Abtak Media Google News

શિક્ષણની વર્ગ ખંડમાં ચાલતી પ્રક્રિયા ખુબ જ મહત્વની હોવાથી શિક્ષક જ્ઞાતિ, તાલીમબઘ્ધ અને સજજ હોવો જોઇએ, સરકારી કે ખાનગી શાળાની કોઇ સરખામણી નથી પરંતુ તેમાં શિક્ષણ આપવાની પઘ્ધતિ અને આપનારની પઘ્ધતિમાં ઘણો તફાવત જોવા મળે છે જે દૂર થવો જોઇએ

શિક્ષક પાસે જો વ્યવસાયિક લાયકાત હોય તો વિષય વસ્તુના ઘણા બધા કઠીન મુદ્દાઓને સરળ કરીને વિદ્યાર્થીને સમજાવી શકે છે, ડિગ્રી લીધા વગર બની ગયેલા શિક્ષક વર્ગ ખંડમાં કયારેય સારૂ ભણાવી ન શકે, કદાચ તેની પાસે જ્ઞાન હોય પણ તે કેવી રીતે પીરસવું, કઇ પઘ્ધતિથી ભણાવવું તેની તેને સમજ હોતી નથી

થોડા ગાળામાં જ નવી શિક્ષણ પઘ્ધતિ ૨૦૨૦ લાગુ પડી જશે, પ્રાથમિક ગાળામાં ફરજીયાત માતૃભાષાામાં શિક્ષણ અપાશે. જ્ઞાન, વિદ્યા અને શિક્ષણ આ ત્રણ શબ્દનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે આપણે કરીએ છીએ. આપણા પ્રાચિન શાસ્ત્રો મુજબ દરેક શબ્દની પાછળ જ્ઞાન જોડવામાં આવતો હોવાથી બ્રહ્મજ્ઞાન, અઘ્યાત્મજ્ઞાન અને આત્મજ્ઞાન જેવા વિવિધ શબ્દો સાથે મઘ્ય કાલીન યુગમાં વિદ્યા શબ્દ જાણીતો થયો હતો. એ સમયમાં આશ્રમ શાળામાં ઋષિ મુનીઓ અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા જેવા શબ્દો પ્રયોજતા આમ જોઇએ તો જ્ઞાન અને વિદ્યાએ લઇને સમાનરૂપથી વપરાયા છે.

અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ છાત્રમાં રેલાવે તે સાચી વિદ્યા, આજનો યુગ શિક્ષણ યુગ છે. ચારે કોર શિક્ષણની બોલબાલા છે.  શેરી ગલીએ નાનકડા મકાનોમાં શાળા શરૂ થઇ ગઇ છે. અચરજની વાત તો એ છે કે આવી શાળામાં કવોલીફાઇડ સ્ટાફ જ હોતો નથી. સરકારના ધારાધોરણ મુજબ પ્રાથમીકમાં પી.ટી.સી. અને હાઇસ્કુલમાં બી.એડ. કોર્ષ કરેલ જ શિક્ષક બની શકે કે તેને જ નોકરી મળે છે. સરકારી શાળા તમામમાં આવા કવોલીફાઇડ ડીગ્રીવાળા કે વિષય નિષ્ણાંત શિક્ષકો જ ભણાવતા હોય છે.  ઉચચ ટકાવારી હોય ત્યારે જ તેને મેરીટ વાઇઝ ટીચરમાં સિલેકટ થયા હોય છે. ખાનગી શાળામાં આવું કશું જ હોતું નથી. સંચાલકો ગમે ત્યારે ગમે તેને શિક્ષક રાખી દે અને છુટ્ટા પણ કરી દે છે.

