સીતા નવમી પર આદિપુરુષના નિર્માતાઓએ સીતા માતાનું મોશન પોસ્ટર કર્યું રીલીઝ

પ્રભાસ અને અભિનેત્રી કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સીતા નવમીના શુભ અવસર પર, આદિપુરુષના નિર્માતાઓએ જાનકી એટલે કે સીતા માના અવતારમાં કૃતિ સેનનનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરની સાથે ‘રામ સિયા રામ’ની ધૂન પણ સંભળાય છે. આ ઓડિયો મોશન પોસ્ટરથી દર્શકો ઈમ્પ્રેસ થયા છે.

કૃતિ સેનને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘આદિપુરુષ’માંથી જાનકીના પવિત્ર અવતારમાં તેનો લુક અને મોશન પોસ્ટર શેર કરીને ચાહકોને ખાસ ભેટ આપી છે. કૃતિના મોશન પોસ્ટરમાં ‘રામ સિયા રામ’નો ઓડિયો પણ શેર કરવામાં આવ્યો છે. મોશન પોસ્ટરની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- સીતા રામ ચરિત અતિ પાવન.

આપણે સૌ જાણીએ છીએ કે જયારે રાવણ સીતા-માતાનું અપહરણ કરીને લંકા લઇ ગયો હતો ત્યારે માતા જાનકી રામ ભગવાનના વિરહમાં અશ્રુ સારી રહ્યા હતા ત્યારે આદીપુરુષના મેકર્સ દ્વારા આજ રોજ જે મોશન પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે તેમાં પણ માતા જાનકીનું પાત્ર ભજવનાર કૃતિ સેનનની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં છે. કપાળ પર બિંદી, માંગમાં સિંદૂર… જાનકીના અવતારમાં કૃતિની સાદગી લોકોને પસંદ આવી રહી છે.

અગાઉ આદીપુરુષના પોસ્ટરને લઈને ઘણા વિવાદના વંટોળ ઉભા થયા છે ત્યારે કૃતિના આ ઓડિયો મોશન પોસ્ટરને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. એક ચાહકે લખ્યું- કૃતિએ માતા સીતાના અભિનયમાં કોઈ કસર છોડી નથી. બીજાએ લખ્યું – અમે જાણીએ છીએ કે કૃતિ તેના રોલ સાથે સંપૂર્ણ ન્યાય કરશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, સૈફ અલી ખાન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પ્રભાસ ભગવાન રામના રોલમાં, કૃતિ સેનન સીતાના રોલમાં, સની સિંહ લક્ષ્મણના રોલમાં અને એક્ટર દેવદત્ત નાગે ભગવાન હનુમાનના રોલમાં જોવા મળશે. તે જ સમયે, સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. તો તમે ફિલ્મ જોવા માટે કેટલા ઉત્સાહિત છો?