હવે, પ્લેનની મુસાફરીમાં પણ ડ્રોન સાથે લઈ જવાની છુટ મળશે..!!

અબતક, નવી દિલ્હી

હવે ડ્રોનને ઉડાન ભરવાથી કોઈ રોકી નહીં શકે…!! સરકાર ડ્રોનના ઉપયોગ અંગેના એક પછી એક નિયમોમાં છૂટછાટ આપી રહી છે. ત્યારે હવે, સરકાર પ્લેનની મુસાફરીમાં પણ ડ્રોનને સાથે લઈ જવાની યાત્રિકોને છૂટછાટ આપે તેવી તીવ્ર શક્યતા જણાઈ રહી છે. આ માટે સરકાર વિચારણા કરી રહી છે અને ટૂંક જ સમયમાં જાહેરાત કરે તેવી સંભાવના છે. અત્યાર સુધી (ઘરેલું) ફ્લાઇટમાં ડ્રોન લઇ જઈ શકાતા નથી. પરંતું હવે સરકાર આ માટે મંજૂરી આપશે.

રજાના દિવસોમાં ફરવાલાયક સ્થળો અથવા તો કામના સ્થળે યાત્રિકો ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન સમયે ડ્રોનને સાથે લઈ જઈ શકશે. પણ શું ડ્રોનન3  હેન્ડ બેગમાં લઈ શકાય કે ચેક-ઇન સામાન અને કેવી રીતે..?? સરકાર દ્વારા આ બાબતો પર કામ કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે, અન્ય દેશોના નિયમોનું પાલન કરવાની જરૂર પડશે. દેશની અંદર વેકેશનમાં હવે ગ્રેટ ક્લિઆરિટી કેમેરા સાથે આવતા નેનો ડ્રોન (250 ગ્રામ સુધીનું વજન) લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે નિયમો અંગે સરકાર વિચારાધીન છે.

ગત મહિને ડ્રોનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી અને માર્ચમાં લાગુ કરાયેલા કડક નિયમો મુજબ, હવાઈ મુસાફરી દરમિયાન ડ્રોન વહન હજુ પણ ગ્રે એરિયામાં છે. જે લોકો પાસે નેનો અને માઇક્રો (251 ગ્રામ અને 2 કિલો વજનવાળા) ડ્રોન બિન-વ્યાપારી અથવા વ્યક્તિગત ઉપયોગ માટે છે તેમને દૂરસ્થ પાયલોટ લાઇસન્સની જરૂર નથી. તે ઉપરાંત, મોડેલ રિમોટ પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ અને નેનો ડ્રોનને પણ પ્રમાણપત્રની જરૂર નથી તેમ છૂટછાટ આપવામાં આવી હતી.