સાથેનું નવુ બસ સ્ટેશન બનાવવા અને રાજ્યમાં 6 નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવા તથા હયાત જૂના 9 બસ સ્ટેશનનું રિનોવેશ કરવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.