- અપાર આઈડી, આધાર કાર્ડ અને એલસી સહિતના તમામ ડોક્યુમેન્ટમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે લેવાયો નિર્ણય
ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂ થયું છે, ત્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડયાનું પ્રમાણપત્ર (કઈ) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળક એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે-તે શાળામાંથી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ/શાળા છોડયા બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ લીવિંગ સર્ટિફિકેટમાં બાળકનું નામ, પિતા, માતાનું નામ, અટક,જન્મતારીખ જેવી મહત્ત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે.હાલમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ માપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ બાબત ધ્યાને લેતાં હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025થી શરૂ થઇ રહ્યું છે, ત્યારે જે બાળકોને લીવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે તેમજ શાળામાં નવો પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકનું આખું નામ લખવામાં નામને અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે જરૂરી છે, જેથી અપાર આઈડી, આધારકાર્ડ અને કઈ જેવા તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઇ રહે તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025થી જે બાળકોને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે તેમજ સ્કૂલમાં પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેમાં બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા અપાર આઈડી, આધાર કાર્ડ અને એલસી તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે શાળાઓને રાષ્ટ્રીય ઓળખ દસ્તાવેજીકરણ ધોરણો સાથે સુસંગતતા જાળવવા માટે આગામી શૈક્ષણિક સત્રથી આ ફેરફારનો કડક અમલ કરવા વિનંતી કરી છે. આ નિર્ણય લાંબા ગાળે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એમ ત્રણેય માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે તે દસ્તાવેજો સંબંધિત ઘણી પ્રવર્તમાન સમસ્યાઓનો અંત લાવશે.