ન્યારી અને લાલપરી ઓવરફલો: ભાદર અને આજી ડેમમાં ધીંગી આવક

મેઘરાજાએ અનરાધાર વ્હાલ વરસાવી એક જાટકે રાજકોટવાસીઓની જળ સમસ્યા હલ કરી દીધી: ઉંચાઈ વધાર્યા બાદ ન્યારી-1 ડેમ ત્રીજી વખત ઓવરફલો થતાં ડેમના 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા: આજી ડેમમાં પણ 5 ફૂટથી વધુ પાણીની આવક: ડેમ ઓવરફલો થવામાં 6 ફૂટ છેટુ, ભાદરની સપાટી 25 ફૂટે પહોંચી, રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત

વરૂણદેવને મન મુકીને વરસ્વા માટે આજ્ઞા આપો તેવી દુંદાળા દેવને રાજકોટવાસીઓએ કરેલી પ્રાર્થના જાણે વિઘ્નહર્તાએ સાંભળી લીધી હોય તેમ ગત મધરાતથી શહેરમાં એકધારો અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક થવા પામી છે. આજે બપારે ન્યારી-1 ડેમ ઓવરફલો થઈ ગયો હતો. આ ઉપરાંત લાલપરી તળાવ પણ છલકાઈ ગયું હતું. આજી ડેમમાં પણ 5 ફૂટથી વધુ વરસાદી પાણીની આવક થવા પામી છે. જ્યારે ભાદર ડેમમાં નવું 2 ફુટ પાણી આવતા ડેમની વર્તમાન સપાટી 25 ફૂટને પાર થવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે તમામ ડેમમાં પાણીની ધીંગી આવક ચાલુ છે.

મહાપાલિકા અને સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મહાપાલિકાની માલીકીના એકમાત્ર ડેમ એવા ન્યારી-1 ડેમ આજે બપોરે છલકાઈ ગયો હતો. 25.10 ફૂટની ઉંચાઈ ધરાવતા ન્યારી ડેમમાં ગઈકાલે માત્ર 17 ફૂટ પાણી જ સંગ્રહિત હતું દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ન્યારી ડેમમાં પાણીની ધોધમાર આવક થવાના કારણે ડેમ ઓવરફલો થઈ જતાં ડેમના 11 પૈકી 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યારી ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો કરાયા બાદ ત્રીજી વખત ડેમ ઓવરફલો થયો છે. આ ઉપરાંત આજી ડેમમાં પ્રથમ વખત વરસાદી પાણીની આવક થવા પામી છે. ડેમમાં નવુ 5.10 ફૂટ પાણી આવ્યું છે. ડેમની સપાટી હાલ 23 ફૂટે પહોંચી જવા પામી છે અને ઓવરફલો થવામાં માત્ર 6 ફૂટ બાકી છે. નવું 210 એમસીએફટી પાણી આવતા કુલ 560 એમસીએફટી પાણી સંગ્રહિત છે. હાલ ડેમમાં 15 ડિસેમ્બર સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણીની આવક થઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે આજે મોડી રાત સુધીમાં આજી ડેમ પણ ઓવરફલો થઈ જશે.

શહેરમાં રાજાશાહી વખતનું લાલપરી તળાવ પણ છલકાઈ ગયું છે. સૌરાષ્ટ્રનો દરિયો ગણાતા ભાદર ડેમમાં પણ માતબર પાણીની આવક થવા પામી છે. બપોર સુધીમાં ભાદરમાં 2.05 ફૂટ નવું પાણી આવતા 34 ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી 25 ફૂટને પાર થવા પામી છે. ડેમમાં 3195 એમસીએફટી પાણી સંગ્રહિત છે. નવું 629 એમસીએફટી પાણી આવ્યું છે. રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થઈ ગયું છે. આ લખાય રહ્યું છે ત્યારે ભાદર અને આજી ડેમમાં પાણીની ધીંગી આવક થઈ રહી છે.