Abtak Media Google News

કોંગ્રેસે ઓબીસી સમાજને  અપમાનિત કરવાનું કાર્ય કર્યું

કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમસ્ત મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન, શાહીબાગ ખાતે આયોજિત સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં ગાંધીનગરના  સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહયા હતા.

મહાસંમેલનને સંબોધિત કરતા  અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી અમદાવાદની ધરતી પર આવેલા મોદી સમાજના સર્વે ભાઈઓ અને બહેનોનું હૃદયથી સ્વાગત કરું છું. જ્યારે હું ભાજપા નો રાષ્ટ્રીય અધ્યક્ષ હતો ત્યારે અને આજે પણ દેશના વિવિધ વિસ્તારમાં પ્રવાસ કરું છું ત્યારે કદાચ જ કોઈ તાલુકો એવો હશે જ્યાં ભાજપનું કામ કરનાર તૈલી, સાહુ, મોઢ, રાઠોડ, મોદી સમાજનો વ્યક્તિ મળ્યો ન હોય. અનેક પ્રકારના નામ અને કામથી ઓળખાતા, ટુકડાઓમાં વહેંચાયેલા સમાજને એક મંચ પર એકત્રિત કરવાનું કામ કરવા બદલ શ્રી સોમાભાઈ મોદી સહિત સમાજ એકત્રીકરણના તમામ સૂત્રધારોને શ્રી શાહ  વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે કોઈ સમાજ એકત્રિત થાય છે ત્યારે તાકાતની નિર્મિત થાય છે, સજ્જન શક્તિ સંગઠિત થાય છે. આજનો દિવસ દેશ માટે શુભચિહ્ન છે. માતા મોઢેશ્વરીદેવીના ઉપાસકો એક સાથે આવવાથી દેશને ચોક્કસ ફાયદો થશે.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ખૂબ મોટી વાત છે કે મોદી સમાજ પોતાના દમ પર, પોતાની તાકાતથી, સજ્જનશક્તિ અને પુરુષાર્થની શક્તિથી આગળ વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના તેમના 21 વર્ષના કાર્યકાળમાં સમાજનો એક પણ વ્યક્તિ ભલામણ લઈને નથી આવ્યો. જે સમાજ પર સ્વયં ભગવાન શિવના આશીર્વાદ હોય, તલમાંથી તેલ કાઢવાની વિદ્યા જેમને સ્વયં મહાદેવ એ આપી હોય તે તે સમાજ આજે ફલી ફૂલીને એકત્રિત થાય તે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં એક નાના કાર્યકર્તા તરીકે કામ કર્યું. ગામેગામ ફરી સંગઠનને વધુ વિશાળ અને મજબૂત બનાવવા 25-30 વર્ષની સખત મહેનત કરી. મજબૂત સંગઠનના આધારે  કેવી રીતે પરિવર્તન થઈ શકે તેની ઐતિહાસિક સંરચના  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને આપી. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતમાં કરેલા અભૂતપૂર્વ કાર્યને આધારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ તેઓએ દેશને ગર્વ થાય એ પ્રકારે દેશને ચલાવ્યો છે. કેન્દ્રમાં ભાજપાનું શાસન આવ્યા બાદ ઓબીસી સમાજના સન્માનનો સીલસીલો ચાલુ થયો.

દેશને ઓબીસી સમાજનો પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપમાં આપવાનું કામ ભાજપાએ કર્યું છે. આજે ઘણા રાજ્યોમાં ઓબીસી સમાજના મુખ્યમંત્રી ભાજપાએ આપ્યા છે. જ્યાં સુધી ઓબીસી અને પછાત સમાજ નો પ્રશ્ન છે, આઝાદીના 75 વર્ષમાં જેટલા વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું હંમેશા કોંગ્રેસે ઓબીસી સમાજને પ્રતાડિત, અપમાનિત કરવાનું કાર્ય કર્યું છે. ઓબીસી કમિશનને સંવૈધાનિક દરજ્જો આપવાનું કાર્ય ભાજપાએ કર્યું છે, પ્રથમ વખતે દેશના મંત્રીમંડળમાં ઓબીસી સમાજના 27 મંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભાજપા સરકારે આપ્યા છે.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને નીટમાં રિઝર્વેશન ન હતું તેમાં બદલાવ કરીને રિઝર્વેશન આપવાનું, સમાજના યુવા ઉદ્યોગકારો માટે વેન્ચર કેપિટલ ફંડ બનાવવાનું કાર્ય તેમજ ઓબીસી સમાજની યાદીમાં સંશોધનોની શરૂઆત ભાજપાએ કરી છે. 56 વર્ષ કોંગ્રેસ સત્તામાં રહી પણ ક્યારે તેણે ઓબીસીના સન્માન માટે કામ નથી કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 9 વર્ષમાં અનેક કાર્યો કર્યા જેથી ઓબીસી સમાજને મજબૂત સ્થાન પ્રાપ્ત કરવામાં તકલીફ ન પડે.

