રાજકોટમાં ટ્રકનું ટાયર બદલાવતી વેળાએ કાર હડફેટે એકનું મોત: ચાર ઘવાયા

નવા 150 ફૂટ રીંગ રોડ પર પરશુરામ ચોકડી પાસે બનેલો બનાવ: ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા

રાજકોટમાં નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ પરશુરામ ચોકડી નજીક ટ્રકનું ટાયર બદલાવતી વેળાએ કોઇ અજાણ્યા કાર ચાલકે પાંચ લોકોને ઠોકરે લેતાં એકનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ નવા 150 ફૂટ રીંગ રોડ પર પરશુરામ ચોકડી નજીક ગઇકાલે રાત્રિના સમયે મેરામભાઇ બાધાભાઇ જોગસ્વા (ઉ.વ.25, રે પીપળ , કાલાવડ) ગોવિંદ દાનાભાઇ મારીયા (ઉ.વ.30, રે. નેસડાની ધાર મવડી) દિનેશ રતીભાઇ બગડા (ઉ.વ.33, મવડી) દિનેશ ચાવડા (ઉ.વ.30, નિકાવા) અને અજય મકવાણા પાંચેય ટ્રકનું ટાયર બદલાવી રહ્યાં હતાં

તે વેળાએ અચાનક પૂરપાટ વેગે આવતા અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતાં પાંચેયને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં અજય મકવાણાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે અને અન્યને ગંભીર ઇજા પહોંચી છે. બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથધરી છે.