Abtak Media Google News

“સાહેબ, હું મારી પત્નીના કાઉન્સેલિંગ બાબત આપને વાત કરવા માગું છું. વાત એવી છે કે ૨૦ વર્ષના અમારા સુખી લગ્નજીવન પછી છેલ્લા એકા’દ વર્ષથી જ્યારથી મારી પત્ની સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી થઈ છે ત્યારથી એનું વર્તન બદલાતું ચાલ્યું છે. ઘરમાં, બાળકોમાં, પરિવારમાં ધ્યાન ન આપવું, અને હવે તો કલાકોના કલાકો ચેટિંગ કર્યે રાખવું. સ્થિતિ દિન-બ-દિન વિકટ થતી જાય છે.” આજકાલ દર ૧૦ માંથી ૭ ઘરમાં ઉદ્દભવતો આ પ્રશ્ન જે ક્યાંક પ્રકાશમાં આવે છે અને ક્યારેક બંધ બારણે ચર્ચાય છે પરંતુ હકીકત એ છે કે સોશ્યલ મીડિયાના કારણે વધતા જતા પારિવારિક પ્રશ્નોને લીધે ભારતમાં પણ ડિપ્રેશન જેવી વિદેશી ગણાતી બીમારીએ પગપેસારો કર્યો છે એટલું જ નહીં પરંતુ કેટલાય ઘરભંગના કિસ્સાઓ રોજ-બ-રોજ સામે આવી રહ્યા છે.

ફેસબુક થકી વિકસતા અને વકરતા સંબંધોના લીધે આપણી સંસ્કૃતિ,આપણી લગ્નવ્યવસ્થા પર પ્રશ્નાર્થ મુકાયો છે. હા, વાત છે પ્રેમ સંબંધોની.સોશ્યલ મીડિયાના વપરાશ પહેલાં પણ આવા કિસ્સાઓ હશે પણ એનું પ્રમાણ બહુ ઓછું હશે અને એવા સંબંધોનું ચોક્કસ કોઇ કારણ પણ હશે પરંતુ આજે સૌથી મોટું,સૌથી પહેલું કારણ વધતો જતો ફેસબુક અને ચેટિંગનો વપરાશ છે.લગભગ રોજ બે-ચાર આવા કિસ્સાઓ સામે આવે છે કે ફેસબુક થકી ઓળખાણ થાય, એમાંથી પ્રેમ અને સ્થિતિ ત્યાં આવી ને અટકે કે  ગમે છે ત્યાંજવાતું નથી ને જ્યાં છીએ ત્યાં ગમતું નથી.લોકો કહે છે કે ’મેં એનું દિલ જોયું છે’ આ વાતમાં તથ્યજ નથી. હા, પ્રેમ થવાના કારણો જે પણ હોય પણ આ એક વાતને લઇને ચોક્કસ માનવું પડે કે ફેસબુક થી ઘણાં ઘર ભંગ થવાના આરે આવીને ઉભા છે.ફેસબુક પર  કોઇ કોઇને વ્યક્તિગત ઓળખતું નથી. ફેસબુક થકી મળ્યા,ચાર વાતો કરી અને પ્રેમ થઇ ગયો. બહુ સહેલું છે બોલવાનું પણ એ પછી જે ઘટના ઘટે છે એ એકસાથે ત્રણ પરિવારની જિંદગી રફેદફે કરી નાખે છે. આખરી ઉપાય તરીકે કાં તો દવા પી ને આયખું ટુંકાવો અને કાં જાતે પગ પર મારેલા કુહાડાના ઘા રોજ ઝીલો.

લગ્નબાહ્ય સંબંધ એ ઘરેણાં પર ચડાવેલા સોનાના પાણી  જેવું છે. સમય જતાં વાતાવરણની અસરને લઇને ઘરેણાંમાં ચડાવેલ ઢોળ ઉતરે છે એમ જ આવા સંબંધમાં સમય જતા પ્રેમ,લાગણી ,હુંફ આવા બધા તત્વોનો ઢોળ ઉતરી જાય છે. આવા સંબંધો મૃગજળ જેવા છે જે છલના છે. વાસ્તવમાં આ એક આકર્ષણ કે જરૂરિયાત માટે જ બંધાયેલા સંબંધો હોય છે. વધતી અને વકરતી આ સમસ્યા માટે આપણે જ આપણને સંભાળીએ એ બહુ જરૂરી છે. ફરિયાદ હોય છે કે લગ્નજીવનના આટલા વર્ષ પછી પણ  મને મારો પતિ/મારી પત્ની સમજી જ નથી શકતો/શકતી પણ એટલું યાદ રાખવું કે આટલા વર્ષો માં જો એને નથી સમજાયા તો કોઇને નહી જ સમજાય..

