ઓનલાઇન પેમેન્ટસ: અવેજીના વ્યવહારોથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સુધીની ડિજિટલ સફર

સાંજ પડ્યે ઘરનો સમાન લેવા નીકળ્યા હોય અને ૨ દૂધની થેલીનું મૂલ્ય ચૂકવવા ખિસ્સામાંથી ચોખા ભરેલી થેલી આપો તો? પેટીએમ અને ગૂગલ પેના જમાનમાં આવું કોઈ કરે તો ચોક્કસ એનો ઈલાજ કરવા મોકલી દેવામાં આવે(ભાઈ/બહેન માનસિક રીતે બીમાર છે!). પરંતુ આ મોબાઇલના એક બટન દબાવવા થી થતું મૂલ્યનું ભૂગતાન સમયની કેટલી ઊંડી સફર કરીને આવ્યું છે એ જાણવું તદ્દન રસપ્રદ છે.

જીવન ખૂબ જ સરળ હતું. લોકો પોતાની પાસે જે પણ ચીજવસ્તુઓ હોય એની અવેજીમાં જરૂરિયાતની વસ્તુઓ મેળવી લેતા. જેમ જેમ મુદ્રાઓ અસ્તિત્વમાં આવી તેમ સંગ્રહ શરૂ થયો. આ સંગ્રહના વપરાશનું નિયમન કરવાની નવી આવશ્યકતાનો જન્મ થયો. આ સાથે જ ખિસ્સામાં પડેલી મુદ્રાઓ સાચવવા ની જરૂર જણાઈ અને ક્રમશ: મુદ્રાઓની સાચવણ અને નિયમન એક નવું જ ક્ષેત્ર તરીકે ઊપજી ઉઠ્યું.

૨૦૧૬ માં રિસર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના તત્કાલીન ડેપ્યુટી ગવર્નર આર ગાંધી એ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એક ભાષણ આપેલું. આ ભાષણ ભૂગતાન પદ્ધતિ ની મૂકક્રાંતિ વિશે હતું. ભારત માં તથા દુનિયાભરમાં ભૂગતાન પદ્ધતિ(પેમેંટ સિસ્ટમ) ક્યારે વિકસીને આપણાં મોબાઇલ ના બટન સુધી પહોંચી ગઈ એ વાસ્તવ માં જ એક અનેરી ક્રાંતિ છે. આજ વર્ષે ભારત માં યુપીઆઈ પેમેંટ ની સગવડતા શરૂ થઈ હતી. ઓનલાઇન પેમેંટની હરણફાળ જાણે કે ક્ષણભરમાં આપણાં જીવનમાં વણાઈ ગઈ. કમરપટ્ટા પરની ચીજવસ્તુઓ કે મુદ્રાથી ભરેલી થેલી આજે ખિસ્સામાં અનેક સુવિધાઓથી ભરૂપૂર મોબાઇલ ફોન માં બદલી ગઈ છે. પહેલા ખરીદી કરવા જતાં ખિસ્સામાં નોટ કે ચિલ્લરનો હિસાબ રાખીને ચાલવું પડતું, હવે રસ્તા પરની સામાન્ય પાનની દુકાનમાં પણ પેટીએમ કર્યું છે અથવા ગૂગલ પે કર્યું એવા આવજો સંભળાય છે.

ભાઈ, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દો ને!

આપણે આજે જે ઓનલાઈન ટ્રાન્સફર કરીએ છીએ તેના મુળ્યા છેક ઇ.સ. ૧૮૭૧ સુધી જાય છે. આ વર્ષે વેસ્ટર્ન યુનિયન એ સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર ની શરૂઆત કરી હતી. આ સાથે લોકોને એક એવી અનોખી પદ્ધતી મળી કે જેમાં તેઓ કોઈ ભૌતિક નાણાં સાથે રાખ્યા વગર ભૂગતાન કરી શકે. પરંતુ આ માટે તેઓને કચેરીમાં જઈને કતારોમાં ઊભા રહીને સંપૂર્ણ વિધિ કરવી પડતી. વખત જતાં ધીમે ધીમે ટેલિગ્રાફ ના માધ્યમ થી પણ નાણાં ના વ્યવહારો શરૂ થયા.

