Abtak Media Google News

ચોમાસુ જોર પકડી રહ્યું છે…

મધ્ય, પૂર્વ અને ઈશાન ભારતના ભાગમાં ચોમાસુ જોર પકડશે: દિલ્હી-એનસીઆર-ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં વધુ એક વખત લો-પ્રેસર સર્જાતા મેઘરાજાની કુચને બુસ્ટ મળ્યું છે. લો-પ્રેસરના કારણે મધ્ય, પૂર્વ અને ઈશાન ભારતમાં ચોમાસુ જોર પકડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી તા.૧૦ અને ૧૧મી જૂન નજીક બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાશે અને ૫૦ થી ૬૦ કિ.મી.ના પવનોના માધ્યમથી ઓરિસ્સામાંથી દેશમાં પ્રવેશ કરશે.

વર્તમાન સમયે દેશમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અલબત એલ્ફાન અને નિસર્ગ જેવા વાવાઝોડાના કારણે મેઘરાજાની સવારીને બ્રેક લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે માહોલ બદલાશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. બંગાળની ખાડીમાં ઊભુ થયેલુ લો-પ્રેસર ડિપ્રેશનમાં પલ્ટાશે અને ૧૧ જૂનની આજુબાજુ વિદર્ભ સહિતના મધ્યપ્રદેશના વિસ્તારોમાં પ્રવેસશે તેવું પણ જાણવા મળે છે. આ મામલે હવામાન વિભાગના પ્રમુખ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, અરબી સમુદ્રમાંથી ઉત્પન થનારુ લો-પ્રેસર ડિપ્રેશનનું રૂપ લેશે. અલબત અત્યારથી તેની અસર અંગે વધુમાં જણાવવું મુશ્કેલ છે. એક વાત કહી શકાય કે, ભારતમાં ચોમાસાના વહેલા પ્રવેશ અંગે આ ડિપ્રેશન અગત્યનો ભાગ ભજવશે.

નોંધનીય છે કે, કેરળમાં ગત ૧લી જૂનથી જ ચોમાસુ બેસી ગયું છે. દેશના અન્ય વિસ્તારોમાં ચોમાસાના આગમન મુદ્દે ચક્રવાત બાદ શંકા વ્યકત કરવામાં આવી હતી. ચક્રવાતના કારણે ચોમાસુ મોડુ પડશે તેવી દહેશત પણ હતી. જો કે, હવે કુદરતી રીતે જ ફરીથી ચોમાસુ વહેલુ આવે તેવી શકયતા છે. લો-પ્રેસરના કારણે મધ્યપ્રદેશ નજીક હવામાન ભેજવાળુ બનશે. ત્યારબાદ દિલ્હી-એનસીઆર થઈને મેઘરાજા ઉત્તરપ્રદેશમાં પ્રવેસશે. તા.૧૧ થી ૧૩ જૂન વચ્ચે ૫૦ થી ૬૦ કિ.મી. હવા ફૂંકાય તેવી પણ ધારણા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ૧૨ જૂન નજીક ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગમાં પવનો ફૂંકાશે. ઉત્તરાખંડની સાથો સાથ ઉત્તરપ્રદેશમાં પણ આ સમય દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં વાવણી જોગ વરસાદ, કેટલાકમાં ભીનુ-સુકુ

છેલ્લા બે-ત્રણ દિવસથી જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ૫ ઈંચ સુધી વરસાદ પડી ચૂકયો છે. પરિણામે અનેક ખેડૂતોએ વાવણીનું સુકન સાચવી લીધું હતું. અલબત સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં એવા છે કે, જ્યાં ભીના-સુકા જેવી સ્થિતિ છે. વરસાદ હજુ વાવણીલાયક પડ્યો નથી પરંતુ પડશે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. જેથી આ વિસ્તારોમાં ખેડૂતો વાવણીની તૈયારી કરવા લાગ્યા છે. અલબત વહેલી વાવણી કરવા અંગે પણ અસમંજસ ઉભુ થયું છે. જે વિસ્તારમાં ૫ થી ૭ ઈંચ જેટલો વરસાદ ટૂંકાગાળામાં પડશે ત્યાં વાવણી કરવી હિતાવહ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.