ઓમિક્રોન ઘાતક નથી, સાત દિવસની ઘરગથ્થુ સારવારથી મટાડી શકાય: જીતુ વાઘાણી

પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી અને મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કોરોના સંબંધીત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી: સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી

 

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજ્યના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબતોના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સર્વ રીતે સક્ષમ છે.

મંત્રી  જીતુભાઈએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ  પટેલે  રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરી છે, જે અન્વયે તમામ પ્રભારી સચિવો તેમના સંબંધિત જિલ્લાઓની મુલાકાત લઈને કોરોનાની પરિસ્થિતિનું સમગ્રતયા આકલન કરી રહ્યા છે. રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને જરૂરિયાત મુજબનો સ્ટાફ ફાળવવા માટેના અધિકારો આપ્યા છે. નાગરિકોની સલામતીની તમામ વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે.

મંત્રીએ નાગરિકોને આશ્વસ્ત કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો ઓમીક્રોન વેરીયન્ટ જરા પણ ઘાતક નથી. માત્ર સાત જ દિવસની ઘરગથ્થુ સારવારથી આ રોગથી બચી શકાય છે.

રાજકોટના નાગરિકોને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લીકેશન  ડાઉનલોડ કરવા મંત્રી જીતુભાઈએ હિમાયત કરી હતી્ કોરોના અંગેની રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનુ પાલન કરવા તથા જાગૃત બનવા અને કોરોનાના લક્ષણો જણાયે તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવા મંત્રીએ નાગરિકોને જણાવ્યું હતું. આ રોગનો ફેલાવો અટકાવવા તેની ચેઈન તોડવા માટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજ્ય સરકાર જનતાની સેવા કરવા સદૈવ તત્પર છે. આપણે આપણા પરિવારનું- સમગ્ર સમાજનું ધ્યાન રાખવા કમર કસવી પડશે અને રાજ્ય સરકારની વેક્સિનેશન ડ્રાઈવમાં જોડાવા તથા એરપોર્ટ-એસ.ટી- રેલવે સ્ટેશને ઊભી કરાયેલી ટેસ્ટિંગ સુવિધાનો લાભ લેવા પણ મંત્રી વાઘાણીએ લોકોને ખાસ જણાવ્યું હતું.