ઘેટા-બકરા ચોરવા આવેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ભરવાડ વૃધ્ધને મોતને ઘાટ ઉતાર્યા
અબતક, રાજકોટ
જામનગર નજીક હાપામાં શામતપીરની દરગાહ નજીક રહેતા ભરવાડ વયો વૃધ્ધની લૂંટનાં ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા છે. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
આ અંગે બનાવની મળતી વિગતો મુજબ હાપામાં શામતપીરની દરગાહ પાસે રહેતાં ખંતાભાઇ હઠાભાઇ ચાવડીયાં (ઉ.વ.70) નામના માલધારી વયોવૃધ્ધ મોડી સાંજે ઘર નજીક હતા ત્યારે ઘેટા-બકરા ચોરવાનાં ઇરાદે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હતો અને વૃધ્ધ પર હુમલો કરી લુટારૂંઓ લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. વૃધ્ધને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ પંચકોશી પોલીસ ડિવીઝનને થતા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો તેમજ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.