Abtak Media Google News

‘આઈએન’ શ્રેણીની નવી સીરીઝનું રજિસ્ટ્રેશન મેળવનાર દેશભરમાં ગમે ત્યાં ફરી શકશે 

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં રાજદ્વારી, વહીવટી અને લોકતાંત્રીક ધોરણે રાષ્ટ્રીયકરણની પ્રક્રિયાઓ તબક્કાવાર આગળ વધારવામાં આવી રહી છે ત્યારે ‘વન નેશન વન ઈલેકશન’ની જેમ હવે વાહનોમાં પણ ‘વન નેશન વન રજિસ્ટ્રેશન’ની નીતિ આવી રહી છે. દેશભરમાં ફરવા માટે હવે અલગ અલગ રાજ્યોના રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી છૂટકારો આપવા માટે ‘વન નેશન વન રજિસ્ટ્રેશન’ની પ્રથાનો અમલ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

હાલ ખાનગી વાહનોની નોંધણી કરતી વખતે 15 વર્ષનો માર્ગ વેરો ભરવાનો નિયમ છે. જો તેમના વાહનોને અન્ય કોઈ રાજ્યમાં સ્થળાંતરીત કરવું હોય અને ફરીથી નોંધણી કરાવવી હોય તો તેમને બાકીના વર્ષો જેવા કે 10 થી 12 વર્ષ માટે ફરીથી વેરો ભરવો પડે છે. જે રાજ્યમાંથી વાહનની મુળ નોંધણી કરવામાં આવી છે તે રાજ્યમાં પહેલેથી ચૂકવેલી રકમનું રિફંડ માંગવું પડે છે જે પ્રક્રિયા બોજરૂપ છે અને ઘણા લોકો રિફંડ મેળવવા માટેની ઝંઝટમાં પડતા નથી. હવે નવી પ્રથામાં આ સમસ્યાનો નિવેડો આવી જશે.

માર્ગ પરિવહન મંત્રાલયે વાહનોની નોંધણી માટે ‘આઈએન’ સીરીઝનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રકારના સીરીઝ ધરાવતા વાહનોને બીજા રાજ્યમાં જવું હોય તો રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં. ઘણી કંપનીઓ અને વ્યવસાયીકારોને 1 થી વધુ રાજ્યોમાં વાહનોની અદલા-બદલી કરવાની વારંવાર જરૂર પડતી હોય તેવા લોકો માટે ‘આઈએન’ સીરીઝનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી બે વર્ષ કે નિશ્ર્ચિત મુદત માટે આંતરરાજ્ય પરિવહન માટે કોઈ રજિસ્ટ્રેશન કરવાની જરૂર રહેશે નહીં અને ઓનલાઈન પ્રક્રિયાના કારણે આરટીઓમાં જવાની જરૂર નહીં રહે. હાલ ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન કરતી વખતે 15 વર્ષનો રોડ ટેક્ષ ભરવો પડે છે. જો આ વાહન અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે તો બાકીના વર્ષોનો વેરો ભરવો પડે છે અને મુળ રાજ્ય પાસેથી તે રિફંડ મેળવવું પડે છે. ઘણા લોકો ઝંઝટમાં પડવાના બદલે રિફંડ જતુ કરે છે. હવે આઈએન સીરીઝના વાહનોને આવા રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. વળી રાજ્યોને અલગ અલગ ટેક્ષ સ્લેબ હોવાથી પણ રિ-રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી પડતી હતી. 10 લાખના વાહનો માટે 8 ટકા, 20 લાખથી વધુની કિંમત માટે 12 ટકા જેટલો રોડ ટેક્ષ સુચવવામાં આવ્યો હતો. કોઈ રાજ્યને આવકમાં નુકશાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ ટેક્ષ ન ભરનારાઓ માટે આ નવી પ્રથા આશિર્વાદરૂપ બનશે. દેશભરમાં રજિસ્ટ્રેશનની સમાનતા લાવવા અને સરળતાથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આઈએનની આ સીરીઝ આશિર્વાદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.