Abtak Media Google News

કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનના અભાવે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે એવા માહોલમાં જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવમાં ઉનાળાના આકરા તાપને  કારણે પાણી સુકાઈ જવાથી પાણીમાં ઓક્સિજન લેવલ ઘટી જતા અસંખ્ય માછલાઓના મોત થવાની ઘટના સામે આવતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ દોશી અને જૈન સંઘના પૂર્વ મંત્રી હિતેષભાઇ સંઘવિના જણાવ્યા અનુસાર, તેઓ માછલીને રાબેતા મુજબ લોટ નાખવા માટે નરસિંહ મહેતા તળાવ ગયા હતા. તે દરમિયાન સંખ્યાબંધ નાની માછલાઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

માછલીના મોત પાણીમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અગાઉ ત્રણ મહિના પહેલા નરસિંહ મહેતા સરોવરમાં ત્રણ ફૂટની મોટી માછલીઓ મરી ગઈ હતી. આ પ્રશ્ને ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માજી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને મનપામાં રજૂઆત કરતા જનરલ બોર્ડમાં પ્રશ્ન રજૂ થયો અને તળાવના પાણીમાં ઓક્સિજન જળવાઇ રહે તે માટે રોજ પાણીના 5 ટાંકા નાખવા સંમતિ અપાઈ હતી. પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી.

જો કે, જુનાગઢના રસ્તા ખરાબ હતા ત્યારે રોજના 1 લાખ લીટર પાણી શહેરના માર્ગ પર છાંટવામાં આવતું હતું. પરંતુ આ માછલીઓને બચાવવા તળાવમાં પાણી ઠલાવવામાં આવતું નથી. તેથી નરસિંહ મહેતા સરોવરમાં રોજ 50 હજાર લિટર પાણી ઠાલવવા માટે જીવ દયા પ્રેમીઓ માંથી માંગ ઉઠવા પામી છે. જેથી નવા પાણી આવવાથી ઓક્સિજન લેવલ વધે અને ઓક્સિજન લેવલ ઘટવાના કારણે થતા માછલાઓના મોત અટકાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.