દિલના સંબંધો એ છે કે જે આપણી માનસિક શાંતિનો વિચાર કરે. લાગણી એને જ કહેવાય કે જેમાં એકબીજાનો સંપુર્ણ સ્વિકાર હોય એના પરિવારનો,આદતોનો અને એની ખુશીનો , અને આવા સંબંધો પણ હોય છે . બન્ને પક્ષે એટલી મેચ્યોરિટી હોય કે જીવનસાથીની ફરિયાદ પણ કરોતો એના વર્તનમાં તમને પોઝિટીવ દ્રષ્ટિકોણ આપે. અને આવા સંબંધો સ્વસ્થ સંબંધો છે જે લગ્નવ્યવસ્થાને મજબૂત બનાવે છે.

એક વાત આપણે સમજવી જોઇએ કે સોનાનું લાગતું હરણ આભાસી જ હોય છે. દરેક સંબંધ આવા નથી હોતા પણ મોટાભાગનાં આવા જ હોય છે. અને આવા કિસ્સા મોટાભાગે પરણિત  સાથે વધુ બને છે.આની પાછળનું પણ મને લોજીક લાગે છે. લગ્નજીવનના અમુક વર્ષો પછી પુરુષ ને ભવફક્ષલય જોઇએ છે અને સ્ત્રીને એની સ્થિતિ નો સમજનાર અને આવા કારણોથી પહેલાં પણ નજીક્તા કેળવાતી પણ એના માધ્યમો નહિવત્ત હતા અને હવે ફેસબુક થકી આ પ્રમાણ વધ્યું છે.

છેલ્લા પાંચ-સાત મહિનામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા મોટાભાગે સ્ત્રી એકલી હોય અને પુરુષ પરિણિત , આવા કેસમાં સ્ત્રી સતત અટેન્શન ઇચ્છે જ્યારે પુરુષ એના કામકાજ અને પરિવાર વચ્ચે બેલેન્સ કરે તો બહુ ઓછો સમય ફાળવી શકે પરિણામે બહુ ટુંકાગાળા માં સ્ત્રી ના મોઢે એક વાક્ય આવે કે પુરુષો બધા સરખા જ હોય છે. આ રીતે શરૂ થયેલા સંબંધોમાં પુરુષ તરફથી આકર્ષણથી અને સ્ત્રી તરફથી લાગણીથી શરૂ થયેલી સફર આગળ જતાં ખરા પ્રેમમાં પરિણમે છે એવું પણ બને છે. આકર્ષણ પછી લાગણી જન્મે છે .ધણાં કિસ્સાઓમાં પુરુષ ત્રસ્ત હોય અને સહારો ઇચ્છતો હોય અને સ્ત્રી તો હંમેશા દુ:ખી જ(આવું સ્ત્રી માને છે) અને સંબંધ મજબુત બને છે પણ આ સંબંધમાં આગળ જતાં માલિકીભાવ ભળે છે અને પછી પુરુષનું બ્રહ્મજ્ઞાન કે સ્ત્રીઓ બધી સરખી જ હોય છે પણ આ માલિકીભાવના લીધે પુરુષના જીવનમાં કટોકટીની સ્થિતિ આવીને ઉભી રહે છે. એકબાજુ ફરજ, જવાબદારી, આટલાવર્ષો સાથે રહ્યા હોય તો આદત અને લાગણી પણ…..અને બીજી બાજુ આટલા વર્ષે ’સાચોપ્રેમ’ મળ્યો એને નહી ખોવાની  તાલાવેલી પણ હા, આમતો સ્ત્રીઓમાં પણ આવું હોઇ શકે પણ મોટાભાગે દરેક કિસ્સામાં માલિકીભાવ સ્ત્રી જ જતાવે છે, પરિણામ સ્વરૂપ બન્ને એવા દોરાહા પર આવીને ઉભા રહે છે કે જ્યાં એક બાજુ કુવો  અને બીજી તરફ ખાઈ છે પસંદ એણે કરવાનું છે કે કુવામાં ડુબવું છે કે ખાઈ માં કુદવું છે.

લગ્નબાહ્ય સંબંધોમાં બન્ને પક્ષે પરિણિત પાત્રોમાં આવા કિસ્સામાં એમનું વિજાતિય પાત્ર બહુ જ ખરાબ સ્થિતિમાં મુકાઇ જતું હોય છે.બાળકો તથા  પરિવારના અન્ય સભ્યોની ખુશી,આબરુ અને અસ્તિત્વ સહિત દાવ પર લાગી જતું હોય છે. મોજ-મજા કે રજ્ઞિફ ભવફક્ષલય બંધાયેલા સંબંધો અંતે એક ભયાનક સ્થિતીમાં ફેરવાય છે.

