Abtak Media Google News

રાજ્ય સરકાર વાર્ષિક અંદાજે રૂ. ૭૭ કરોડનો વધારાનો બોજ વહન કરશે : ૭.પ હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ ધરતીપુત્રોને મળશે સીધો લાભ

૦ થી ૭.૫ હોર્સ પાવર તેમજ ૭.પ હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂ. ૬૬પ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે

અબતક, રાજકોટ :

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધરતીપુત્રો – ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો- ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે ૦ થી ૭.૫ હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ. ૬૬૫ પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ ૭.પ હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ ૮૦૭.પ૦ પ્રતિ હોર્સ પાવર દર હાલ છે. હવે મુખ્યમંત્રીના કિસાન હિતલક્ષી એવા નિર્ણયને પરિણામે ૦ થી ૭.૫ હોર્સ પાવર તેમજ ૭.પ હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂ. ૬૬પ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે. ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે.

રાજ્યના કિસાનોએ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતોને સંવેદનાપૂર્ણ અગ્રતા આપતાં વિજયભાઇ રૂપાણીએ આ વીજ દર એક સમાન એટલે કે રૂ. ૬૬પ હોર્સ પાવર દિઠ પ્રતિ વર્ષ વસુલ કરવાનો તાત્કાલિક અને ત્વરિત નિર્ણય કર્યો છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂ. ર૪૦૦ પ્રતિ વર્ષ ૧ લી એપ્રિલ-૨૦૧૩ થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો-ધરતીપુત્રોના વ્યાપક હિતમાં કિસાનલક્ષી નિર્ણય લેતા હવે ૭.પ થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂ. ૧૪ર.પ૦ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે.

આ નિર્ણયથી હાલ ૭.પ હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે ૨ લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો – ખેડૂતોને લાભ મળશે. રાજ્ય સરકારને આ તફાવત પેટે વાર્ષિક અંદાજે રૂ. ૭૭ કરોડનો વધારાનો બોજ વહન કરવાનો થશે. મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનો માટે તાજેતરના માવઠા-કમોસમી વરસાદથી થયેલા નુકશાન સામે ઉદારત્તમ સહાય પેકેજ જાહેર કર્યા બાદ આજે હવે એકસમાન વીજ દર વસુલવાનો આ નિર્ણય કરીને રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે પ્રતિબધ્ધ છે તેની પ્રતિતી કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.