ગૌ માતા જ પૃથ્વી બચાવી શકશે-શા માટે ???

આજે “વિશ્ર્વ પિકનિક દિવસ” છે. માનવી હંમેશા નવી નવી ક્ષિતિજોની શોધમાં સમયાનુસાર વિવિધ સ્થળોની મુલાકાત લઇ પોતાનો સક્ષમ, આનંદિત અને પ્રફુલ્લીત બનાવે છે. પ્રવાસ વ્યક્તિગત વિકાસ સાથે જ્ઞાનના ભંડારી બનાવે છે. અનેકોને રોજગારી આપે છે. અનેક નવા વિચારોને કાર્યનિવત કરે છે. આજકાલ શૈક્ષણિક પ્રવાસનું મહત્વ વધતું જાય છે, ત્યારે “કાઉ ટુરિઝમ” એક નવો શબ્દ પ્રચલિત થતો જાય છે. તો શું છે આ કાઉ ટુરીઝમ ?

પર્યાવરણના જતન માટે જળ, જમીન, જંગલ, જાનવર અને જનની સુરક્ષા અર્થે “ગૌ માતા” હોવુ અનિવાર્ય

આજે વિશ્વ પીકનીક ડે નિમિતે ગૌ શાળાઓને પિકનિક સ્પોટ બનાવીએ

‘કાઉ કડલીંગ અને કાઉ હગીંગ’ના પ્રયોગો સાથે રજાના દિવસોમાં ગૌ શાળા-ગૌ સદનની મુલાકાત લેવાનો ટ્રેન્ડ શરૂ થયો

આપણ સૌ ગાય એટલે કે જેને આપણે ગૌમાતા-પૂજનીય-વંદનીય-વિશ્ર્વમાતા-સર્વ સુખ પ્રદાન કરનારી- કલ્યાણકારી, મંગલદાયીની કહીએ છીએ, તેના વિશે સાચુ કહીએ તો ખૂબ જ નહિવત જાણીએ છીએ. ફક્ત જાણીએ છીએ ધાર્મિક રીત-રીવાજો, કર્મકાંડ અને આસ્થાના રૂપે, તે પણ વિજ્ઞાનની સમજણ વિના, “ગાવો વિશ્ર્વસ્ય માતર” “ગાવ:સર્વસુખ પ્રદા” “ત્વં માતા આજીવિકા પ્રદાયિનીમ” જેવા અનેક શ્ર્લોક-સિધ્ધાંતોનો મર્મ આપણે સમજીએ છીએ ખરા ? નથી આપણને ભણાવવામાં આવ્યું કે નથી અન્ય રીતે પ્રશિક્ષણ દ્વારા સંસ્કાર અપાયા ! “ગૌ સેવા” શબ્દાર્થમાં નહીં પણ વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજવાની અતિ આવશ્યકતા છે.

માનવજાતે બચવું હશે, પૃથ્વીને જીવવા જેવી રહેવા દેવી હશે, તો ઉપરોક્ત વિચારોને આચરણમાં મૂકવા પડશે. પર્યાવરણના જતન માટે “જળ, જમીન, જંગલ, જાનવર, અને જન” સુરક્ષા અર્થે ગૌમાતાનું હોવું અનિવાર્ય છે. આ વાત આપણે વહેલા મોડા સમજવી જ રહી ! વિનાશની ગતિ એટલી આગળ વધી રહી છે કે પાછા વળવાનો અવકાશ જ ન રહે તે પહેલાં પાળ બાંધવી જરૂરી છે. માટે જ ગાય-ગૌમાતાની રક્ષા, સેવા, પાલનપોષણ, સંવર્ધન અતિ મહત્વ ધરાવે છે.

આજકાલ “કાઉ કડલીંગ” અને “કાઉ હગીંગ” પ્રયોગો શરુ થયા છે. શાળાઓ દ્વારા બાળકોને ગૌશાળાનો પ્રવાસ કરાવવામાં આવે છે. રજાના દિવસોમાં ગૌશાળા-ગૌસદનની મુલાકાત લેવાનો ટ્રેન્ડ શરુ થયો છે. ગૌશાળા પિકનિક પોઇન્ટ બનવા લાગ્યા છે. ધાર્મિક કાર્યક્રમો, કથા, ભાગવત સપ્તાહ જેવા પ્રસંગો ગૌશાળાના પ્રાંગણમાં થવા લાગ્યા છે. લગ્ન, વેવિશાળ, જન્મદિન કે અન્ય સામાજીક, સાંસ્કૃતિક કાર્યક્રમો ગૌમાતાના સાંનિધ્યમાં કરવામાં આવે છે.

ગૌ શાળા કેમ્પસમાં સરસ મજાના અલગ અલગ ઓલાદની ગાયો માટે વાછરડા- વાછરડી બળદના અને વૃઘ્ધ ગૌવંશ માટેના વાડા હોય, બીમાર ગાયો માટે નાની ડિસ્પેન્સરી અને હોસ્પિટલ, પંચગવ્ય પ્રોડકશન સેન્ટર દુધ ગૌ મૂત્ર ગોરબમાંથી બનતી પેદાશોના ઉત્5ાદન સાથે વેચાણકેન્દ્ર, નાની એવી લેબોરેટરી પંચગવ્ય રિસર્ચ સેન્ટર પંચગવ્ય, આયુર્વેદીક હોસ્5િટલ, બાળ ક્રીડાંગણ, તળાવ, વૃક્ષાચ્છાદિત રોડ-રસ્તા ફૂલોથી મહેકતો બગીચો, પક્ષીઓના કલરવ સાથેનું નયનરમ્ય વાતાવરણ અને લીલાછમ વિશાળ ગૌચર સાથેનું કેમ્પસ હોય, હજુ વિશાળ જગ્યા હોય તો ઓર્ગેનીક ફામીંગ થતું હોય, બાફોફર્ટીલાઇઝર, બાયો પેસ્ટીસાઇડ પ્રોડકસન અને બાયોગેસ પ્લાન્ટ અને ગૌ ટ્રેનીંગ સેન્ટર તેમજ શિક્ષા માટે ગૌ ગુરુકુળ પણ અંદર જ હોય.

આ ઉપરાંત મેનેજમેન્ટ ઓફીસ, સ્ટાફ કવાટર્સ અને ઘાસ માટેના ગોડાઉન તેમજ ઓર્ગેનિક ફુડ રેસ્ટોરન્ટ, કાફે જેવી અન્ય જરુરી સુવિધાઓ સભર કેમ્પસની મુલાકાત માટે લોકો લાલાયિત થાય તેવા કાઉ ટુરિઝમ ના કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આમ એક સર્વાગીણ અને સર્વસ્પર્શી ગૌ ધામો આજની જરુરીયાત છે. નવી પેઢી હવે ગાયોમાં રસ લેતી થઇ છે. પોતાના સ્વાસ્થ્ય, આર્થિક સદધરતા અને પર્યાવરણની રક્ષા માટે યુવા પેઢીને આકર્ષવા આવા ટુરીઝમ સ્પોટ કલ્યાણકારી વિશ્ર્વનો નકશો કઁડારવામાં મહત્વની ભૂમિકા ભજવશે જે નિશંક છે.

-ડો.વલ્લભભાઈ કથીરિયા

પૂર્વ. અધ્યક્ષ રાષ્ટ્રીય કામધેનુ આયોગ