સમગ્ર શિક્ષા અભિયાન અંતગર્ત દરેક શાળામાં સ્ટાફની માહીતીનું બોર્ડ કે જેમાં ફોટા, લાયકાત, સરનામું, મોબાઇલ નંબર ભણાવતા ધોરણની વિગત, શાળામાં કે ખાતમાં દાખલ તારીખ જેવી વિવિધ વિગતો સૌને દેખાય તે રીતે રખાય છે આવું એકપણ ખાનગી શાળામાં જોવા મળતું નથી. શિક્ષાનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ મુજબ શાળામાં કવોલીફાઇડ જ શિક્ષકો છાત્રો ને ભણાવતા હોવા જોઇએ. તેવો  નિયમ છે, જો આમ ન જોવા મળે તો દંડની જોગવાઇ કે માન્યતા રદ થઇ શકે છે. ગમ ૨૦૧૯માં રાજયમાં આવા ૮ હજાર શિક્ષકો અયોગ્ય છે તેવી વાતે ખુલી હતી. શિક્ષણ આપતી દરેક શાળાને આ નિયમ લાગુ પડે છે પણ હજી ઘણી શાળામાં આવા ડિગ્રી વગરના માસ્તર જોવા મળે છે જેને કારણે જ શિક્ષણની ‘ઘોર’ ખોદાય છે.

શિક્ષીણ શબ્દ પરથી ‘શિક્ષા’ શબ્દ આવ્યો શિક્ષા શબ્દનો અર્થ દંડ થાય પણ શિક્ષણનો હેતુ દંડ નહી પણ ફરજીયાત પણે સામી વ્યકિતને સામાજીક ઘડતર સુટેવો સાથે શ્રેષ્ઠ નાગરીક નિર્માણનો છે. આજે તો સરકારી શાળાના શિક્ષકોનાં સંતાનો જ ખાનગી શાળામાં ભણે છે. ઘણીવાર આપણને પ્રશ્ર્ન થાય કે શિક્ષકો ભણાવવાનાં પૈસા લે તો તેને યોગ્ય શિક્ષક કહેવાય કે નહી? પણ અંતે જીવન નિર્વાહની વાત આવે છે. શિક્ષણમાં ખાનગીકરણ થતા ખૂબજ પ્રાઈવેટ શાળા ખૂલ્વા લાગી છે. પણ આ શાળાઓનાં શિક્ષકોની સજજતા કેટલી તે એક યક્ષ પ્રશ્ર્ન છે.શિક્ષકો બે પ્રકારના હોય એક વ્યવસાયલક્ષી અને બીજો વ્યવહાર લક્ષી હાલમાં આપણે જે બધુ ડીગ્રી લેવા ભણી એને વ્યવસાયલક્ષીશિક્ષણ છે, બાકી તો જીવન ઘડતર માટે વ્યવહાર લક્ષી શિક્ષણ જ મેળવવું જોઈએ. આપ્રકારનાં શિક્ષણથી ભણતર સાથે ગણતર થાય છે. બાલમંદિરમાં શિક્ષણ આપતા શિક્ષકો માટે પ્રિ.પી.ટી.સી.નો કોર્ષ ફરજીયાત છે આજે કેટલા પ્લે હાઉસમાં આવા તાલીમ બધ્ધ ગુરૂઓ ટબુકડાનેભણાવે છે ?જે ચિંતા અને ચિંતનનો વિષય છે. શિક્ષણનો મુખ્ય ઉદેશ સંસ્કાર વસંચનનો છે. બાળકોમાં રહેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહિત કરીને તેનો સર્વાંગી વિકાસ શિક્ષકે કરવાનો હોય છે અત્યારે તો ગોખણપટ્ટીનો યુગ છે. ૧૦ વર્ષનો બાળક પુરૂ ગુજરાતીમાં સરખુવીંચી પણ નથી શકતો.

સૌથી શ્રેષ્ઠ મૂલ્યો આધારિત શિક્ષણ પધ્ધતિ છે. શિક્ષણ એ મનુષ્યની વિશિષ્ઠ ગુણવત્તા છે. તેના થકી જ કોઈ પણ પ્રગતિના શિખરો સર કરે છે. આપણે કોઈ પણ વસ્તુ કે કંઈ પણ ખરીદી કરીએ ત્યારે તેની ગુણવતા જાણીએ છીએ પણ આપણી બાળકને ભણાવતા ટીચર કેટલું ભણ્યો છે તે કોઈએ કયારેય પૂછયું નથી શિક્ષણ એ એક ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. આજે શિક્ષકને પોતાના એટલાબધા પ્રશ્ર્નો જીવનમાં હોય ત્યાં તે બાળકની મનોદશા કયાંથી સમજે.

