Abtak Media Google News

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર તરફ દ્વારા નવા આઈટી નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈનને લઈ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઘણાં વિવાદ અને સંઘર્ષ બાદ સરકારે નિયમો કડકાઈ પૂર્વક લાગુ કરી જ દીધા છે. અને તેને ન માનનાર કંપનીઓ સામે આકરા પગલાં ભરવાનું પણ શરૂ કરી દીધું છે. સરકારે વારંવાર ચેતવણી આપ્યા હોવા છતાં નવા નિયમોનું પાલન ન કરવા બદલ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સરકારે ટ્વિટર પાસેથી “સેફ હાર્બર” ઈન્ટરમીડિયેટનો દરજ્જો લઈ લીધો છે. જેથી હવે તો ટ્વિટર કઈ પણ ભૂલ કરશે તો પાંજરે પુરાશે.

નવા આઈટી નિયમો ન માનનાર સોશિયલ મીડિયા જાયન્ટ્સ સામે સરકારની આકરી કાર્યવાહી શરૂ

સ્ટેચ્યુટરી ઓફીસરની નિમણુંક કરવામાં ટ્વિટર નિષ્ફળ જતા સરકારે ઈન્ટરમીડિયેટનો દરજજો છીનવ્યો, ગેરકાયદે ક્નટેન્ટ, કમેન્ટ માટે તે જ ગણાશે જવાબદાર

ટ્વિટરે તેની મધ્યવર્તી સ્થિતિ ગુમાવી છે. ટ્વિટર સ્ટેચ્યુટરી ઓફિસરની નિમણુંક કરવામાં નિષ્ફળ જતા સરકારે આ આકરી કાર્યવાહી કરી છે. તેના પ્લેટફોર્મ પર જો કોઈ વ્યક્તિ કે સમૂહ કે અન્ય કોઈ ત્રીજો પક્ષ ગેરકાયદે કમેન્ટ, કન્ટેન્ટ કે કોઈ પોસ્ટ કરશે તો તેની માટે આ થર્ડ પાર્ટી સિવાય ટ્વિટર પણ જવાબદાર ગણાશે. એટલે કે, હવે જો આ વિષય અંગે કોઈ ફરિયાદ મળે તો ટ્વિટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. જેલના સળિયા પણ ગણવા પડી શકે છે.

5 જૂને સરકારે નિયમોનું પાલન કરવાની અંતિમ ચેતવણી આપી હતી

ઉલ્લેખનીય છે કે નવા નિયમોના પાલન માટે ટ્વિટરને અંતિમ ચેતવણી 5 જૂને સરકાર દ્વારા આપવામાં આવી હતી. આઈટીના નવા નિયમોમાં ફરિયાદી અધિકારીની નિમણૂક, સ્ટેચ્યુટરી ઓફિસર ઉપરાંત નોડલ ઓફિસરની નિમણુક કરવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. પરંતુ વારંવાર ચેતવણી આપવા છતાં પણ આ મુદ્દે કોઈ એક્શન ન લેતા સરકારે એક્શન મોડમાં આવી ટ્વિટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

મેસેજિંગ એપ સિગ્નલ પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વચગાળાના દરજ્જાની સમાપ્તિ પછી આ બંને પ્લેટફોર્મ્સ સામાન્ય માધ્યમોની શ્રેણી હેઠળ આવશે અને ત્યારબાદ વિદેશી રોકાણ મર્યાદા વગેરે પર પ્રતિબંધ પણ શરૂ થશે. નોંધનીય છે કે ગત ફેબ્રુઆરી માસમાં ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયે ઇન્ટરનેટ મીડિયા માટે નવા નિયમો જારી કર્યા હતા. ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મને આ નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે 25 મેના રોજ સમાપ્ત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.