રાજકોટ હોસ્પિટલ ચોક બ્રિજની કામગીરીએ વેગ પકડ્યો, મ્યુનિસિપલ કમિશનરે લીધી મુલાકાત

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ સિવિલ હોસ્પિટલ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટની પણ મુલાકાત લીધી

કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર આર.સી.સી. ગર્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે સ્થળની મુલાકાત લઈ ગર્ડર બનાવવાની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર અન્ય એક સ્થળે આર.સી.સી. ગર્ડર બનાવવામાં આવી રહયા છે. જેમાં 98 ગર્ડર તૈયાર થઇ ચુક્યા છે. સિવિલ હોસ્પિટલ ચોકના આ થ્રી આર્મ ફ્લાયઓવરના જ્યુબિલી તરફના બ્રિજ પર ગર્ડર મુકવાનું હવે શરૂ થશે. ક્રેઇનની મદદથી 32 ગર્ડર શિફ્ટ કરવાનું શરૂ કરવામાં આવી રહેલ છે.

નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતેના ફ્લાયઓવર માટે બ્રિજના ફાઉન્ડેશન સંબંધી કામગીરી ચાલી રહી છે. કમિશનરે આ પ્રોજેક્ટ સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો તુર્ત જ રજુ કરવા તેનો નિકાલ કરવા અને આ કામો ઝડપભેર આગળ ધપાવવા જરૂરિયાત મુજબ મેનપાવર અને મશીનરી વધારવા સૂચના આપી હતી.

મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જી. એચ.યું.દોઢિયા, ડેપ્યુટી એન્જિનિયરો શ્રીનિવાસન અને અજય પરમાર, અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં.