સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓને ઝટકો: નવલા નોરતામાં માત્ર શેરી ગરબાને મંજૂરી, રાત્રી કરફ્યુને લઈ મહત્વનો નિર્ણય

વર્ષમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એમ ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. પણ આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મા આદિશક્તિના ઘટસ્થાપન સાથે ભાવભેર પૂજા અર્ચના અને માના આગમનને વધાવવા માટે નવ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. શેરીએ-શેરીએ નવલા નોરતામાં પ્રાચીન ગરબા લેવાય છે. નાની બાળાઓથી માંડી સો કોઈ ગરબે ઘૂમે છે પરંતુ આ વર્ષે પણ નવલા નોરતામાં કોરોનાએ ભંગ પાડ્યો છે..!!

રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. જ્યારે પાર્ટી પ્લોટ કે ક્લબમાં થતા અર્વાચીન ગરબા પર સતત બીજા વર્ષે પણ સરકારે પ્રતિબંધ મૂકયો છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે નવરાત્રી સંદર્ભની ગાઈડ લાઈન ઉપરાંત કરફ્યુ અંગે પણ ગાઈડલાઈન જાહેર કરી છે.

આ ઉપરાંત હવે મહાનગરોમાં રાત્રિના 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આમ નવલા નોરતા દરમિયાન રાત્રી કર્ફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. ગયા વર્ષે રાજ્ય સરકારે માત્ર આરતી પૂરતી જ મંજૂરી આપી હતી.

આવતી કાલે સવારે 6 વાગ્યે કફર્યું અંગેના નોટિફિકેશનની મુદત પૂર્ણ થઈ રહી છે. હાલના તબકકે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ અમલી છે. ઘટી રહેલા કોરોના કેસ વચ્ચે રાજ્યમાં કફર્યુંના કલાકોમાં છૂટછાટ અપાઈ છે.