Abtak Media Google News

Table of Contents

લંગોટીયા ભાઇબંધ એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ સંબંધ બચપણના ભાઇબંધનો સાથ નિસ્વાર્થ હતો

ભાઇબંધ, મિત્ર, યાર બાદ ફ્રેન્ડ શબ્દ ચલણમાં આવ્યો એટલે આ સંબંધો પહેલા જેવા પાકા રહ્યા નથી: મિત્રમાં કોઇ ભેદ રેખા ન આવે કે ઉંમર-જાતિ કે ગરીબ-શ્રીમંત-મોભા જેવામાં તે ક્યારેય સિમીત ન થાય: આજના યુગમાં સારી સંગત કે ભાઇબંધી જ જીવનમાં બદલાવ લાવે છે

માનવી બચપણથી શરૂ કરી મૃત્યુ સુધી વિવિધ સંબંધો બાંધે છે, તોડે છે પણ બચપણની ભાઇબંધી જ જીવન પર્યત ટકી રહે છે: સંબંધ આકાશ જેટલો વિશાળ છે, જેમાં સંસાર યાત્રાના લાખો કિલોમીટર ઓગળી જાય છે

‘યે દોસ્તી હમ નહીં તોડેગે’ શોલે ફિલ્મના વિરૂ-જયની જોડીએ ગાયેલા ગીતના શબ્દો જ સાચી ભાઇબંધીની ઓળખ છે. આપણા પ્રાચિન ગ્રંથોમાં મિત્રતાની ઘણી વાતો છે. કૃષ્ણ-સુદામાની ભાઇબંધીની વાત આજના યુગમાં આપણને ઘણી શીખ આપે છે. આજે તો સ્વાર્થની દુનિયામાં પારિવારિક સંબંધો પણ નબળા પડી ગયા છે. જતુ કરવાની ભાવના અને થોડી સમજદારી સંબંધને વધુ ટકાઉ બનાવે છે. ભાઇબંધીએ જીવનની સૌથી કિંમતી ભેટ છે, સંપતિ છે. પ્રાથમિક શાળા કે હાઇસ્કૂલ સુધીના ભાઇબંધ આપણને જીવનભર યાદ આવે છે.

“જ્યાં સાત પેઢી સુધીની કોઇ ઓળખાણ ન હોય, છતાંય ‘ભાઇ’ જેવો સંબંધ હોય તેનું નામ ‘ભાઇબંધ’ !!

પૃથ્વી પર વસતા માનવ માત્ર પછી તે નાનો હોય કે મોટો તેને મિત્ર વગર ચાલતું જ નથી. પ્રાચીન ગ્રંથો રામાયણ, મહાભારતમાં પણ મિત્રતાની વાત કરી છે, કૃષ્ણ-સુદામાની મિત્રતામાં ગરીબ-શ્રીમંતનો ભેદ આડે આવતો નથી. વર્ષો પહેલા અને આજની 21મી સદીમાં થોડા ઘણા ફેરફારો થયા પણ હજી મૈત્રી અકબંધ છે. મિત્ર, દોસ્ત, ભાઇબંધ, ભેરૂ, ગોઠીયા, લંગોટીયા, ચઠ્ઠીભાઇબંધ જેવા અનેક નામો છે. છોકરા-છોકરીની ભાઇબંધી હોય જ શકે છે. આજે વિકસતા યુગમાં ગર્લફ્રન્ડસ કે બોયફ્રેન્ડસ નામ આપીએ છીએ. આમાં મોટાભાગના લોકો જુદુ અર્થઘટન કરે છે એ બીજી વાત છે.