જેમ જેમ ભૂગતાન ઈલેક્ટ્રોનિક માધ્યમ સાથે સંકડાયું તેમ, રોકડ રકમ ખિસ્સામાં સાચવવાની પ્રથાને નવું સ્વરૂપ મળ્યું. કચેરીઓની લાંબી કતારોને પહોંચી વળવા એટીએમની સ્થાપના થઈ. આ સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ. આ ઘટના લગભગ ૧૯૬૦ ના દાયકા થી શરૂ થયેલી છે. ખરેખર જોવા જઈએ તો આ કાર્ડની શરૂઆત લગભગ ૧૯૨૮માં એક અલગ સ્વરૂપમાં થઈ હતી. અમેરિકામાં ગ્રાહકોને અલગ અલગ દુકાનો માથી ખરીદી કરવા માટે ચાર્જ કાર્ડની સુવિધા આપવા માં આવતી. જેમ આપણે બેન્કમાં નાણાં એક સાથે જમા કરાવીને એક કાર્ડ દ્વારા ભૂગતાન કરીએ છીએ તેમ એ જમાના માં આ એક નાની એવી પ્લેટ ડેબિટ કાર્ડનું કામ કરતી. ભારતમાં પહેલું ક્રેડિટ કાર્ડ સેંટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૯૮૦ માં શરૂ કરવામાં આવ્યું હતું.

ઇન્ટરનેટના આગમનથી આપણાં જીવનમાં ઘણા ફેરફારો થયા અને કોઈ એવું ક્ષેત્ર નથી જે ઇન્ટરનેટના માધ્યમ થી અળગું હોય. ખરેખર ડીજીટાઈઝેશન એ ઇન્ટરનેટના આગમન સાથે જ સર્જાઈ ગયું હતું. વખત જતાં નાણાં પણ ડીજીટાઈઝડ થવા માંડ્યા. ભારતમાં સૌપ્રથમ ૨૦૦૦ની સાલમાં બિલડેસ્ક ના આગમનથી ઓનલાઇન ટ્રાન્જેક્શન શરૂ થયા. અને ૨૦૧૬થી યુપીઆઇના આગમનથી નાણાંના ઓનલાઇન વ્યવહારોનો નવો યુગ શરૂ થયો. કચેરીઓ ની લાંબી લાઈનો થી છૂટકારો મળી ને નાણાં નું ભૂગતાન આંગળી ના ટેરવે સુધી પહોચી ગયું.

દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે કાઉન્ટર પર રાખેલા ક્યુઆર કોડ પર ઓનલાઇન ચાંદલો નોંધાવી લે!

ભારત માં દરેક નાણાંકીય વ્યવહારો ઓનલાઇન માધ્યમથી થવાના શરૂ થઈ ગયા છે. કદાચ હવે પ્રસંગોમાં ઓનલાઇન ચાંદલો લખવાની વાત સર્વસામાન્ય થઈ રહી છે. ટેક્નોલોજી અને નાણાંકીય વ્યવહારો થી બનતા સુસંગત ક્ષેત્ર ને ફિનટેક(ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) તરીકે ઓળખવામાં આવે છે. આ ફિનટેક ભારત માં ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યું છે.

ભારતમાં લગભગ દરેક વિસ્તારમાં મોબાઇલ ફોન તો હશે જ. શાળાએ જતાં છોકરાઓ થી મંદિરે સત્સંગમાં જતાં વૃદ્ધ લોકો સુધી બધા જ લોકો પાસે મોબાઇલ ફોન ઉપલબ્ધ છે. ભારત માં ૨૦૧૯માં લગભગ ૧૧ અબજ ઓનલાઇન પેમેંટ થયા. ૨૦૨૦ ની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ ૩૭૩ અબજ ડોલર નું ભૂગતાન ભારતમાં યુપીઆઇથી થયું છે. લોકો દ્વારા ખરેખર કાર્ડ થી થતાં ભૂગતાન કરતાં યુપીઆઇ વધારે પસંદ કરવામાં આવે છે.

