Abtak Media Google News

અબતક, રાજકોટ : હવે રાજકોટથી મુંબઈ એક જ દિવસમાં આવ- જા કરી શકાશે. આ વાત માનવામાં આવે તેવી નથી પણ તથ્ય છે. કારણકે સેમિ હાઇસ્પીડ રેલથી રાજકોટ-અમદાવાદનુ અંતર માત્ર બે કલાકમાં જ કાપી શકાશે. ત્યારબાદ ત્યાંથી કનેકટિંગ ટ્રેન તરીકે બુલેટ ટ્રેનથી મુસાફરી કરી મુંબઈ માત્ર 3 કલાકમાં જ પહોંચી શકાશે. આમ કુલ 5 કલાકમાં રાજકોટથી મુંબઈ જઇ શકાશે.

હવે રાજકોટથી મુંબઈ એક જ દિવસમાં આવ- જા કરી શકાશે!!

સેમિ હાઇસ્પીડ રેલથી રાજકોટ-અમદાવાદનુ અંતર માત્ર બે કલાકમાં જ કાપી શકાશે, અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન મારફતે માત્ર ત્રણ કલાકમાં જ પહોંચી શકાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટમાં કેંદ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ગાંધીનગરમાં કેંદ્રીય રેલવે મંત્રીએ ફળદાયી બેઠક યોજી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે પ્રોજેક્ટના પ્રધાનમંત્રીના હસ્તે થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણમાં ગાંધીનગર થી પ્રત્યક્ષ સહભાગી થવા રેલવે મંત્રી ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી.

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે. અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની ૨૨૦ કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ થશે.

આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો  ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે. મુખ્યમંત્રીએ ફાટક મુક્ત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે અને રાજ્યના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેક્ટનો મુળ હેતુ છે.

વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુક્ત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યો હતો. રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતના આ મહત્વકાંક્ષી અને મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ વેળાસર પૂર્ણ થાય તે માટે તેમના મંત્રાલય તરફથી જરૂરી યોગ્ય મદદ-સહાયની ખાતરી આપી હતી.

રાજકોટ- અમદાવાદ સેમિહાઈ સ્પીડ રેલ પ્રોજેકટ કેન્દ્રમાં મંજૂરીના આખરી તબક્કામાં

રાજકોટ- અમદાવાદ સેમિહાઈ સ્પીડ રેલ પ્રોજેકટ  DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે. હવે આ પ્રોજેકટ કેન્દ્ર સરકાર પાસે મંજૂરીના આખરી તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હકારાત્મક અભિગમને કારણે આ પ્રોજેકટને હવે જલ્દીથી મંજૂરી મળી જાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે.

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ  4 વર્ષમાં થશે સાકાર

દેશની સૌથી પ્રથમ હાઈસ્પીડ રેલ્વે કોર્પોરેશનનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના સ્ટક્ચર બનાવવાની કામગીરી શરુ છે. બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ અંદાજે 1.01 લાખ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. જેમાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી 81% રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે. આ સંપૂર્ણ પ્રોજેકજટમાં 14 નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવશે. 42 મુખ્ય રસ્તાઓને ક્રોસ કરશે.

જ્યારે રેલવે ક્રોસિંગને ક્રોસ કરશે અને 350 મીટરની એક ટનલ બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. જયારે બુલેટ ટ્રેન માટે જમીન એક્વાયર કરવાની કામગીરી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર્ણ થાય ચુકી છે. જ્યારે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તરોમાં જમીન એક્વાયર કરવાની કામગીરી બાકી છે. હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા બુટેલ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે.અમદાવાદથી વાપી સુધી L&T દ્વારા કામ હાથ ધરવામાં આવશે.

જયારે વાપીથી બાંદ્રા વચ્ચે ટાટા ગ્રુપને કામગીરી સોંપવામાં આવી છે. આ બુલેટ ટ્રેન 10 ડબ્બા અને 750 યાત્રીઓની ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે508.17 કિમીના રુટમાં 12 જેટલા સ્ટેશનો અમદાવાદ મુંબઈ વચ્ચે તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ મુંબઇ વચ્ચે આવતાં 28 બ્રિજના કોન્ટ્રાક પણ આપી દેવામાં આવ્યા છે. આ કામના રૂપિયા એક હજાર ત્રણસો નેવું કરોડનો કોન્ટ્રાક L&T અને IHI ઇન્ફ્રા સ્ટક્ચર કંપનીને આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.