Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

ગુજરાત રાજ્ય એસટી નિગમના કર્મચારીઓ આજે રાત્રીથી હડતાળ મુદ્દે અડગ રહ્યા છે તેમજ વિવિધ ૨૦ જેટલી માંગ રાજ્ય સરકાર દ્વારા ન સ્વીકારાય તો રાત્રે ૧૨ વાગ્યાથી ગુજરાતમાં સ્વયંભૂ હડતાળ યોજાશે. જેમાં ગુજરાતના 40,000થી વધારે કર્મચારીઓ જોડાશે. તેમ ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્ય એસટી નિગમના કર્મચારીઓ તેમજ સરકાર વચ્ચે વિવિધ માંગણીઓના પગલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. 15 દિવસ અગાઉ એસટી કર્મચારી સંઘ દ્વારા ૨૦ જેટલી માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી.

15 દિવસ નો સમયગાળો પૂર્ણ થવા છતા રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિવેડો ન આવતાં આજે રાત્રીના ૧૨ વાગ્યાથી ગુજરાતના ૪૦ હજારથી વધારે કર્મચારીઓ એસ. ટી.ડેપોથી અળગા રહેશે. જેના પગલે ગુજરાતની તમામ એસટી બસો બંધ થઈ શકે તેવી સંભાવના છે. જો કે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના આઠ ડેપો સહિત અરવલ્લી જીલ્લામાં પણ એસટી હડતાળની વ્યાપક અસર થઇ શકે છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન ૩૫થી ૪૦ લાખની આવક સાથે 1 લાખ ૨૫ હજારથી વધારે મુસાફરો માટે એસટી બસની હડતાળથી મુશ્કેલી સર્જાઈ શકે છે.

આ અંગે માહિતી આપતા સાબરકાંઠા જિલ્લાના ડેપો મેનેજર એચ.જી.ગોસ્વામીએ જણાવ્યુ કે સાબરકાંઠા જિલ્લો મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે સેતુરૂપ હોવાના પગલે અન્ય રાજ્યોના પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જેમાં સાબરકાંઠાના 8 ડેપો સહિત 560 જેટલા રૂટ ઉપર દોડતી રહેલી એસટી બસ બંધ થવાથી વિદ્યાર્થીવર્ગ સહિત કાયમી અપડાઉન કરનારા લોકો માટે પણ ભારે પરેશાની સર્જાઇ શકે છે

હડતાળના મુખ્ય મુદ્દા કયા..??

Screenshot 1 72જોકે દિન-પ્રતિદિન વધતી રહેલી મોંઘવારી મામલે આ વખતે કર્મચારીઓ માટે ૨૦ જેટલી પડતર માંગણીઓ મા સૌથી મોટો મુદ્દો મોંઘવારી ભથ્થાનો રહેલો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા 28 ટકા જેટલો મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે જ્યારે એસટી કર્મચારીઓને માત્ર 12 ટકા જેટલું મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે જેના પગલે ભારે વિરોધાભાસ સર્જાયો છે સાથોસાથ પગાર ધોરણમાં પણ વિસંગતતા હોવાથી એસટી કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

એસટી કર્મચારી સંગઠનના પ્રમુખ રામજી દેસાઈએ કહ્યું કે આ મામલે અગાઉના સમયમાં વિવિધ બેઠકો કરી હડતાળ પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા કેટલીક માંગો સ્વીકારી કર્મચારી સંઘ હડતાળ સુધી જઈ શક્યો ન હતો. જો કે મૂળભૂત માંગો પર કોઈ નિર્ણય ન લેવાતા આ વખતે એસટી નિગમના વિવિધ ત્રણ જેટલા સંગઠનો એકરૂપ બની રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.