પેટીએમ, એમેઝોન વોલેટ તથા બીજા ઓનલાઇન વોલેટ ના આગમન થી લોકો ને ઓનલાઇન વોલેટમાં નાણાં જમા કરીને જરૂર પડ્યે તેનાથી ભૂગતાન કરી શકવાની સુવિધા મળી. પરંતુ યુપીઆઇના આગમનથી વોલેટ બેલેન્સ પ્રત્યે લોકોનો ઝુકાવ ઘટવા માંડ્યો. યુપીઆઇના બેન્ક સાથે ના સીધા સંપર્કના કારણે વોલેટમાં નાણાં રાખવાની જરૂરિયાત વ્યર્થ લાગવા માંડી.

ખાતાની માયા અને બ્લોકચેનની કાયા

એક સમય એવો હતો કે અસંખ્ય ચોપડાઓમાં નાણાંના વ્યવહારો નોંધવા માટે કલાકો નો સમય જતો. કેટકેટલા પ્રકારના ખાતા વિશે ના વ્યવહારો કોઈ વિશેષજ્ઞ જ સમજી શકતા. આ પછી પણ ઓનલાઇન નાણાં ના વ્યવહારો ને વ્યવસ્થિત કરવા સહેલા બન્યા પરંતુ તે એટલા પારદર્શક નહોતા. જેમ વપરાશકર્તા ઓનલાઇન પેમેંટ તરફ આગળ વધી રહ્યા હતા તેમ તેમના ઓનલાઇન વ્યવહારો ને સુરક્ષિત રાખવા એ એક મુશ્કેલ કાર્ય હતું. ભારત માં ઓનલાઇન છેતરપિંડી ના કિસ્સાઓ હજુ પણ જોવા મળે છે. ડિજિટલ પેમેન્ટસ ને સુરક્ષિત અને સરળ બનાવવા માટે બ્લોકચેન અત્યાર સુધીનો શ્રેષ્ઠ ઉપાય છે.

જેમ નાણાં ના ભૂગતાન ને ઓનલાઇન કરવાની વાત થઈ રહી છે, તેમ નાણાં ને જ અદ્રશ્ય ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવા માટે પણ પ્રયત્નો થયા છે. આ ડિજિટલ નાણાં કોઈ બીજા નહીં પણ વિખ્યાત ક્રીપ્ટો કરેંસી છે. બીટકોઈન તથા બીજી ક્રીપ્ટો કરેંસી ભૌતિક નાણાં ને સંપૂર્ણ રીતે લુપ્ત કરી એક નવા યુગ તરફ જવાના માધ્યમ તરીકે આગળ વધી રહ્યા છે. ખરેખર બ્લોકચેન નામ ની માયા આ ક્રીપ્ટો કરેંસી ને સુરક્ષિત રાખવા જ રચાઇ હતી. ઓનલાઇન પેમેંટસ માં નાણાં ક્યાંરે ખરચાય જાય તેની ખબર રહેતી નથી. તમારા પે નાવ (Pay Now)ના બટન પર અંકુશ રાખવા માટે તમે ઓનલાઇન મની બજેટિંગ એપ્સ વાપરી શકો છો.