એક ગરીબ પરિવારમાં જન્મ લઇ લોકતંત્રની શક્તિના આધારે  નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા છે અને દેશના ગરીબોના ઘરમાં દરેક પ્રકારની સુવિધા પહોંચે તેની ચિંતા તેઓએ કરી છે. ગરીબના ઘરની પીડા સુપેરે જાણનારા નરેન્દ્ર ભાઈ મોદીએ લગભગ 13 કરોડ ગેસ સિલિન્ડર, 10 કરોડથી વધુ શૌચાલય, ત્રણ કરોડ આવાસો, દેશના 70 કરોડ નાગરિકોને આયુષ્માન કાર્ડ થકી રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર, 80 કરોડથી વધારે નાગરિકોને છેલ્લા અઢી વર્ષથી પ્રતિ વ્યક્તિ પ્રતિમા પાંચ કિલો મફત અનાજ આપવાનું કાર્ય કર્યું છે.

કોરોના મહામારી કાળમાં ગરીબ હોય કે તવંગર તમામને, દેશની 130 કરોડ જનતાને વિનામૂલ્યે રસી આપવાનું કાર્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં રસીનું પ્રમાણપત્ર ડિજિટલ ન હતું પરંતુ ભારતમાં આંગળીના ટેરવે રસીકરણનું સર્ટિફિકેટ મળ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ સમાજમાં નીચે રહેલા વ્યક્તિના ફાયદામાં કેવી રીતે થઈ શકે તે કાર્ય પ્રધાનમંત્રીશ્રી સુપેરે કરી રહ્યા છે. આજે વન નેશન, વન રેશનકાર્ડ યોજના અને ડિજિટલ માધ્યમના ઉપયોગથી અન્ય રાજ્યમાંથી આવેલ મજૂર અહીં ગુજરાતમાં અને તેનો પરિવાર તેના ગૃહરાજ્યમાં બંને જગ્યાએ પોતાને મળતા અનાજનો લાભ લઈ શકે છે. સેટેલાઈજેશનથી અનાજની ચોરી અટકી છે. સરકારની 300 જેટલી યોજનાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી જોડી લાભાર્થીના બેંકખાતામાં સીધી સહાયતા મોકલવાની શરૂઆત કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વચેટીયાઓના ભ્રષ્ટાચારને સમાપ્ત કર્યો છે.

અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, સમસ્ત મોદી સમાજને ગૌરવ થવો જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપના સમાજના છે. દેશના તૈલી, રાઠોડ, સાહુ, મોદી સમાજનું યોગદાન છે કે તેમણે દેશને એવા પ્રધાનમંત્રી આપ્યા છે જેમને ભારતના ગૌરવને દુનિયામાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ઓટોગ્રાફ માંગે અને જણાવે કે તેઓ યુએસએ માં ખૂબ જ લોકપ્રિય છે ત્યારે આનંદની અનુભૂતિ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને વિશ્વમાં 11 થી 5માં ક્રમે પંહોચાડવાનું કાર્ય કર્યું છે. તેઓએ વર્ષ 2025 સુધી દેશની ઇકોનોમિને પાંચ ટ્રીલીયન યુએસ ડોલર સુધી લઈ જવા માટે લક્ષ્ય રાખ્યું છે.

આજે ભારત સ્માર્ટફોન કંઝપ્શનમાં વિશ્વમાં બીજા, મોબાઈલ ઉત્પાદનમાં ત્રીજા, માર્કેટમાં ત્રીજા, ઓટો માર્કેટમાં ત્રીજા, સ્ટાર્ટઅપમાં ત્રીજા, રીન્યુઅલ એનર્જીમાં ત્રીજા ક્રમે પંહોચ્યું છે. એક તરફ દેશની 61 વર્ષની યાત્રા અને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની 9 વર્ષની યાત્રાની જો તુલના કરીએ તો નવ વર્ષનું પલડું ભારે છે. પૂર્ણેશભાઈ મોદી સમાજના અપમાન સામે સમાજના સન્માનની લડાઈ મજબૂતાઈથી, ખંતપૂર્વક, સચોટ અને પરિણામલક્ષી રીતે લડ્યા છે અને વિજયી થયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવું છું.

આ પ્રસંગે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ, સમસ્ત ગુજરાત મોદી સમાજના અધ્યક્ષ સોમાભાઈ મોદી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, અખિલ ભારતીય તૈલી,સાહુ, રાઠોડ મહાસભાના અગ્રણી રામનારાયણ સાહુજી, અખિલ ભારતીય તૈલી મહાસભા પ્રમુખ જયદત્ત શિરસાગર,ઉમેશ સાહુજી, મુરારી ગુપ્તાજી, રાકેશ રાઠોડજી, અશોક રાઠોડજી, હસમુખ મોદી, રાજેશ આઝાદજી, ચંદ્રશેખર બાવનફૂલેજી, ચુનીલાલ સાહુ, અરુણ સાહુ, નિરંજન રાઠોડ, રૂપચંદ પ્રસાદ સહિત દેશના 20 થી વધુ પ્રાંતના પદાધિકારીઓ તેમજ ગુજરાતના વિવિધ તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.