નર્સિંગ એક સમુદાય કે વ્યવસાય નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે સેવાનો પર્યાય

0
105

આજે 12 મી મેં એટલે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ.રાજકોટ સિવિલ હોસ્પિટલની સાથે તમામ ખાનગી હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફ દર્દીઓની સાથે તેમના એક પરિવારના સભ્ય બની તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખુબજ ઘાતક નીવડી છે ત્યારે ખાનગી હોસ્પિટલોમા કામ કરતા નર્સિંગ સ્ટાફ કોરોના ગ્રસ્ત થયા બાદ થોડા જ દિવસોમાં સ્વસ્થ બની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.કોરોના મહામારીમાં શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં 250 જેટલો નર્સિંગ સ્ટાફ દિવસરાત કામ કરી રહ્યો છે ત્યારે 60 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ થયા બાદ સ્વસ્થ બની ફરજ પર લાગી ગયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારે ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફને તેઓની ઉત્તમ કામગીરી બદલ બિરદાવ્યા છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસે અબતક મીડિયા પણ વોરીયર્સ એવા નર્સિંગ સ્ટાફને સેલ્યુટ કરે છે.

નર્સિંગ સ્ટાફ દર્દીઓને પોતાના સગા માનીને સારવાર કરે છે:ડો.રવીના દેવાણી (મેડિકલ ઓફીસર, વોકહાર્ટ હોસ્પિટલ)

છેલ્લા 2 વર્ષથી વોકહાર્ટમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ ઓફીસર ડો.રવીનાએ તમામ નર્સિંગ સ્ટાફને આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી તમામને ખરા અર્થમાં વોરીયર્સ કહ્યા હતા. ડો.રવીનાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા દોઢ વર્ષથી દિવસરાત દર્દીઓની સેવા કરીએ છીએ.દર્દીને કોઈપણ તકલીફ પડે તો એ સૌથી પહેલા નર્સિંગ સ્ટાફને જ બોલાવે છે. કોવિડ વોર્ડમાં દર્દીના સગાને અંદર પ્રવેશવાની મનાઈ હોઈ છે માટે દર્દીના સગા તરીકેનો સ્નેહ અને પ્રેમ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સ આપી દર્દીઓને સાંત્વના પાઠવતા હોઈ છે.અત્યારે દર્દીઓની રિકવરી રેટમાં વધારો થયો છે. અને દર્દીઓ પણ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે નર્સિંગ સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માને છે.

તમામ નર્સિંગ સ્ટાફ દર્દીઓ અને તેના સગાઓને સાયકોલોજીકલ સપોર્ટ આપે છે:અનિતા ચંદાણી (નર્સ)

વર્ષ 2008 થી વોકહાર્ટ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવતા અનિતા ચંદાણી એ જણાવ્યું હતું કે પેશન્ટ ને સાયકોલોજીકલ સપોર્ટની જરૂર હોય છે. અને અમે દર્દીના સગા સાથે પણ સંતોષકારક વાત કરીને સાંત્વના પાઠવીએ છીએ. કોરોના દર્દીઓની સારવાર દરમ્યાન હું પણ કોરોના પોઝિટિવ થઈ હતી. તુર્તજ સ્વસ્થ બની ને ફરીથી દર્દીઓની સારવાર કરવા લાગી ગઈ.કુલ 60 જેટલા નર્સિંગ સ્ટાફ પોઝિટિવ આવ્યા બાદ સ્વસ્થ બનીને દર્દીઓની સેવા કરી રહ્યા છે.કોરોના દરમ્યાન દર્દીઓની મનોબળ મજબૂત હોવું ખુબજ જરૂરી છે ત્યારે એક. સગાસ્નેહીઓની જેમ તમામ નર્સિંગ સ્ટાફ દર્દીઓની સાથે રહીને અપાર પ્રેમ આપી જલ્દીથી તેઓ રોગમુક્ત થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.

સૌથી વધુ રિસ્ક નર્સિંગ સ્ટાફ પર હોઈ છે છતાં દર્દીઓને બચાવવા 24 કલાક નર્સ ખડેપગે:નમ્રતા ક્રિસ્ટી (નર્સિંગ હેડ, વોકહાર્ટ હોસ્પિટલ)

નર્સિંગ હેડ તરીકે છેલ્લા 12 વર્ષથી વોકહાર્ટમાં ફરજ બજાવતા નમ્રતા ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે 200 થી વધુ નર્સિંગ સ્ટાફ વોકહાર્ટમાં કામ કરે છે. કોવિડ દરમ્યાન 60 જેટલા નર્સિંગ સ્ટાફને કોરોના થયો હોવા છતાં તેઓ પોતાની ડ્યુટીમાં વફાદાર રહી માત્ર 4 થી 5 દિવસમાં હાજર થઈ ગયા હતા. દર્દીઓ સાથે એક પરીવારની ભાવનાથી તમામ નર્સિંગ સ્ટાફ રહે છે અને દર્દીઓની સેવા કરે છે.દર્દીઓની સૌથી નજીક નર્સિંગ સ્ટાફ રહે છે.કોરોનામાં સૌથી વધુ જોખમ પણ નર્સિંગ સ્ટાફ પર હોઈ છે તો પણ 24 કલાક દર્દીને તમામ મદદ માટે નર્સિંગ સ્ટાફ તત્પર રહે છે.આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસે તમામ નર્સિંગ સ્ટાફને શુભેચ્છા પાઠવતા નમ્રતા ક્રિસ્ટીએ વધુમાં ઉમેર્યું હતું કે હું પણ કોરોના પોઝિટિવ થઈ ને જલ્દીથી સેવામાં લાગી ગઈ છું.દર્દીઓની જીંદગી બચાવવાની એ તમામ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ફરજ છે અને નિષ્ઠાપૂર્વક નિભાવશું.

 

કોરોના મહામારીમાં અડીખમ  ફરજ બજાવતા તમામ નર્સિંગ સ્ટાફને અભિનંદન પાઠવતા મેયર ડો. પ્રદિપ ડવ

વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયેલ છે. આજ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિને કોરોના મહામારીમાં અડીખમ તરીકે સતત ફરજ બજાવતા તમામ નર્સિંગ ભાઈ-બહેનોને  મેયર ડો. પ્રદિપભાઈ ડવે અભિનંદન પાઠવ્યા છે. કોરોના કાળને એક વર્ષ કરતા વધુ સમયથી નર્સિંગ સ્ટાફ સતત પોતાની ફરજ બજાવી રહેલ છે. ફરજની સાથોસાથ પોતાના પરિવારમાં વૃધ્ધ માં-બાપ, બાળકોની પણ જવાબદારી ઉઠાવી રહેલ છે, જે ધન્યવાદને પાત્ર છે. નારી તુ નારાયણી નારી શક્તિનું પ્રતિક છે. આ મહામારીમાં નર્સિંગ બહેનોએ આ સૂત્રને સાર્થક કરેલ છે. ફરજ દરમ્યાન આખો દિવસ કીટ પહેરીને ફરજ બજાવવી એ ખુબ જ કપરૂ છે, પરંતુ હાર માન્યા વગર પૂરી તાકાતથી પોતાની ફરજ બજાવે છે, જે વંદનને પાત્ર છે. કોરોના વાયરસથી સંક્રમિત થવાની દહેશત હોવા છતાં જરા પણ ડર રાખ્યા વગર જે નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ બજાવે છે તે ગૌરવની બાબત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here