206 જળાશયોમાં માત્ર 50.68 ટકા જ જળ: સાતમ-આઠમ પછી “પાણી પત”

દુષ્કાળની કલ્પના માત્રથી સૌરાષ્ટ્રવાસીઓની આંખોમાં આવી જાય છે પાણી

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 40 ટકા, કચ્છના 20 ડેમમાં 21 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.50 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 60 ટકા જ પાણી

કરોડો લોકોની પ્રાર્થના-દુવાઓ જાણે બેઅસર પૂરવાર થઇ રહી હોય તેવું મહેસુસ થઇ રહ્યું છે. લાખો આજીજી છતા વરૂણ દેવ કૃપા વરસાવવાના બદલે સતત અંતરધ્યાન થઇ રહ્યાં છે. રાજ્યભરમાં પાણીની સ્થિતી વિકટ નહીં પરંતુ મહાચિંતાજનક છે. 206 જળાશયોમાં માત્ર 50.68 ટકા જ પાણી બચ્યું છે. જો એક સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો રાજ્ય સરકાર માટે સાતમ-આઠમ બાદ પાણી પ્રશ્ને પાણીપતની લડાઇ જેવો મહાકાય પડકાર ઉભો થશે.

ગામે ગામથી હાલ નર્મદાના નીરની માંગણી શરૂ થઇ જવા પામી છે. જેમ-તેમ કરી દિવાળી તો આવી જશે પરંતુ ત્યારબાદની સ્થિતીની કલ્પના પણ ટાંટીયા ધ્રુજાવી દે તેવી કપરી બને તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સ્થિતી પણ સારી નથી. નર્મદા ડેમમાં માત્ર 45.66 ટકા પાણી છે. જે રાજ્યભરની તરસ છીપાવવામાં લાચાર બની જશે.

વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય પાણી પ્રશ્ને રાજકારણ પણ જામશે: જશ-અપજશની પાળો બંધાશે

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પણ માત્ર 45.66 ટકા જ પાણી: વરૂણ દેવ નહીં રિઝે તો દિવાળી બાદ સ્થિતી વધુ ચિંતાજનક બનશે

વરસાદ વિનાનો એક-એક દિવસ હવે ગુજરાતવાસીઓની આંખોમાં પાણી લાવી રહ્યો છે. રાજ્યના મુખ્ય પાંચ પ્રદેશો પૈકી એકપણ પ્રદેશની હાલત હાલ પાણીદાર નથી. રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,82,489 એમસીએફ્ટી પાણી સંગ્રહિત છે. જે સંગ્રહ શક્તિના 50.68 ટકા છે. તેવી સત્તાવાર જાહેરાત વેધર વોચ ગૃપની બેઠકમાં સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ સારા વરસાદના અભાવના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થવા પામી નથી. નર્મદા ડેમમાં હાલ 1,52,544 એમસીએફ્ટી પાણી સંગ્રહિત છે. જે કુલ સંગ્રહ શક્તિના 45.66 ટકા છે. જો વરસાદ નહીં આવે તો આ વર્ષ સરદાર પણ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની તરસ છીપાવવામાં લાચાર બની જશે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 40 ટકા પાણી છે. કચ્છના 20 ડેમમાં 21 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.50 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 60 ટકા જ પાણી છે. ચોમાસામાં જળાશયોની સંગ્રહ શક્તિ વધવાના બદલે દિન-પ્રતિદિન ઘટી રહી છે. સૌરાષ્ટ્ર પાણી-પાણી થવાના બદલે લોકોની આંખોમાંથી પાણી વહી રહ્યું છે.

ભર ચોમાસે રાજ્યભરમાંથી જળાશયોમાં નર્મદાના નીરની માંગણી ઉઠી રહી છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર પાણી પ્રશ્ને સંપૂર્ણપણે નર્મદાના નીર પર નિર્ભર છે. શહેરની જળ જરૂરિયાત સંતોષતા એક પણ જળાશયની એવી તાકાત નથી કે આખું વરસ શહેરની તરસ છીપાવી શકે. સારા વરસાદમાં પણ આજી અને ન્યારી ડેમને વર્ષમાં એકથી બે વાર નર્મદાના નીરથી ભરવા પડે છે. આ વર્ષ શું સ્થિતી સર્જાશે. તેની કલ્પના કરવી મુશ્કેલ બની જવા પામી છે.

હાલ લોકો ફેસ્ટીવલ મુડમાં આવી ગયા છે. આવામાં પાણીની ચિંતામાં મૂકવા સરકાર માંગતી નથી. સાતમ-આઠમના તહેવાર બાદ રાજ્ય સરકાર પાણીની વર્તમાન અને ભાવિ સ્થિતીની સમીક્ષા કરશે અને જો હવે વરસાદ ન પડે તો આવતા વર્ષ ચોમાસાની સ્થિતી સુધી ગુજરાતની સાડા છ કરોડની જનતાને પીવાનું પાણી કેવી રીતે પુરૂં પાડવું ? આવતા વર્ષ અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

ત્યારે પાણી પ્રશ્ને રાજકારણ જમાવટ લે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જશ અને અપજશના પોટલા બાંધવા રાજકીય પક્ષો પાળ બાંધવા માંડશે. હવે વરસાદ વિનાનો એક-એક દિવસ ચિંતામાં સતત વધારો કરી રહ્યો છે. જો આકાશમાંથી પાણી નહીં વરશે તો રૂપાણી સરકારે પાણી માટે પાણી પતના યુધ્ધ જેવી લડાઇ લડવા સજ્જ થઇ જવું પડશે.

