Abtak Media Google News

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 24ના મોતથી ફફડાટ:જેટ ગતિએ વધી રહેલો મોતનો આંકડોે

આજે બપોર સુધીમાં કોરોનાના 180 કેસ પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં બેફામ વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. શહેરમાં 24 કલાકમાં 24 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. શહેરમાં કુલ કેસની સંખ્યા 20607 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1632 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે મંગળવારે 153 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 230 દર્દીની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અને રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઓક્સિજનની જરૂરિયાત વાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે બપોર સુધીમાં 180 કેસ સામે આવ્યા છે આ આંકડો આવતીકાલ સવાર સુધીમાં 350ને પાર પહોંચી જાય તો નવાઈ નહીં. કોરોનાના નવા કેસોનો આંકડો દરરોજ નવા વિક્રમ સર્જી રહ્યો છે. દરરોજ કેસમાં વધારો નોંધાઈ રહ્યો હોય આરોગ્ય વિભાગ ચિતામાં ગરક થઈ ગયું છે.

સમરસમાં ઓક્સિજનની સુવિધાવાળા 236 બેડ ઉપલબ્ધ બનશે

જ્યારે સમરસ હોસ્ટેલ ખાતે કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે હાલ બે માળ પર મળીને કુલ 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા 50 દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય 112 દર્દીઓ માટે ઓક્સિજનસભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે. આથી અહીં કુલ 236 ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ થઇ શકશે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કોરોનાના 385 કેસ નોંધાયા

રાજકોટમાં તંત્રએ જાહેર કર્યા મુજબ શહેરમાં મંગળવારે 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે.  હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 1927 છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.