શિક્ષણએ ત્રિદુવિ અને સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં બેધ્રુવ બાળક અને શિક્ષકની ભૂમિકા ખૂબજ મહત્વની છે. ત્રીજો ધ્રુવ અભ્યાસક્રમ છે જેને સારી રીતે ભણાવવાની જવાબદારી શિક્ષકની હોય છે. હવે જો અહી શિક્ષક જ સજજતા વગરનો હોય તો બાળકને નુકશાન કરી શકે છે. હાલમાં કોવિડ ૧૯ને કારણે ઓનલાઈન શિક્ષણનું કામ કેટલાય શિક્ષકોને આવડતું જ નહતુ કલાસરૂમ કલાયમેટને સમૃધ્ધ કરવા માટેની જેટેકનીક તાલીમ બધ્ધ શિક્ષકમા હોય તે અન કવોલીફાઈડ ટીચરમાંથી હોતીજ નથી સરવાળે આખા વર્ગનું નિકંદન નિકળે છે. ખાનગી શાળામાં તો ધો.૧૦/૧૨ પાસ કેનાપાસ પણ શિક્ષક તરીકે ભણાવતાજોવા મળે છે. ત્યારે આપણને પ્રશ્ર્ન થાય કે તે બાળકને કેમ ભણાવતા હશે. તેને શિક્ષણ પધ્ધતિ, શૈક્ષણીક રમકડા સાથે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની સમજ નથી હોતી ત્યાં બાળકનું ડેવલપમેન્ટ કયાંથી કરી શકે.બાલ મંદિર પ્લેહાઉસ, લોઅર કે.જી., હાયર કે.જી.માં ભણાવતા આવા શિક્ષકો વધુ છે, સાથે ધો. ૧ થી ૪ સુધીમાં પણ જોવા મળે છે. હાઈસ્કુલમાં તો અધરા વિષયો આવવાથી આવા શિક્ષકો ચાલી નથી શકતા, જેને કારણે ઉચ્ચતરમાં આ સમસ્યા ઓછી જોવા મળે છે.

શિક્ષક પાસે વ્યવસાયિક તાલીમ કે ડિગ્રી ન હોવાથી તેનો ભોગ વિદ્યાર્થી બને છે

શિક્ષણ એ ત્રિધ્રુવી અને સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં બે ધૃવ  માં બાળક અને શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. કારણ કે એક પક્ષે બાળક હોય છે અને સામે પક્ષે શિક્ષક હોય છે. ત્રીજા ધ્રુવ તરીકે અભ્યાસક્રમ હોય છે. આ અભ્યાસક્રમને સારી રીતે આપવાની કામગીરી શિક્ષકની હોય છે, અને સારી રીતે સમજવાની જવાબદારી વિદ્યાર્થીની બાળકની હોય છે. એટલે આ શિક્ષણની પ્રક્રિયા આમ જોઈએ તો સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એક કેળવણી ના સિદ્ધાંત મુજબ ઔપચારિક અને અનૌપચારિક રીતે ચાલતી જોવા મળે છે પરંતુ અહીં આપણે જો ઔપચારિક રીતે ચાલતી શિક્ષણ પ્રક્રિયા ની વાત કરીએ તો એક વર્ગખંડ ની અંદર એટલે કે નિશ્ચિત કરેલ સ્થળ સંખ્યા અને સિલેબસ ને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી કેળવણી એટલે ઓપચારિક કેળવણી કહી શકાય.આ શિક્ષણની વર્ગખંડમાં ચાલતી પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા શિક્ષકની હોય છે. એટલે શિક્ષક સંપૂર્ણપણે જ્ઞાની અથવા તો વિષય નિષ્ણાંત હોવો જોઈએ. વિષય નિષ્ણાતની સાથોસાથ શિક્ષક વર્ગખંડના શિક્ષણ પ્રક્રિયા ના તમામ પાસાઓ થી વાક્ય અને પારંગત હોવું જોઈએ. આ પારંગતતા મેળવવા માટે શિક્ષકે ખાસ પ્રકારની તાલીમ કે ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

