હવે કોવિડ માટે કોઈ મર્યાદા નહીં.. રઝળતી જિંદગી માટે દરેક હોસ્પિટલના દ્વાર ખોલી દેવા CM રૂપાણીના આદેશ !!

0
37

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે કોવિડ માટે કોઈ મર્યાદા નહીં…. કોરોના ગ્રસ્ત દર્દીઓ હવે તમામ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ મેળવી શકશે. રઝળતી જિંદગી માટે દરેક હોસ્પિટલના દ્વાર ખોલી દેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ જારી કર્યા છે. તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને 15મી જુન સુધી કોવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. આ માટે હવે કોઈ મંજૂરીની પણ આવશ્યકતા રહેશે નહીં.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, અગ્રસચિવ ડો. જયંતી રવિ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં અત્યંત મહત્વના નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. આગામી તા. 15મી જુન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને કોવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઇ પણ જાતની મંજુરી મેળવવાની રહેશે નહીં અને જે-તે કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતની જાણ કરવાની રહેશે.

મુખ્યમંત્રીએ બીજા મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે તજજ્ઞ ડોક્ટરો માટે માસિક રૂ. 2.5 લાખ, મેડિકલ ઓફિસરો માટે માસિક રૂ. 1.25 લાખ, ડેન્ટલ ડોકટરો માટે માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટર્સ અને હોમિયોપેથી ડોક્ટર્સ  માટે માસિક રૂ. 35 હજાર, જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયન માટે માસિક રૂ. 18 હજાર અને વર્ગ 4ના કર્મચારીઓ માટે માસિક રૂ. 15 હજારના માનદ વેતનથી 3 માસ માટે નવી નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે.

બેડની સંખ્યા વધારીને આજે લગભગ 78 હજાર જેટલી કરવામાં આવી છે. પરંતુ વધતા જતા સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે આ વ્યવસ્થા પણ અપૂરતી બની રહી છે. તો સરકારે મેડીકલ અને પેરામેડીકલના વિવિધ સંવર્ગના કર્મીઓને દર્દીઓની સેવામાં રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા જલદીથી જોડાઇ જવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here