Abtak Media Google News

સાવરકુંડલા ભુવા રોડ પર આજે બપોરે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ફાટક નજીક રેલવેના પોલમાં  ઘુસી જતા ખડાધારના એક બાળકનું મોત થયું હતું. જ્યારે ૨૦ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે. સાવરકુંડલા પંથકમાં જીવલેણ અકસ્માતનો સીલસીલો ચાલુ છે.

આજે ખાનગી મિની બસ નંબર જીજે ૧૪ એક્સ ૦૬૦૩નો ચાલક બસમાં ૨૦થી વધુ પેસેન્જર ભરી સાવરકુંડલાથી પાલીતાણા જવા નીકળ્યો હતો. ભુવા રોડ પર રેલવે ફાટક નજીક પહોંચતા ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ફાટક નજીક રેલવેના પોલમાં  ઘુસી ગઈ હતી.  રેલવેના પોલે બસને ચીરી નાખી હતી.  આ અકસ્માતમાં ખડાધારના રમઝાન જુસબભાઇ ચોરા (ઉ.વ.૮) નામના બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની માતા હાજુબેન જુસબભાઈ ચોરા (ઉ.વ.૩૫), જાયદિન જુસબભાઇ ચોરા (ઉ.વ.૧૭)સહિત  ૨૦ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી.

આ તમામ ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે  સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને ખસેડાયા હતા જે પૈકી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ૧૦૮ના સ્ટાફે બસના પતરા તોડી ઘાયલોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ ચાલક અને ક્લિનરને બંને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.