હાલના પ્રવર્તમાન સમયમાં કોવિડ ૧૯ ની પરિસ્થિતિ માં ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયા ચાલી આમાં પણ શિક્ષક પાસે ડિજિટલ માધ્યમના જાણકારી હોવી ખૂબ જરૂરી હતી. તો એક પક્ષે કહીએ તો કહી શકાય કે હાલ અત્યારે સમાજમાં એવા કેટલાય વર્ગો છે કે જેઓને આ માધ્યમ પરવડે તેમ ના હોય અથવા તો એમની પાસે ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ કેવા માધ્યમથી શિક્ષણ આપવું તે શિક્ષકે વિચારવું રહ્યું અને બાળકોને શિક્ષણ થી વંચિત ન રહે તેવા માધ્યમનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીને ભણતો કરવો જોઈએ આ બધું તો જોવા જઈએ તો હાલના સમયમાં એટલે કે સાંપ્રત સમયમાં સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી શાળાઓ ચાલે છે એમાં ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારે માન્ય કરેલી ડિગ્રી ધરાવતા શિક્ષકો અધ્યાપન કાર્ય કરાવતા હોય છે. જ્યારે ખાનગી શાળામાં અમુક અંશે શિક્ષકો પાસે જ્ઞાન હોય છે, પણ ટેકનિકલ રીતે જોઈએ તો ક્લાસરૂમ ક્લાયમેટ નું સમૃદ્ધ કરવા માટેની જે ટેકનીક હોવી જોઈએ તે હોતી નથી, અથવા તો તેનો અભાવ હોય છે. કારણ એ હોય છે કે એમની પાસે વ્યવસાયિક તાલીમ કે ડિગ્રી હોતી નથી જેને કારણે તેનો ભોગ વિદ્યાર્થી કે બાળકને ભોગવવા પડે છે.

એટલે કે ખાનગી શાળામાં ભણાવતા શિક્ષકો જ્યારે ધોરણ ૧૦ કે ૧૨ પાસ થયેલા હોય અને અધ્યાપન કાર્ય કરાવતા હોય તો એમની પાસે બાળકોને શિક્ષણ આપવાની જે પદ્ધતિ હોવી જોઈએ તે વર્ગખંડમાં ઉપયોગ થઈ શકતો નથી, અથવા તો ઉપયોગમાં  લેતા નથી. જેને કારણે બાળકોને ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. શિક્ષકો પાસે જો વ્યવસાયિક લાયકાત હોય તો વિષયવસ્તુના ઘણા બધા એવા કઠિન મુદ્દાઓને હોય છે કે જેને સરળ કરી અને શિક્ષક સારી રીતે વિદ્યાર્થી ને સમજાવી શકે છે. અને વિદ્યાર્થી સારી રીતે સમજી પણ શકે છે. જેનો જીવનમાં ઉપયોગ પણ કરી શકે છે. જ્યારે  વ્યવસાયિક તાલીમ કે ડિગ્રી લીધા વગર ના શિક્ષકો વર્ગખંડ ની અંદર અધ્યાપનકાર્ય સારી રીતે કરાવી શકતા નથી માત્ર તેમની પાસે નોલેજ હોય છે. પણ તેને કેવી રીતે પીરસવું તેમની પદ્ધતિ કે રીતભાત નો અભાવ હોવાથી વિદ્યાર્થીને અમુક સમય પૂરતો કર્ણપ્રિય લાગે છે, પરંતુ તેને  નિપુણતાના સ્તર સુધી લઈ જઈ શકતા નથી, હા આમાં અમુક વિદ્યાર્થીઓ પોતાના આત્મબળ એ અભ્યાસક્રમના મુદ્દાઓને પોતાની જાતે ઉકેલી શકે છે તે કદાચ સારું પરિણામ લાવી શકે છે પરંતુ ઓવરઓલ આવી રીતે ચાલતા વર્ગોની ક્ષમતાને ધ્યાનમાં રાખીએ તો પરિણામ યોગ્ય હોતું નથી. સરકારી કે ખાનગી શાળા ની કોઈ સરખામણી નથી, પરંતુ તેમાં શિક્ષણ આપવાની પદ્ધતિ માં અને આપનારની પદ્ધતિમાં ઘણો બધો તફાવત જોવા મળે છે જે દૂર થવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.