Abtak Media Google News

દર વર્ષે વિશ્વમાં લગભગ 60000 લોકો કુદરતી આફતના કારણે મૃત્યુ પામે છે તો એવું શું થઈ શકે કે વર્ષો વર્ષ પહેલાથી જ કુદરતી આફતો વિશે જાણી શકાય?

શું તમે જાણો છો કે પૃથ્વી ના કોઈ એક છેડે પૃથ્વી ને જ ડિજિટલ બનાવી દેવા પર પ્રયોગો ચાલી રહ્યા છે? આપણે સહુ જોઈએ જ છીએ કે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે ઘણા જીવો જોખમ માં મુકાય છે. જાણે એવું લાગે છે કે પૃથ્વી માતા પોતાની તકલીફો થી ત્રાસીને આસું સારી રહ્યા છે. આ કુદરતી આફતો પાછળ નું કારણ વાતાવરણ માં હરરોજ ફેલાઈ રહેલું પ્રદૂષણ છે. પૃથ્વીમાતા રોજ પોતાના સ્વાસ્થ્ય ને જોખમ માં મુક્તા દૂષણ સામે લડી રહ્યા છે. જ્યારે આ દૂષણ નું પ્રમાણ અસહ્ય થઈ રહે છે ત્યારે કોઈ ને કોઈ કુદરતી આફત મનુષ્ય ને વિનાશ ના અણસાર બતાવે છે.

પૃથ્વી પર નું પ્રદૂષણ વધવાથી ઘણી બધી સમસ્યાઓ સામે આવી છે. આપણે છાશવારે કોઈ ને કોઈ કુદરતી આફતો વિશે સાંભળીએ છીએ. ટેક્નોલોજી ના માધ્યમ થી હવામાન આગાહીઓ તો થાય જ છે પરંતુ ઘણી આફતો એવી હોય છે જે હવામાન ની આગાહી દ્વારા પારખી શકાતી નથી. ઘણી ખરી આફતો તો મોડી આગાહી ના લીધે પણ ઘણા જીવ લઈ લે છે. આ કારણે એવું કહી શકાય કે પૃથ્વી ની પરિસ્થિતી પ્રમાણે કોઈ એવા માળખા ની જરૂર છે જે આવનારી આફતો વિશે ઘણી અગાઉ થી જાણ કરી શકે.

દર વર્ષે વિશ્વ માં લગભગ 60000 લોકો કુદરતી આફત ના કારણે મૃત્યુ પામે છે. 2019 માં સૌથી વધુ કુદરતી આફત યુનાઇટેડ સ્ટેટ્સ માં થઈ હતી. ભારત નો ક્રમ આ હરોળ માં 5 મો હતો. 2020 માં કોરોના મહામારી ઉપરાંત ઘણી કુદરતી આફતો જોવા મળી હતી. સાઈક્લોન નિસર્ગા, સાઈક્લોન નીવાર, સાઈક્લોન બુરેવી, કેરલ અને આસામ માં પૂર ની ઘટનાઓ અને એવી ઘણી બધી તાજેતર માં બનેલ ઘટનાઓ સામે આવી હતી. ગયા મહિને ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લા માં આવેલ પૂર ના ઘાવ તો હજી તાજા જ છે. તો એવું શું થઈ શકે કે વર્ષો વર્ષ પહેલા થી જ કુદરતી આફતો વિશે જાણી શકાય?