પાણી રે પાણી….તેરા રંગ કૈસા!!!

દુષ્કાળની દેવી મેઘા પાટકરે હવે નર્મદા ડેમની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા: પાણીની ખેંચમાં હવે રાજકારણનો રંગ ભળ્યો

છેલ્લા બે દાયકાથી નર્મદા ડેમનો વિરોધ કરનાર અને સૌરાષ્ટ્રવાસીઓએ જેને દુષ્કાળની દેવીનું બિરૂદ આપ્યુ છે. તે મેઘા પાટકરે સરદાર સરોવર ડેમની સુરક્ષા સામે સવાલો ઉભા કરી જળ કટોકટી વચ્ચે રાજકીય રંગોળી પુરી છે. હજી તો આ આરંભ છે જો વરસાદ ખેંચાશે તો પાણી પ્રશ્ને રાજકારણીઓ રોજ રંગ બદલશે અને ખોટી સહાનુભૂમિ દેખાડવા પાણી-પાણી થઇ જશે.

નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા આંદોલન કરી મેઘા પાટકરે સરદાર સરોવર- નર્મદા ડેમ અંગે સીપેજ મામલે કરાયેલા આક્ષેપોને ડેમ સેફ્ટી રિવ્યુ પેનેલે પાપા અને તર્ક વિહીન ગણાવ્યા હતાં. કોંર્કિંટમાંથી સીપેજ અર્થાત પાણી ઝરવુ તે એક ડેમ સાઇટ માટે કુદરતી પ્રક્રિયા છે. નર્મદા ડેમમાં સીપેજની માત્રા માન્ય મર્યાદામાં થઇ રહી છે. જેનાથી ડેમને જોખમ હોવાનું ક્યારેય ધ્યાનમાં આવ્યું નથી.

ડેમની અપ સ્ટીમ સપાટીની જાળવણી માટે સરોવરની સપાટી ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. ડેમ સેફ્ટી પેનલ સતત ડેમની જાળવણી માટે કાર્યકર છે. ડેમની સપાટી ઘટાડવા માટે બાયપાસ ટનલનો ઉપયોગ કરવામાં આવશે.

તો જાન્યુઆરીથી રાજકોટમાં એંકાતરા પાણી કાપ?

50-55 ઇંચ વરસાદ પડે તો પણ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી-ન્યારીમાં ઉનાળાના આરંભે નર્મદાના નીર ઠાલવવા પડે છે: આ વર્ષ શું થશે?

સૌરાષ્ટ્રનું પાટનગર એવું રાજકોટ છેલ્લાં દોઢ દાયકાથી પાણી પ્રશ્ને સંપૂર્ણ પણે નર્મદાના નીર પર આધારિત છે. શહેરની 40 ટકા જળ જરૂરિયાત નર્મદા મૈયા સંતોષે છે. આ વર્ષ ચોમાસાની સિઝનમાં એક વખત બંને ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું અને હજી એક વખત નર્મદાનું પાણી ઠાલવવાની તૈયારીઓ થઇ રહી છે. જો વરસાદ નહીં પડે તો જાન્યુઆરી માસથી રાજકોટવાસીઓ પર એંકાતરા પાણી કાપ લાદવામાં આવે તેવી સંભાવના પણ હાલ વર્તાઇ રહી છે.

રાજકોટ શહેરનો જે રીતે વ્યાપ અને વસ્તી વધી રહ્યાં છે તેની સામે જળસ્ત્રોત વધતા નથી. નર્મદા મૈયા શહેરીજનો માટે તારણહાર બન્યા છે. શહેરમાં દૈનિક 350 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેમાંથી 125 એમએલડી પાણી નર્મદાનું લેવામાં આવે છે. અગાઉ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ડેમમાં ઠાલવવામાં આવ્યા હોય તેનો હિસાબ કરવામાં આવે તો 40 ટકાથી વધુ જરૂરિયાત નર્મદા સંતોષે છે.

અગાઉ આજી અને ન્યારી ડેમમાં 250 એમસીએફ્ટી જેટલું નર્મદાનું પાણી ઠાલવી દેવાયા બાદ વધુ 350 એમસીએફ્ટીની માંગણી કરવામાં આવી છે. જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આજી અને ન્યારી ડેમ ગમે ત્યારે નર્મદાના નીરથી ભરી દેવા સક્ષમ બન્ય હોવાના કારણે હાલ રાજકોટવાસીઓએ વરસાદ ખેંચાયો હોવા છતાં હાડમારી વેઢવી પડતી નથી.

પરંતુ આગામી દિવસો થોડા આકરા રહે તેવી ભીતી વર્તાઇ રહી છે. કારણ કે નર્મદા ડેમમાં પણ પાણીની આવક થવા પામી નથી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના હોવાથી તેઓને શહેર માટે પૂરતી લાગણી હોય તે સ્વાભાવીક છે. પરંતુ જો સરદાર સરોવર ડેમમાં જ પાણી નહીં હોય તો રાજકોટને કેવી રીતે પાણી આપી શકાશે. નર્મદા મૈયા પર માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર સહિત આખું ગુજરાત નિર્ભર છે. તમામ પ્રદેશોને ધ્યાનમાં રાખી ડેમમાંથી પાણી આપવામાં આવે તે નિશ્ર્ચિત છે. જો પાછોતરો વરસાદ સારો નહીં રહે તો જાન્યુઆરી માસમાં રાજકોટવાસીઓએ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે.