Abtak Media Google News
  • સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓમાં 82 ‘નમો વડ વન’ની સ્થાપના થઈ છે: પ્રત્યેક વડ વનમાં 175 વડ રોપાઓનું વાવેતર કરાયુ

દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2022ના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 33 જિલ્લાઓમાં 75 સ્થળોએ ‘નમો વડ વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ની 21 માર્ચે 2022માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી.

મુખ્યમંત્રી ગાંધીનગરના આ ‘નમો વડ વન’ની મુલાકાત માટે આજે સવારે પહોંચ્યા હતા અને ત્યાં વાવવામાં આવેલા ફૂલ-છોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વન-પર્યાવરણના અગ્ર સચિવ  સંજીવકુમારે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં 75 સ્થળોએ ‘નમો વડ વન’ ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં 82 ‘નમો વડ વન’ ઊભા થયા છે.

એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક ‘નમો વડ વન’માં 75 વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ 100 વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક ‘નમો વડ વન’માં કુલ 175 વડના રોપાઓ વાવવામાં આવેલા છે.

ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા ‘નમો વડ વન’માં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા ‘નમો વડ વન’માં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે.

આ ઉપરાંત ‘નમો વડ વન’ લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્ચિઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ‘નમો વડ વન’ના સમગ્ર પરિસરની મુલાકાત  લીધી તે વેળાએ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અગ્ર સચિવ  સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક  અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ  યુ. ડી. સિંઘ, સામાજિક વનીકરણના અગ્ર મુખ્ય વન સંરક્ષક  એ.પી.સિંઘ, ધારાસભ્ય  રીટાબેન, મેયર હીતેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ પણ સાથે જોડાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.