Img 20210302 Wa0000

આધુનિક મુશ્કેલીઓ નો ડિજિટલ ઈલાજ

ડેસ્ટિનેશન અર્થ. એક એવો પ્રોજેકટ જે પૃથ્વી ના વાતાવરણ માં વણસી રહેલા પ્રદૂષણ વિશે આપણને જણાવી શકશે. એક એવો પ્રોજેકટ જે પૃથ્વીની જ એક ડિજિટલ જોડ બનાવી દેશે! હા, તમે સાચું જ વાંચ્યું છે. યુરોપ ના વૈજ્ઞાનિકો એક અદ્ભુત અને મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેકટ મુજબ પૃથ્વી ના ડિજિટલ ટ્વિન બનાવવા ની વાત છે. યુરોપીયન સેંટર ફોર મીડિયમ – રેંજ વેધર ફોરકાસ્ટ(ઊઈખઠઋ), યુરોપીયન સ્પેસ એજન્સી(ઊજઅ), અને યુરોપીયન ઓર્ગનાઇઝેશન ફોર ધ એક્સ્પ્લોઇટેશન ઓફ મેટેરોલોજીકલ સેટેલાઇટ(ઊઞખઊઝજઅઝ) પોતાના સંયુક્ત પ્રયત્નો થી આ યોજના ના શ્રીગણેશ કરી રહ્યા છે. આ પ્રોજેકટ ઇટીએચ જુરિક ખાતે બનશે. સ્વિસ નેશનલ સુપર્કોમ્પુટિંગ સેંટર(ઈજઈજ) આ યોજના પાછળ નું પ્રોગ્રામિંગ અને કમ્પ્યૂટિંગ હાથ ધરશે. આ સાથે તેઓ વિશ્વ માં સૌપ્રથમ વખત પૃથ્વી ની ડિજિટલ નકલ બનાવશે. પરિણામે 2050 સુધી માં કાર્બન મુક્ત થવા નો ઉદ્દેશ્ય પણ પૂરો થઈ શકે એમ છે.

વિજ્ઞાન માં કોઈ પણ પ્રણાલી બનાવતા પહેલા તેનું કમ્પ્યુટર સિમ્યુલેશન (એટલે કે તેની એવી ડિજિટલ નકલ જે તેના જેવી જ વર્તણૂક ધરાવે) થાય છે. આ એક ખૂબ જ સહજ પ્રક્રિયા છે. અત્યારના આધુનિક કમ્પ્યુટર કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગ ને વાસ્તવ માં ઉત્પાદિત કરતાં પહેલા તેના ડિજિટલ સ્વરૂપ માં અવલોકન કરવાની સગવડ પૂરી પાડે છે. આ કારણે બહુખર્ચાળ પ્રણાલિઓ ને વાસ્તવ માં બનતા પહેલા જ તેની વર્ચુયલ ડિઝાઇન સ્વરૂપે મૂલ્યાંકિત કરી શકાય છે. ડેસ્ટિનેશન અર્થ આ જ ખ્યાલ નું એક અતિવિકસિત સ્વરૂપ છે.

જો કોઈ વિજ્ઞાન ની પ્રણાલી ને વાસ્તવિક્તા માં લાવતા પહેલા તેને મૂલ્યાંકિત કરી શકાય તો તે એક પ્રકાર ની આગાહી કહેવાય. જો આ ખ્યાલ પૃથ્વી પર લાગુ પાડી દેવા માં આવે તો? ઉપર જણાવેલ સંસ્થાઓ આ જ યુક્તિ પર કામ કરી રહ્યા છે.

કમ્પ્યુટર ની સ્ક્રીન પાછળ એક એવો પ્રોગ્રામ બનાવવા માં આવશે, જે સંપૂર્ણ રીતે પૃથ્વી ની જેમ વર્તણૂક કરશે. પૃથ્વી ની અંદર જે પણ ભૌતિક અને રસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેની આબેહૂબ ડિજિટલ પ્રતિકૃતિ વિકસિત કરવામાં આવશે. પરિણામે પૃથ્વી પર થઈ રહેલી તથા ભવિષ્ય માં થનારી પ્રક્રિયાઓ વિશે ગાઢ સંશોધન કરી શકાશે.