બ્લોકચેન અદ્રશ્ય ખાતા ની એક એવી પોથી છે જેમાં દરેક વપરાશકર્તા ના ખાતાઓ ની માહિતી સંગ્રહવામાં આવે છે. ઇન્ટરનેટ ના માધ્યમ થી કેન્દ્રિય વ્યવહારો ને વિતરિત સ્વરૂપ માં ફેરવી ને બ્લોકચેન એક પારદર્શક અને સુરક્ષિત ખાતાપોથી બનાવે છે. આ પોથી ગમે ત્યારે ગમે તે અધિકૃત વ્યક્તિ જોઈ શકે છે. આ સમગ્ર બ્લોક ચેન વિશ્વ ભર માં એક નાણાકીય માયાજાળ જેવી ફેલાયેલી છે. આપણી નાણાકીય માહિતીઓ બ્લોકચેન ના એંક્રિપ્શન હેઠળ સુરક્ષિત કરવામાં આવે છે. ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સ આ ફિનટેકને વધુને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા પ્રયાસો કરી રહ્યા છે.

જેમ ભારત માં દરેક ખૂણે મોબાઇલ ફોન પહોંચ્યા છે તેમ જો ઓનલાઇન પેમેંટસ પહોચી જાય તો ઘણી મુશ્કેલીઓ નો અંત આવી શકે છે. સરકાર દ્વારા ખેડૂતો ને કિસાન કાર્ડ તથા રૂપેય (RUPAY) કાર્ડ ની જોગવાઈ આ જ ક્ષેત્રે પ્રયાસો છે. આપણાં દેશ માં ઓનલાઇન ભૂગતાન તો ઝડપભેર વધી રહ્યા છે પરંતુ નાણાં વિશે ના બીજા વ્યવહારો જેવા કે લોન, વીમા તથા મોટા નાણાકીય વ્યવહારો હજુ સંપૂર્ણ રીતે ડિજિટલ થયા નથી. આનું એક કારણ ડિજિટલ ભૂગતાન ની સુરક્ષા અને પારદર્શકતા આડે આવતા પ્રશ્નો છે.

ભારત માં ડિજિટલ ભૂગતાન છેલ્લા પાંચ વર્ષ થી ૫૩ ટકા ના વાર્ષિક વિકાસ દર થી વધી રહ્યું છે. ગામડાઓ માં હજુ પણ ડિજિટલ ભૂગતાન એટલું પ્રચલિત નથી. અત્યાર સુધી બેન્ક દ્વારા થયેલા પ્રયાસો માં શેહરો ને પ્રાથમિકતા મળી છે. ભારત ને આ ક્ષેત્રે આગળ વધવા હજુ ઘણું વિકસિત થવા નું બાકી છે. જેમ આજે ગામડાઓ ના દરેક વ્યક્તિ પોતાના ગજવા માથી મોબાઇલ ફોન કાઢે છે તેમ ઓનલાઇન પેમેંટ ને દરેક ગજવા સુધી પહોચડવાનું કામ કરવું પડશે. આ માટે ઓનલાઇન પેમેંટ ને આડે આવતા અવરોધો ને હટાવવા પડશે. બેન્ક ટ્રાન્સફર તથા ડિજિટલ ભૂગતાન વચ્ચે આવતા ટ્રાનઝેકશન ચાર્જ ને લગભગ વિલુપ્ત કરવા માટે એક નવું માળખું વિકસિત કરવું એ એક ઉપાય હોય શકે છે. લોકોને તેમના ઓનલાઇન નાણાં પ્રત્યે સજાગ કરવા એ મૂળભૂત જરૂરિયાત છે. ઓફર્સ અને કેશબેક માટે લોકો ડિજિટલ પેમેંટસ વાપરે જરૂર થી છે પણ તેના ફાયદાઓ થી સંપૂર્ણપણે અવગત નથી. આ કાર્ય ડિજિટલ પેમેંટસ અને બ્લોકચેન એક સાથે મળી ને પાર પાળી શકે એમ છે. હવે એ સમય દૂર નથી જ્યારે ચીજવસ્તુઓ ની આપ-લે થી શરૂ થયેલી આ મુકક્રાંતિ એક અદ્રશ્ય માધ્યમમાં પરિવર્તિત થઈ જશે.