- આધુનિક નર્સિંગના પ્રણેતા ફલોરેન્સ નાઈટિંગેલના જન્મદિવસ અવસરે આ દિવસ ઉજવાય છે: નર્સોને અસંખ્ય પડકારોનો સામનો કરવો પડે છે :
- ઇમરજન્સી વોર્ડમાં નર્સોની સખત મહેનત-સમર્પણની ભાવના જ દર્દીને આપે છે ‘નવજીવન’
- નર્સ બિમાર, ઇજાગ્રસ્ત અને મૃત્યુ નજીક પહોંચેલા દર્દીની ઉમદા સાર-સંભાળ સાથે મહત્વપૂર્ણ મેડિકલ સેવા સહાયમાં મદદરૂપ થાય છે : દર્દીના જીવનમાં આવતા બદલાવમાં ડોક્ટરની સાથે નર્સિંગ સિસ્ટમનો પણ ફાળો હોય છે.
- સારવારની કટોકટી સમયે નર્સની ભૂમિકાનો મહત્વની હોય છે. ઇમરજન્સી વોર્ડમાં કામ કરતી નર્સોને તેના કાર્યકારી જીવનમાં અસંખ્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે : એક વ્યવસાય તરીકે નર્સિંગને વિશેષ સ્તરની કરૂણાની જરૂર પડે છે.
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ નર્સ દિવસ તરીકેની ઉજવણી થઈ રહી છે, ત્યારે તબીબી નિદાન અને સારવારમાં નર્સની ભૂમિકાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાઈ અને તેની સેવાને પ્રોત્સાહન અપાય તે માટે આ દિવસ ૧૯૫૩ થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.૧૯૬૫ માં વૈશ્વિક લેવલે અને ૧૯૭૪ થી વિશ્વના તમામ દેશોમાં ઉજવાય છે. લોક આરોગ્ય માટે નર્સની ભૂમિકા અહમ છે. અકસ્માત સમયે ઇમરજન્સીમાં તેની વિશેષ કાળજી, સમયસુચકતા દર્દીનું જીવન બચાવી શકે છે. આવા સમયે તેને ઝડપથી કાર્ય કરવા સતત ખડે પગે રહેવું પડે છે. આ વર્ષની ઉજવણી થીમ “આપણી નર્સો આપણું ભવિષ્ય” છે. નર્સોની સુખાકારી અને વિશ્વભરમાં સ્થિતિસ્થાપકતા આરોગ્ય પ્રણાલીને મૂળભૂત બનાવવા તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નર્સોનું યોગદાન અપાર છે. નર્સો પીડા વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વર્ષો પહેલા આજની જેમ પ્રાઇવેટ હોસ્પિટલો ન હતી ત્યારે વિસ્તારની નજીકના ડોક્ટર પાસે મોટાભાગના ટ્રીટમેન્ટ માટે જતાં હતા. આજે તબીબી સુવિધામાં નવાયુગની હવા સાથે અદ્યતન મેડીકલ સવલતો અને નિદાન સારવારનો લાભ મળી રહ્યો છે. બાળકોની, મહિલાઓની અને બાકીના જનરલ તમામ માટે સરકારી હોસ્પિટલની સુવિધા હતી જે આજે પણ છે, જ્યાં આજે પણ ઓપરેશન સહિત તમામ મેડીકલી સુવિધા ફ્રી મળે છે, પણ આજના યુગમાં મલ્ટીસ્ટોરી હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ થતાં લોકો પ્રાઇવેટમાં વિશેષ રૂપથી બતાવા જાય છે. જીવન-મરણ વચ્ચેની ઇમર્જન્સી હોય ત્યારે પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્ર-વર્તુળ સાથે તમામ હોસ્પિટલમાં ખડે પગે જોવા મળે છે.
