Abtak Media Google News

ટ્રાફિકનું શિક્ષણ અને જાગૃતિ કેળવવા ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેશ મોબાઇલ વાન શરૂ કરાશે: શાળા-કોલેજોમાં છાત્રોને માહિતગાર કરાશે

આમ તો ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેનાથી થતાં મોતના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો છે. આમછતાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ૫૦ ટકા સુધી ઘટાડવાનું નક્કી કર્યુ છે. આ માટે સરકારે માર્ગ સલામતી નીતિ પણ જાહેર કરી છે. ટ્રાફિકનું શિક્ષણ અને જાગૃતિ વધે તે માટે ટીમ વાન (ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવરેનેશ મોબાઈલ વાન)નો નવતર પ્રયોગ પણ કરાઈ રહ્યો છે. તેના દ્વારા શાળા-કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને વિગતો પૂરી પાડવામાં આવી રહી છે.

હાલ, રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભૂજ-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ગોધરા જેવા ૧૧ જિલ્લાઓમાં જાગૃતિ ઝૂંબેશ ચાલી રહી છે. આ ઉપરાંત થિયેટરો, રેડિયો, ટીવી ચેનલો મારફત પણ પ્રયાસ કરાઈ રહ્યાં છે. જોકે, હવે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રોડ સેફ્ટી ઓથોરિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જે એક સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત રહેશે અને રોડ સેફટીના અમલીકરણ માટે જુદાજુદા વિભાગો-કચેરીઓ, સત્તાતંત્રો સાથે સંકલનની ભૂમિક અદા કરશે. વિધાનસભા ગૃહમાં વાહન વ્યવહાર વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ આ મુજબની માહિતી આપતાં કહ્યું હતું કે, રોડ સેફટી માટે ૨૦૧૭-૧૮માં ૭૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ૨૦૦૧માં ગુજરાતમાં કુલ વાહનોની સંખ્યા ૬૦.૦૮ લાખ હતી. જે ૨૦૧૭ સુધીમાં ૨.૧૮ કરોડ સુધી પહોંચી ગઈ છે. વાહનોની નોંધણી, વાહન કર અને મળીને ૨૦૧૬-૧૭માં કુલ આવક ૨૭૩૬ કરોડ થઈ હતી. ચાલુ વર્ષ દરમિયાન ૧૪.૦૭ લાખ વાહનોની નોંધણી કરાઈ હતી. ૬.૩૦ લાખ લર્નિંગ લાઈસન્સ અપાયા હતા. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૭-૧૮માં અમદાવાદ, જામનગર, બારડોલી, ડાંગ ખાતે આરટીઓના આધુનિકરણનું આયોજન કરાયું છે.એપ્રિલ-૨૦૧૭માં બાવળા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી કાર્યરત કરાશે.જેનો કોડ નંબર-૩૮ રહેશે. બાવળા કચેરીમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સિવાયના તમામ તાલુકાઓ જેવાકે, સાણંદ, ધંધૂકા,માંડલ, વિરમગામ, ધોળકાનો સમાવેશ થશે.જેના કારણે અમદાવાદ આરટીઓનું ભારણ ઘટશે. પૂર્વ કચ્છના અંજાર ખાતે પણ કોડ નંબર-૩૯થી નવી આરટીઓ ઓફિસ અને સોલા અમદાવાદ ખાતે અદ્યતન આરટીઓ ઓફિસનું નિર્માણ કરાશે. આ માટે બજેટમાં ૨૦.૮૬ કરોડની જોગવાઈ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.