Abtak Media Google News

નવ પુણ્યાત્માઓની દીક્ષા આમંત્રણ પત્રિકા આલેખનનો મંગલ અવસર સંપન્ન

દિવ્ય મંત્રધ્વનિ અને કેસર છાંટણે તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, ગુરુ ભગવંતો અને ઉપકારી આત્માઓને આમંત્રણ આપતા પરમધામના અણુ અણુમાં દિવ્યતા પ્રસરાઈ

હે પ્રભુ ! જે પંથે તમે ચાલી આપ તરી ગયા તે પંથે નવ પુણ્યાત્માઓ પ્રયાણ કરીને આજે તરી રહ્યાં છે, આવતીકાલે અમે પણ તરીશું. એવા મંગલોત્તમ પ્રાર્થનીય ભાવ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં ભાગવતી જૈન દીક્ષા મહોત્સવની આમંત્રણ પત્રિકા આલેખનનો અવસર પરમધામ સાધના સંકુલના પ્રાંગણે પરમ તત્ત્વોને અહોભાવભીના આમંત્રણ આપીને અત્યંત આનંદ-ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો. આ અવસરે દેશ-પરદેશના હજારો ભાવિકોએ જોડાઈને દીક્ષા મહોત્સવના માંગલિક શુકનવંતા વધામણા કર્યા હતા.

સમગ્ર સંસાર, સ્વજનો અને સુખ સમૃદ્ધિનો ત્યાગ કરીને આત્મશુદ્ધિની સાધના કરવા અર્થે દીક્ષા જીવનના સ્વીકાર કરવાની યુગો-યુગોની જૈન દર્શનની પરંપરામાં જ્યારે નવ આત્માઓ મંગલ પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે, આગામી 14 થી 20 ફેબ્રુઆરી સુધી ચાલનારા દીક્ષા મહોત્સવના સર્વ આયોજનોના સંઘપતિ બની લાભ લેનાર ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર – ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર –  મિલીબેન જીગરભાઈ શેઠ દ્વારા અત્યંત ઉલ્લાસભાવે અહોભાવ પૂર્વક મસ્તકે  દીક્ષા પત્રિકા ગ્રહણ કરીને કરાવવામાં આવેલી મંગલ પધરામણી સાથે જ આ અવસરે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્ર અને લોગસ્સ સ્તુતિના ગુંજારવથી મહોત્સવનું મંગલાચરણ બાદ દિવ્ય મંત્રોચ્ચાર પૂર્વક દીક્ષા આમંત્રણ પત્રિકા પર કેસર છાંટણે, તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, આધ્ય ગુરુ ભગવંતો તેમજ દરેક ઉપકારી તત્ત્વોના નામ આલેખિત કરીને દીક્ષા મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવતાં સર્વત્ર હર્ષ છવાયો હતો.

આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે હૃદયસ્પર્શી બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, સમગ્ર સંસારનો ત્યાગ કરીને નવ આત્મા જ્યારે ધન્ય બની રહ્યાં છે ત્યારે, એમના ત્યાગ મહોત્સવની અનુમોદના દ્વારા હજારો શાસનપ્રેમી આત્માઓએ ધન્યાતિધન્ય બનવાનો અવસર આજે આવ્યો છે. જે પંથે પ્રભુ સ્વયં ચાલીને તરી ગયા એવા પંથ પર નવ આત્માઓ પ્રયાણ કરીને તરી રહ્યાં છે ત્યારે તેમની અનુમોદના કરતા કરતાં અમે પણ એક દિવસ તરી જઈશું એવી ભાવના અને સંભાવનાનું સર્જન કરવા માટેનો આ અવસર છે. કેમ કે ત્યાગી આત્માઓના ત્યાગની જે અનુમોદના કરે એના હૃદયમાં પ્રભુ પધારે. એક આત્મા જ્યારે ત્યાગના પંથે પ્રયાણ કરે છે ત્યારે અનેક આત્માના કલ્યાણનુ નિમિત્ત બને છે, અનંત આત્માઓના અભયદાનનું કારણ બને છે.

આ સાથે જ દીક્ષાર્થીઓના શ્રીમુખેથી જૈન દર્શનમાં પ્રભુ કથિત અષ્ટ પ્રવચન માતાને આમંત્રણ સાથે જ એમના દ્વારા અષ્ટ પ્રવચન માતાઓને આમંત્રણનું મંગલ આલેખન કરવામાં આવેલ. વિશેષમાં, હજારો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ મહારાજા દ્વારા કરવામાં આવેલી દીક્ષાની અનુમોદનાની ઐતિહાસીક ઘટનાની સ્મૃતિ આપતાં આ અવસરે દીક્ષા મહોત્સવના સંઘપતિ બનવાનો લાભ લેનાર બન્ને પરિવાર દ્વારા અત્યંત ઉત્સાહ ભાવે ભેરી વગાડીને હજારો ભાવિકોને દીક્ષા મહોત્સવમાં આમંત્રણ સાથે જ પરાગભાઈ શાહની ભાવોની અભિવ્યક્તિ સાથે દીક્ષા મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.