તબીબી સારવારમાં ડોક્ટર સાથે ટ્રેઇન્ડ નર્સીંગ સ્ટાફની પણ એટલી જ જરૂરિયાત છે. ડોક્ટરના રાઉન્ડ બાદ બાકીના સમયમાં દર્દીની સેવા, દવા, બાટલા ચડાવવા, ડ્રેસીંગ જેવી તમામ કામગીરી આ સ્ટાફ કરે છે. ઇમર્જન્સી વોર્ડમાં કાર્યરત નર્સોની તો મહત્વની કામગીરી હોવાથી અને જીવન-મરણ વચ્ચે જોલા ખાતા સીરીયસ દર્દીઓની સંભાળમાં તેની મહેનત-પ્રયાસ એક સલામને પાત્ર છે. સખત કામ, સમય મર્યાદામાં કાર્ય સાથે દર્દીના સગાઓને સતત જવાબો આપતાં રહેતા હોવા છતાં ક્યારેય નર્સોને ગુસ્સો નથી આવતો. દર્દીના ઇમરજન્સીમાં દિવસ દરમ્યાન અને ખાસ રાત્રીના સમયે નર્સોની કામગીરી વધુ બને છે.
આજે આવી રાષ્ટ્રીયસ્તરની કટોકટીમાં નર્સની કામગીરીને બિરદાવવા માટેનો દિવસ છે. ઇમર્જન્સી વોર્ડમાં નર્સોની સખત મહેનત અને સમર્પણની ભાવના જ દર્દીને નવજીવન આપે છે. આઇસીયુમાં એક સાથે ચાર-પાંચ દર્દી ઇમર્જન્સી હોય ત્યારે દિવસ-રાત જોયા વગર આ કાર્ય નર્સો જ સફળતાથી પાર પાડે છે. તબીબ સાથેનું સીધુ સંકલન એટલે નર્સ. દર્દીની ટ્રીટમેન્ટ ગાઇડન્સ મુજબ, નિયત ડોઝ મુજબ કાર્ય કરીને નર્સો મહત્વનું સેવા કાર્ય કરે છે. તે બિમાર ઇજાગ્રસ્ત અને સીરીયસ દર્દીની ઉમદા સેવા અને સાર-સંભાળમાં જ તેનું જીવન વ્યતિત કરે છે. દર્દીના નવજીવનમાં આવતા બદલાવમાં ડોક્ટરની સાથે નર્સો પણ વિશેષ ફાળો હોય છે. ઇમર્જન્સી વોર્ડમાં કાર્ય કરતી નર્સો તેના કાર્યકારી જીવન દરમ્યાન અગણિત મુશ્કેલીનો સામનો કરે છે. એક વ્યવસાય તરીકે નર્સીંગને વિશેષ સ્તરની કરૂણાની જરૂર પડે છે. દયા, કરૂણાની દેવી નિસ્વાર્થભાવે દર્દીની સેવા-સારવાર કરીને સમાજમાં મહત્વની કામગીરી કરે છે, ત્યારે આજનો દિવસ જ નહી પણ 365 દિવસ તેને સન્માન આપવું આપણી નૈતિક ફરજ બને છે. દર્દીના સગાઓ દ્વારા ગમે તેમ ગુસ્સે થઇને તેની સામે થતી વાતચિત પણ તેને ગુસ્સો અપાવતો નથી. તેના માટેનો દર્દી જ પ્રથમ અગ્રતા હોય છે.
કોરોના કાળમાં ડોક્ટરો સાથે આ નર્સોએ પણ જીવના જોખમે સખત ચેપવાળા વાતાવરણમાં પી.પી.ઇ. કીટ પહેરીને અનન્ય સેવા કરીને ખરા અર્થમાં કોરોના વોરિયર બન્યા હતા. આજનો દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઇમર્જન્સીમાં સેવા આપતી નર્સોની સાથે તમામ નર્સની સખત મહેનત અને સમર્પણને સન્માન આપવાનો હેતુ છે. આ મે મહિનાનું બીજું સપ્તાહ વિશ્વભરમાં નર્સ સપ્તાહની પણ ઉજવણી થાય છે.
નર્સોના કાર્યની પ્રશંસા સાથે ઇમર્જન્સી વોર્ડમાં એક ખાસ પ્રકારની વ્યક્તિની જરૂર પડે છે, તે આ છે નર્સ. સંકટ સમયે ત્વરિત નિર્ણય લઇને તેને કરેલ કામગીરીથી બુઝાતો દિપક ફરી પ્રજ્જવલિત થાય છે. તેનું કામ મુખ્યત્વે તબીબને મદદ કરવાનું છે. આઇસીયુ, આઇસીસીયુ જેવા અગત્યના વોર્ડમાં દર્દીઓને સલાહ આપવી, નાની તબીબી કામગીરી કરવી, તબીબી સાધનોનો ઉપયોગ કરવો, દવાનું સંચાલન કરવું, લાંબા ગાળાની સંભાળની જરૂરિયાતોનું આયોજન કરવું, દર્દીની આરોગ્ય સ્થિતિનું સતત નિરીક્ષણ કરવું જેવું વિવિધ કાર્ય નર્સો જ કરે છે. હોસ્પિટલમાં તબીબ સાથે એક મહત્વનો રોલ નર્સીંગનો છે.