જો કે ઘણાખરા કિસ્સાઓ એવા પણ હોય છે કે જેમાં બન્ને એમના સામેના પાત્ર થી ત્રસ્ત હોય અને એક માનસિક સહારો અને હૂંફ ઝંખતા હોય અને આ રીતે સંબંધો મજબૂત થયા હોય. આવા સંબંધોના કારણો  કોઇપણ  હોય પણ પરિણામ નિશ્ચિત જ હોય છે.

લગ્નવ્યવસ્થા એ આપણી સંસ્કૃતિનું અત્યંત મહત્વનું પાસું છે. અને એટલે જ આવા સંબંધોને સામાજિક દ્રષ્ટિએ પણ હલકીકક્ષાના માનવામાં આવે છે. સ્વસ્થ,સ્વચ્છ અને મજબુત સમાજ માટે પણ આવા સંબંધો નુકશાનકર્તા છે. પશ્ચિમની સંસ્કૃતિ અલગ છે પણ આપણે ત્યાં સપ્તપદીને ઇશ્વર સમકક્ષ મનાય છે.સંસ્કૃતિ જીવંત રહે,સામાજિક વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પણ આવા સંબંધો ને ત્યજવા હિતાવહ છે.

એવા પણ કેટલાક કિસ્સાઓ  છે કે જેમાં આવા સંબંધમાં જોડાયા પછી આજીવન કોઇપણ પ્રકારના અફસોસ, કે એકબીજા ના પારિવારિક નુક્શાન વગર  બન્ને પાત્રો આ સંબંધને જીવિત રાખે છે .

’પુછી ને થાય નહીં પ્રેમ’…સાચું પણ એ પ્રેમની વાત છે અને આવા પ્રેમ પણ હોય છે. હોવા પણ જોઇએ પરંતુ અહીં જે સંબંધો ની વાત કરી એમાં પ્રેમ સિવાય બધું જ હોય છે એટલે જ એ સંબંધ ફટકિયા મોતી જેવો સાબિત થાય છે.

પતિ/પત્નિ,બાળકો,અને પોતાનો પરિવાર કોઇપણ સંજોગોમાં અગ્રિમ સ્થાને છે આ ન ભુલવું જોઇએ.ફેસબુક થકી વકરેલો આ એક મહારોગ ફેસબુકની ઘણી બધી ખુબીઓ પર હાવી થઇ જાય છે. સમજણશક્તિ જરૂરી છે. જે સમજણ ખરાબ સ્થિતિના સર્જન પછી આવે એ જ સમજણ યોગ્ય સમયે જરૂરી છે. આવા સંબંધોના કરૂણ અંજામ માટે આપણે જ જવાબદાર છીએ એ ન ભુલવું . મહાનતા એમાં નથી કે તમે કેટલા સંબંધો બાંધી શકો છો મહાનતા તો એમાં છે કે તમે આજીવન એક સંબંધ ટકાવી શકો છો..

આમ તો બધા જ આ બધું જ જાણતા હોય છે પણ સમર્થન એની પથદર્શક સાબિત થતી હોય છે.. વ્યક્તિ જેને માને કે જેના પર ભરોસો કરે એના સમર્થન પર એ ચાલે એવું બનતું હોય છે એવા સંજોગોમાં આપણે પણ એમના,એમના પરિવાર ના તથા લગ્નવ્યવસ્થાના હિત માં સમર્થન આપીએ….  ફેસબુક એક માધ્યમ છે બાકી ઇચ્છા અને જરૂરિયાતથી મોટો કોઇ મિત્ર કે શત્રુ નથી… અને છેલ્લે….  ગીતકાર જાંનિસાર અખ્તર મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે તેમણે સિગારેટના ખોખા પર પોતાના પુત્ર જાવેદ અખ્તર(જેને તેઓ પ્રેમથી શેખુ કહેતા)ને લખીને મોકલ્યુ હતું કે, શેખુ હમ ન રહેંગે તબ બહુત યાદ કરોંગે… ત્યારે જાવેદ અખ્તર સાહેબે તેમને જવાબ લખ્યો હતો કે, જરૂરરતે નયે રાસ્તે તલાશ લેતી હૈ….

સોશ્યલમીડિયા થકી જન્મતા, વિકસતા અને વિસરતા મોટાભાગના સંબંધો જરૂરતોનો શિકાર છે પરંતુ ભયસ્થાન સમજીએ અને જરૂરતોના હકારાત્મક, સકારાત્મક અને સ્વસ્થ માર્ગો પણ છે એ ન ભૂલવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.