સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૦ ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ રાખવા એનએસયુઆઈની માંગ

એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પીપીઈ  કિટ પહેરીને કુલપતિને લેખિત રજૂઆત કરી: પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ સાથે લેવાશે અને તમામ વિદ્યાર્થીઓને વીમા કવચ પૂરું પાડવામાં આવશે: યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ૧૦મી ડિસેમ્બરથી વિવિધ પરીક્ષા શરૂ થનાર છે ત્યારે હાલ કોરોના સંક્રમણ વધતું હોવાથી આ પરીક્ષા મોકુફ રાખવા માટે રાજકોટ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પીપીઈ કીટ પહેરી યુનિવર્સિટી પહોંચ્યા હતા. પીપીઈ કીટ પહેરી કોરોના અંગે ભય વ્યકત કર્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય-હાયના નારા લગાવ્યા હતા. તેમજ પરીક્ષાઓ મોકુફ રાખવા અંગે કુલપતિ પેથાણીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. કોરોના કાળમાં રાત્રી કફર્યું, લગ્ન પર નિયંત્રણ, રાજકીય કાર્યક્રમો બંધ છે છતાં પરીક્ષાઓ કેમ ચાલુ રાખવામાં આવે છે તેવા વેધક સવાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કુલપતિને પુછયા હતા. જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જો કે આજે એનએસયુઆઈએ કરેલી રજૂઆત બાદ ૧૦મીથી શરૂ થનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજીની પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ અને પુરતી તકેદારી સાથે લેવામાં આવશે અને ૧૫૦૦૦થી વધુ વિદ્યાર્થીને વિમા કવચ પુરું પાડવામાં આવશે તેમ કુલપતિએ જણાવ્યું હતું.

રાજકોટ એનએસયુઆઈના જિલ્લા પ્રમુખે રોહિતસિંહ રાજપુતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વચ્ચે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા લેવા માંગે છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. મહાનગરોમાં પણ રાત્રી કફર્યું લાદવામાં આવ્યું છે. ત્યારે દરરોજ રાજકોટમાં ૧૦૦થી વધુ કોરોનાના કેસ આવે છે અને મૃત્યુ પણ થાય છે. આ વચ્ચે પરીક્ષા યોજવી જોખમકારક સાબીત થઈ શકે તેમ છે. જેથી આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી અમારી પ્રબળ માંગ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, એક તરફ સરકાર સામાન્ય માણસની અંતિમ ક્રિયામાં પણ ૪૦થી વધુ લોકોને મંજૂરીની નથી આપતા ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો હજારોની સંખ્યામાં પરીક્ષા યોજવા જઈ રહી છે. ત્યારે વાલીઓને પણ પોતાના બાળકોની સ્વાસ્થ્યની ચિંતા છે. જો કે પરીક્ષા લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સજ્જ છે તે ટસની મસ નહીં થાય અને આ નિર્ણય જો તત્કાલન પાછો ખેંચવામાં નહીં આવે તો એનએસયુઆઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.