રોજીંદા જીવનમાં તેની કાર્ય ડ્યુટીનું વિશેષ મહત્વ છે. શહેરમાં રોગચાળો ફાટી નીકળે, અકસ્માતો કે અન્ય તાત્કાલીક તબીબી સંભાળની જરૂરિયાત ઉભી થાય ત્યારે આ નર્સો જ મહત્વની કામગીરી કરે છે. ઇમર્જન્સીમાં દર્દી આવે ત્યારે દર્દીની જરૂરિયાતનું મૂલ્યાંકન સાથે તેમની સંભાળ અને ટ્રીટમેન્ટને તાત્કાલીક ધોરણે પ્રાથમિકતા આપીને નર્સ મહત્વનો રોલ અદા કરે છે. નર્સો માટે આજે વિવિધ કોર્સ પણ ચાલે છે, હોસ્પિટલમાં તાલિમ પામેલ ટ્રેઇન્ડ નર્સ જ ફરજીયાત હોવી જરૂરી છે. તે સમસ્યાનું નિદાન કરવા પણ સક્ષમ હોય છે. દર્દીની ઝડપથી સ્વસ્થતા તરફ પાછા લાવવાનું કામ નર્સનું હોય છે.
નર્સો ઉચ્ચ દબાણ હેઠળ કાર્ય કરે છે જેમાં રાત્રીની ડ્યુટી તો બહુ જ કઠીન હોય છે, તેથી જ નર્સો ધીરજવાન, દબાણ હેઠળ શાંત અને કરૂણાશીલ હોય છે. તેમનામાં અસાધારણ શક્તિ સાથે કટોકટી સમયમાં પણ ઉમદા કાર્ય કરવાની અદ્ભૂત શક્તિ હોય છે. ૧૯૬૫ થી આ ઉજવણી થાય છે, વૈશ્ર્વિકસ્તરે ઇમર્જન્સી વોર્ડમાં નર્સિંગ પ્રોફેશનલ્સની ઉત્કૃષ્ટ પ્રતિબધ્ધતા પર પ્રકાશ પાડવા કાર્યક્રમો પણ થાય છે. ૨૦૦૧ માં ઇમર્જન્સી નર્સિંગ વીક સેલિબ્રેશન શરૂ થયું હતું.
નર્સો-નેતૃત્વ કરવા માટેનો એક અવાજ, ભવિષ્યની આરોગ્ય સંભાળ માટે એક વિઝન
નર્સિંગ ધ વર્લ્ડ યુ હેલ્થ સાથે બધા માટે આરોગ્ય અને માનવ અધિકારો સાથે સિધા સંપર્કોમાં તબીબની સાથે નર્સિંગ સ્ટાફની મહત્વની કામગીરી આવે છે. ભવિષ્યની આરોગ્ય સંભાળ માટેનું એક વિઝન એટલે નર્સ છે. કોઇપણ દેશના આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમી હોય છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે હોય છે. વિપરીત સંજોગોમાં દર્દીનું ધ્યાન રાખવા આ નર્સો ૨૪ કલાક કામ કરે છે. કોરોના કાળ દરમ્યાન નર્સોએ કરેલી કામગીરી પ્રશંસાપાત્ર છે. લોક આરોગ્ય માટે પણ તેની ભૂમિકા અહંમ છે. ૧૯૫૩ થી વૈશ્ર્વિક સ્તરે નર્સિંગ ડે ઉજવાય છે. આધુનિક નર્સિંગના જન્મદાતા ફ્લોરેન્સ નાટીંન્ગેલ કહેવાય છે. કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને જ બીજુ ઘર બનાવી નર્સોએ મહત્વની સેવા કરી હતી.
અરુણ દવે