મોડાસા: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા સ્થિત માર્કેટયાર્ડમાં ગ્રાહકો સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની શ્રીનાથ ટ્રેડર્સ અને રામદેવ ટ્રેડર્સ નામની દુકાનોમાં વેચાતા મધુમતી બ્રાન્ડના સોયાબીન તેલના ડબ્બાઓમાં નિર્ધારિત વજન કરતાં ઓછું તેલ મળી આવતા ગ્રાહકો છેતરાયા હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઇને જિલ્લા તોલમાપ અધિકારી દ્વારા તાત્કાલિક શ્રીનાથ ટ્રેડર્સની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મધુમતી સોયાબીન તેલ ઉપરાંત અન્ય ખાદ્ય તેલના ડબ્બાઓનું વજન કરવામાં આવ્યું હતું. આ ચકાસણીમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે દરેક ડબ્બામાં નિયત વજન કરતાં અંદાજે ૩૦૦ ગ્રામ તેલ ઓછું હતું. વજન ઓછું હોવા છતાં વેપારીઓ દ્વારા એક ડબ્બા દીઠ ગ્રાહકો પાસેથી આશરે ૪૦ રૂપિયા જેટલી વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સીધી છેતરપિંડી સૂચવે છે.
ઉલ્લેખનીય છે કે આ મધુમતી સોયાબીન તેલનું ઉત્પાદન મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી માહેશ્વરી પ્રોટીન્સ ફેક્ટરીમાં થાય છે. ગ્રાહકો સાથે થયેલી આ છેતરપિંડીના મૂળ સુધી પહોંચવા માટે હવે જિલ્લા તોલમાપ અધિકારી દ્વારા માહેશ્વરી પ્રોટીન્સ ફેક્ટરીમાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
જિલ્લા તોલમાપ અધિકારીએ જણાવ્યું હતું કે આ તપાસ પૂર્ણ થયા બાદ આ મામલે જે પણ દોષિત જણાશે, તેમની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. મોડાસા માર્કેટયાર્ડમાં સામે આવેલી આ ઘટનાએ વેપારીઓ દ્વારા થતી તોલમાપમાં છેતરપિંડી અંગે સવાલો ઉભા કર્યા છે અને તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે વધુ સઘન તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.