સખી-બહેનપણી જેવા મીઠડા સંબંધોમાં સુખ-દુ:ખના હજારો કિલોમીટર ઓગળી જાય છે. ભાઇબંધીમાં સૌથી શ્રેષ્ઠ અને કદી ન ભૂલાય તેવી લંગોટીયા કે ચઠ્ઠીભાઇબંધી છે. બચપણના શેરી કે શાળામાં સાથે ભણતા દોસ્તારોની ભાઇબંધી આજીવન ટકે છે, આ સાચી મિત્રતા હતી, જેમાં ઘણીવાર ઝગડા પણ થાય કે અબોલા પણ લેવાય પણ અંતે તો ભાઇબંધી ફરી જીવંત જ થાય છે. બચપણમાં સાથે રમ્યા-ભમ્યા-કુદ્યા કે ટોળી બનાવીને મજાકને મશ્કરી કરી હોય તે દિવસો સૌ કોઇના માનસપટ્ટ પર સદૈવ રમતા જોવા મળે છે.માનવી તેના જીવનમાં માતા-પિતા, કાકા-કાકી જેવા પારિવારિક સંબંધોમાં જન્મ થતાં જ જોડાય જાય છે પણ પોતે બાંધેલા સંબંધને ભાઇબંધી કહેવાય છે. પોતાની પાસે રહેલી પૂર્ણ વસ્તુ અડધી સરખે ભાગે મિત્રને આપે છે એ દ્રશ્ય ધરતી પર સ્વર્ગ છે. મિત્રતામાં નિર્દોષતા હોય છે. મિત્રતા આપણો સગો ન હોવા છતાં આપણા જીવન સાથે વણાઇ જાય છે. ભાઇબંધીમાં વિશ્ર્વાસ, નિષ્ઠા, સત્ય, સહયોગ સાથ જેવા વિવિધ ગુણો છુપાયેલા હોય છે. માનવજીવન માટે સૌથી મૂલ્યવાન ચિજ હોય તો તે મિત્રતા છે.મિત્રમાં કોઇ ભેદરેખા ન આવે કે ઉંમર-જાતી કે ગરીબ-શ્રીમંત-મોભો જેવામાં તે ક્યારેય સીમિત ન થાય. પુરૂષ કે સ્ત્રી તેની જેવડા કે મોટા સાથે ભાઇબંધી કરે છે. પ્રેમ, હૂંફ, લાગણી, સહવાસના તાંતણે ગુંથાય જાય તેજ સાચી ભાઇબંધી. કેટલીયવાર તો માનવી જાનવર સાથે પણ ભાઇબંધી નિભાવે છે. સારી સંગત કે ભાઇબંધી બદલાવ પણ લાવે છે. જીવનમાં સાચો મિત્ર મળવો મુશ્કેલ છે, જો મળી જાય તો કોઇપણ તેને તોડવા માંગતો નથી. પહેલાની ભાઇબંધીને આજની ભાઇબંધીમાં ઘણો ફેર એટલા માટે છે કે આજે સ્વાર્થની દુનિયા થઇ ગઇ તેથી તેના વગર કોઇ સંબંધ રાખતા નથી. આજે ઘણા લાલચને કારણે ભાઇબંધીનું નાટક કરતા હોય છે.

“મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમા પાછળ પડી રહેને દુ:ખમાં આગળ હોય”

આપણે સૌ ભેગા મળીએ ત્યારે મિત્રોની વાતો અવશ્ય કરીએ, મોટા થયા બાદ પણ તુકારે કે ઉપનામથી વટભેર બોલાવી શકીએ છીએ. મોજ-મસ્તી, જુની યાદો સાથે આનંદ-મસ્તીનો અનેરો ઉત્સવ એટલે બાળપણની ગોઠડી. આપણા દેશમાં મિત્રતા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. 21મી સદીમાં આજે તો ‘ફ્રેન્ડશીપ ડે’ પણ ઉજવાય છે. એક કહેવત મુજબ ‘શેરી મિત્ર સોમળે, તાળી મિત્ર અનેક’ આજે સાચો મિત્ર મળવો મુશ્કેલ છે. મન-હૃદ્યની દરેક વાત મિત્રને ખુલ્લા મને કહી શકીએ છીએ. આજે સોશ્યલ મીડીયા કે ફેસબુક ફ્રેન્ડને મિત્રતા ન કહી શકાય.

ભાઇબંધી એટલે જ ભાઇ જેવું બંધન. મિત્રતા છોડ જેવી હોય જે ધીમેધીમે વધીને વટવૃક્ષ જેવી મજબૂત બને છે. મિત્રતાનો પણ એક વૈભવ છે. લોહીનો સંબંધ ન હોવા છતાં પણ જીવન પર્યન્ત ટકી રહે છે. ક્યારેક તો નાનકડી મુલાકાતથી પણ મિત્રતા બંધાય જાય છે.

“સાચી મૈત્રીએ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે, એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય લાગે છે”

મિત્રતાએ માત્ર શબ્દ નથી, એ દિલની અને દિલથી સ્વીકારેલી જવાબદારી છે. ભાઇબંધી ભાઇચારા જેવા વિવિધ ગુણો શીખવે છે. નાનકડા છોકરા રમતા હોય ત્યારે તેની વાતો સાંભળો ત્યારે ખબર પડે કે આને જ સાચુ જીવન કહેવાય. મિત્રતામાં સતત આપણા રહેતા હોવા છતાં આપણે બધુ મેળવતા જ હોય છે. એક વાત નક્કી છે કે સારૂ-સારૂ નહીં પણ સાચુ-સાચુ કહે તેજ સાચો મિત્ર હોય છે. આજે તો સ્કુલ મિત્ર-શેરી મિત્ર, કોલેજ મિત્ર-ખીસા મિત્ર અને પાનના ગલ્લે ભેરા થાય તે ફાકી મિત્ર જેવા વિવિધ હોય પણ તેને મિત્ર ન કહેવાય આ તો સમયના વહેણ સાથે તણાય જાય, ભૂલાઇ જાય છે.

