Abtak Media Google News

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા આગામી સોમવારથી ધો.9 થી 11 વર્ગો શરૂ કરવાનો સરકારનો નિર્ણય

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા આગામી સોમવારથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે હવે ખૂબ જ નજીકના દિવસોમાં રાજ્યોમાં ધોરણ 6 થી 8ના વર્ગો પણ વિદ્યાર્થીઓની કલરવથી ગુંજી ઉઠે તેવી સુખદ સંભાવના ઉભી થવા પામી છે. જો કોરોનાના કેસમાં ઘટાડો ચાલુ રહેશે તો ઓગષ્ટના બીજી સપ્તાહથી ધો.6 થી 9ના વર્ગો શરૂ કરી દેવા અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો સોમવારથી શરૂ થશે. જેમાં 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે.

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદ્ અનુસાર  સમગ્ર રાજ્યમાં આગામી 26  જુલાઈ થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ ધોરણ-12ના વર્ગો શરૂ કરવાની મંજૂરી અપાવ્યા બાદ હવે ધો.9 થી 11ના વર્ગો પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે હવે ખૂબ જ નજીકના ભવિષ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગો પણ શરૂ કરવાની છૂટ અપાઇ તેવી આશા ઉભી થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.