જો એવું બને તો કે નદી પાસે બનાવવા માં આવેલા બંધ ના કુદરતી વહેણ થી તૂટવા ની કે પૂર આવવા ની સ્થિતિ આપણને બંધ બનાવ્યા પહેલા જ મળી જાય? પૃથ્વી ના આ જોડિયા ડિજિટલ ભાઈ થી આ શક્ય બની શકે. તેના સંશોધનકર્તા વૈજ્ઞાનિકો નું તો એવું કહેવું છે કે પૃથ્વી ના ડિજિટલ ટ્વિન ની મદદ થી આવનારા શતકો સુધીની કુદરતી આફતો વિશે ની આગાહી કરી શકાશે.

પૃથ્વી ના સિમ્યુલેશન ની પ્રક્રિયા અત્યાર સુધી ફક્ત સેટેલાઇટ ડેટા સંદર્ભે થઈ છે. સેટેલાઇટ દ્વારા લેવાયેલ ચિત્રો ને થ્રીડી ઇમેજ માં બદલી શકાય છે. આ પરથી વર્તમાન સમય માં આબોહવા અને વાતાવરણ વિશે ની આગાહીઓ કરવામાં આવે છે. પરંતુ યુરોપીયન વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવા માં આવેલ ટ્વિન અર્થ માટે ની યોજના એક નવા જ ઊંચા પાયા પર બેઠી છે. અહી પ્રચંડ કમ્પ્યૂટિંગ શક્તિ ધરાવતા સુપર કમ્પ્યુટર ની મદદ થી એક આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ બનાવવા માં આવશે. આ કમ્પ્યુટર એક એવા પ્રોગ્રામ માટે દોડશે જે પૃથ્વી ની અંદર રહેલી દરેક પ્રકાર ની પ્રક્રિયાઓ ની આબેહૂબ વર્તણૂક કરશે. આ યોજના વાસ્તવ માં તો કમ્પ્યુટર સ્ક્રીન ની અંદર રહેલ પૃથ્વી જ હશે. પરંતુ તેની અંદર રહેલ પ્રોગ્રામ સમગ્ર પૃથ્વી પાછળ રહેલા વિજ્ઞાન ના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય થી અવગત હશે. પૃથ્વી પર થતાં પ્રદૂષણ થી શરૂ કરી ને મનુષ્ય ની પૃથ્વી પર અસર પણ જાણી શકાશે.

2021 ના મધ્ય ભાગ માં શરૂ થનાર આ પ્રોજેકટ પૃથ્વી ના દરેક સજીવ અને વાતાવરણ ના એક સાથે સંકળામણ ને એકદમ વાસ્તવિક રીતે પ્રતિબિંબિત કરશે. મનુષ્ય ની મહત્વકાંશા નું હજુ એક પ્રચંડ દ્રષ્ટાંત એવું ડિજિટલ ટ્વિન અથવા તો ડેસ્ટિનેશન અર્થ વિશ્વ ની દરેક કુદરતી આફતો સામે એક બ્રમ્હાસ્ત્ર સ્વરૂપ સાબિત થશે.

વાઇરલ કરી દો હવે

આ પૃથ્વી ના ડિજિટલ ટ્વિન ની વાત તો બરોબર, પણ આજ થી શતક બાદ આપણાં વંશજો વાસ્તવિક બ્રાંહાંડ માં રહેતા હશે કે ડિજિટલ બ્રમ્હાંડમાં?

તથ્ય કોર્નર

પૃથ્વી ના ડિજિટલ ટ્વિન બનાવવા 20000 ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ ની જરૂર પડશે. આ કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ રાખવા 20 મેગાવોટ જેટલી વીજળી જોશે

ટ્વિટ અ બીટ..

જો ડિજિટલ અર્થ થી પૃથ્વી સંદર્ભે આગાહીઓ કરી શકાય તો શું બ્રમ્હાંડ માં થતી કોસ્મિક ઈવેન્ટ નું ડિજિટલ ટ્વિન ના બને?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.