Abtak Media Google News

અરજીના કામે કેમ ગુનો નોંધતા નથી તેમ કહી પોલીસ ઈન્સ્પેકટરની ચેમ્બરમાં મહિલા ફોજદાર સાથે ઝપાઝપી કરી; જયાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી હું કયાંય જવાની નથી; ફરજમાં રૂકાવટનો નોંધાતો ગુનો

રાજકોટની ભાગોળે આવેલ આજીડેમ પોલીસ મથકમાં પોલીસ ઈન્સ્પેકટરની ચેમ્બરમા અરજીના આધારે ગુનો દાખલ કરવાના મુદે મહિલા વકીલ અને મહિલા પી.એસ.આઈ. વચ્ચે જામી પડી હતી બેફામ ગાળા-ગાળી અને ઝપાઝપી બાદ મહિલા વકીલ અને અરજદાર સામે પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગેનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકમા પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા એમ.ડી.વાળાએ પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં દોશી હોસ્પિટલ પાસે રહેતા મહિલા વકીલ ભૂમીકાબેન પરેશ પટેલ અને કોઠારીયા રોડ પર રહેતા અરજદાર અનીતાબેન બટુક દાસોડીયાના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અરજદાર અમીતાબેને પોલીસ કમિશ્નરને અરજી પાઠવેલ હોય જે અરજીના કામે ગઈકાલે મહિલા પી.એસ.આઈ. એમ.ડી.વાળાએ નિવેદન લેવા બોલાવ્યા હતા આ વખતે અનીતાબેને અરજીના કામે કોઈ કાર્યવાહી કરવાની ના પાડતા તેમનું નિવેદન લઈ અરજી ફાઈલે કરવા કહ્યું હતુ.

બાદમાં અનીતાબેન અને તેમના વકીલ ભૂમીકાબેન સાંજે ફરી આજીડેમ પોલીસ મથકે ઘસી જઈ પોલીસ ઈન્સ્પેકટરને રજૂઆત કરતા મહિલા પી.એસ.આઈ. વાળાને બોલાવવામાં આવ્યા હતા. પોલીસ ઈન્સ્પેકટરની હાજરીમાં મહિલા પી.એસ.આઈ. વાળાએ અરજદાર કોઈ કાર્યવાહી નહી કરવા માંગતા હોવાનું સવારે નિવેદન આપી ગયા હોવાનું જણાવતા મામલો બિચકયો હતો. અને મહિલા વકીલે તુકારે દઈ ‘તુ કોણ મને એફ.આઈ.આર.ની ના પાડવા વાળી તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

પોલીસ ઈન્સ્પેકટરની ચેમ્બરમાં બઘડાટી બોલી જતા અન્ય સ્ટાફ દોડી આવી મહિલા વકીલને બહાર કાઢવાનો પ્રયાસ કરતા ઝપાઝપી કરી પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હતી. અને જયાં સુધી એફ.આઈ.આર. નહી થાય ત્યાં સુદી હું કયાંય જવાની નથી તેમ કહી મહિલા વકીલે પોલીસ સ્ટેશન માથે લીધું હતુ.આ ઘટના બાદ મહિલા વકીલ અને અરજદાર સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.