આપણાં ગ્રંથોમાં ઘણા સુભાષિતો મિત્રોના છે પણ આજે તો ધંધાદારી મિત્રની બોલબાલા છે. દુનિયાભરનાં સાહિત્યમાં મૈત્રી વિશે ઘણું લખાયું પણ ઉચ્ચ આત્મીય સંબંધો એટલે પાકી ભાઇબંધી. નાનકડું તેની જેવડા સાથે બાદમાં બચપણમાં તરૂણો, કિશોરો અને યુવા કાળમાં ભાઇબંધો બદલાતા રહે છે. વિચારો, સમજણ સાથે બનાવેલી મિત્રતા લાંબી ટકે છે.

“ખભા પર હાથ મુકેને હૈયું હળવું થાય, બસ તેનું નામ ભાઇબંધ”

સૌરાષ્ટ્રની રસધાર જેવા ઘણા શ્રેષ્ઠ પુસ્તકોમાં મિત્રતાની શ્રેષ્ઠ વાતો વાંચવા મળે છે. આપણે સવારથી સાંજ ઘણા માણસોને મળતા હોય છીએ પણ તેમાં ખરા ભાઇબંધ કેટલા. આજે આપણી જીવનશૈલી કામના સ્થળે કે રોજીંદા જીવનમાં મળવાનું થાય તેવાને તમો ભાઇબંધ ના કહી શકો.

ભાઇબંધ કે મિત્રને જોઇને જ એક અનેરો ઉત્સાહ આવેને ભેંટી પડીએ તે મિત્રતા કહેવાય. આજે તો મિત્રતામાં ક્ષણિક ઉત્સવ જેવું છે. નવરા હોયને એક-બે વાતો કરી ફરી સૌ સૌના રસ્તેને કામપૂર્ણ તે નથી મિત્રતા. માનવ જીવનમાં ડગલેને પગલે મળતો સાથ હોય તે મિત્રતા કહેવાય. આજે મોબાઇલ ‘કલ્ચર’માં હાઇ-હલ્લો વચ્ચે આપણે સાચી મિત્રતા ભૂલી ગયા છીએ.

આજની ભાઇબંધી ‘તકલાદી’ !!

21મી સદીના નવા યુગમાં ભાઇબંધની પરિભાષા બદલાય ગઇ છે. સૌ કહે છે કે પહેલા જેવા ભાઇબંધો આજે મળતા નથી, આજની ભાઇબંધી ‘તકલાદી’ બની ગઇ છે. સ્વાર્થની દુનિયામાં આ ગ્રહણ ભાઇબંધીને લાગી ગયું છે. બાળપણની ગોઠડી જ જીવનભર સતત યાદ આવે છે. શાળામાં સાથે ભણતા કે શેરીમાં સાથે રહેતા પાડોશી ભાઇબંધોની સાંકળ બહુ મજબૂત હોય છે. સુખ-દુ:ખનો સાથી એટલે મિત્ર. આજે એકબીજાની અપેક્ષા વધતા ભાઇબંધીમાં દરારો પડી જાય છે. પહેલા નિસ્વાર્થ ભાઇબંધી વર્ષોેને વર્ષો ટકતી હતી.

ગમે તેવો મોટો હોય પણ તુકારાનો પ્રેમ હમેંશા ગોટીયાભાઇબંધને જ બોલાવી શકાય છે. ભાઇબંધની યાત્રામાં જીવનમાં ઘણા ગુણોનું સિંચન થાય છે. સાથે જમતાને રમતા-ફરતા મિત્રોની ટોળીનો આનંદ જ મજબૂત બને છે. જે આજે ક્યાંય જોવા મળતી નથી. પહેલા તો પીપરમેન્ટનો શર્ટમાં ભરાવીને દાંતથી અડધી કરીને ભાઇબંધને અપાતીએ દ્રશ્ય આજના યુવાનોએ જોવાની જરૂર છે. સહનશિલતા, ભાઇચારો, સંધિયારો, સાથ જેવા ઘણા ગુણો આ ભાઇબંધી જ આપણને શિખવતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.