- પોરબંદરમાં રામદેવપીરના ઉત્સવમાં મંડપ સ્તંભ ધરાશાયી થતાં એકનું મો*ત, 10 ઘાયલ
- સરકારી હોસ્પિટલના કર્મચારી નાઈટ ડ્યુટી પૂર્ણ કરી સીધા મંડપ દર્શન કરવા પહોંચતા કાળનો ભેંટો થઇ ગયો
પોરબંદરની ચોપાટી પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. રામદેવપીરના મંડપ ઉત્સવમાં મંડપનો સ્તંભ અચાનક ધરાશાઈ થતા એક વ્યક્તિનું મોત થયું હતું જયારે 10 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.
પોરબંદરની ચોપાટી પર મંગળવારની રાતે રામદેવપીરના મંડપોત્સવના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયું હતું. જેમાં હજારો ભક્તોની મેદની ઉમટી હતી. બુધવારે વહેલી સવારે મંડપ ઉભો કરવાની ધાર્મિક વિધિ યોજાઈ રહી હતી. દરમિયાન મંડપ સ્તંભની દોરી તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. દોરી તૂટતાં મંડપ સ્તંભ ધરાશાયી થતાં અનેક લોકો ઘાયલ હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વનરાજ ગોરાણીયા નામના આધેડને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા અરેરાટી વ્યાપી હતી. જયારે ત્રણ મહિલા સહિત દસથી વધુ લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના રામદેવપીરના મંડપોત્સવમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વનરાજભાઈ ગોરાણીયા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. મંગળવાર ના રોજ હોસ્પિટલમાં જ નાઇટ ડ્યુટીમાં ફરજ પર હતા. બાદમાં ફરજ પૂરી કરી સાડા છ વાગે સીધા મંડપ દર્શન માટે ગયા હતા અને દુર્ઘટના સર્જાતા કાળનો ભેંટો થઇ ગયો હતો.