Abtak Media Google News
  • વિદેશી અને પરપ્રાંતિય ઉતારૂઓ કયાથી આવ્યા અને શા માટે આવ્યા અંગેની વિગતો એસઓજીને આપવી પડશે
  • હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોએ ઉતારૂઓના ઓરિઝનલ આઇડી પ્રુફ, મોબાઇલ નંબર અને સીસીટીવી ફૂટેજ ત્રણ માસ સુધી રાખવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બહાર પાડયું જાહેરનામું

શહેરમાં સુલેહ-શાંતિ જળવાય રહે અને કોઇ આંતકી હુમલો ન થયા તે માટે શહેરની સુરક્ષાને ધ્યાને લઇ અસામાજીક તત્વો સામાન્ય રીતે હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, બોર્ડીગ, ધર્મશાળા અને મુસાફરખાનામાં આશરો મેળવતા હોવાથી તેઓનો આવા ભાંગફોડીયા તત્વોને આશરો ન મળે અને મળે તો તાકીદે તેની ઓળખ થઇ શકે તે માટે ઉતારૂની પોર્ટલ પર એન્ટ્રી ઓન લાઇન કરવાનું ફરજિયાત બનાવતું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડયું છે.

ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગૃપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પેાલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે જારી કરેલા હુકમો મુજબ હોટલ, લોજ સહીતના માલીકોએ તેમને ત્યાં આશરો લેતા વ્યક્તિઓના રજિસ્ટ્રેશન રાજકોટના એસ.ઓ.જી શાખાની ઓફીસમાં કરાવી તેના યુઝર આડી, પાસવર્ડ મેળવી લેવાના રહેશે. જે અંતર્ગત રોકાણ અર્થે આવેલ દરેક વ્યકિતની જાણ 24 કલાકમાં ઓનલાઈન પેાર્ટલમાં આશ્રય આપનાર માલીકને ફરજીયાતપણે કરવાની  રહેશે. આ ઉપરાંત રોજબરોજની સમરી રીપોર્ટ અને મુસાફરના આઈ. ડી. પ્રુફની નકલ તથા સી ફોર્મની હાર્ડકોપી નિયમીત ધોરણે જનરેટ કરી ફાઈલ બનાવી રેકર્ડમાં રાખવાની રહેશે. આ ઉપરાંત રોકાયેલા મુસાફરોની મુલાકાત માટે આવેલ ઈસમોના  નામ, ફોન નં, અસલ ફોટો આઈ ડી, ચેક કરવાના રહેશે.

વિદેશી કે પરપ્રાંતીય મુસાફરો કઈ જગ્યાએથી અને શા માટે રાજકોટ શહેરમાં ઉતર્યા  છે તેની માહિતી મેળવી, તેમના નંબરની ખરાઈ કરી શંકાસ્પદ હીલચાલ જણાતા પેાલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણ માસ સુધીની સીસીટીવી ફુટેજ રાખવાના રહેશે. ટેકનોલોજીમાં આવેલ ખામીને કારણે જો એન્ટ્રી કરવામાં સમસ્યા સર્જાય તો તે અંગેની જાણ રાજકોટ એસ.ઓજી ને કરવાની રહેશે.  આ આદેશોનો અમલ તા. 31 ઓકટોબર સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.