Abtak Media Google News

ભારતીય ટીમે ૯ વર્ષ બાદ લંકામાં પરાજયનો સામનો કર્યો: ટીમ ફક્ત ૨૨૫ રનમાં સમેટાઈ

ત્રણ વનડે મેચની સીરીઝના ક્રિકેટ મેચમાં શ્રીલંકાની ટીમનો ૩ વિકેટથી વિજય થયો છે. આ સાથે ૯ વર્ષમાં પહેલી વખત ભારત શ્રીલંકાની જમીન પર મેચ હારી ગયું છે. જો કે, આમ છતાં સિરિઝ તો ભારતના નામે જ રહી છે. ત્રણ વનડેની સિરિઝ ભારતે ૨-૧ થી પહેલા જ પોતાના નામે કરી લીધી હતી. ભારતે ત્રીજા વન ડેમાં પાંચ નવાણિયાઓને તક આપીને જુગાર ખેલ્યો હતો પણ આ તકને સુવર્ણતકમાં ફેરવવામાં ટીમ નિષ્ફળ નિવળી હતી.

શ્રેણીની શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત બતાવનાર ભારતીય ટીમ ત્રીજી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગમાં ઉતરી હતી. ભારતીય ટીમે જો કે પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા પ્રતિવર્તનો કર્યા હતા. ભારતીય ટીમે છ ફેરફારો કર્યા હતા અને આજની વનડે મેચમાં પાંચ નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું હતું. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમનાર ખેલાડીઓમાં નીતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેંસન, રાહુલ ચહર અને ચેતન સાકરીયાનો સમાવેશ થાય છે. આ સાથે ટીમમાં ફાસ્ટ બોલર નવદીપ સૈનીની વાપસી થઈ હતી.

આ ઉપરાંત શ્રીલંકાની ટીમે પણ ૩ ફેરફારો કર્યા હતા. છેલ્લી મેચમાં ઉત્તમ પ્રદર્શન કરનાર સ્પિન બોલર વનિંદુ હસારંગા ઇજાના કારણે ત્રીજી મેચમાં નથી રમી શક્યો. આ સિવાય ફાસ્ટ બોલર કસૂન રજીતા અને સ્પિનર લક્ષન સંદાકન પણ ટીમમાંથી બહાર રહ્યા હતા. તેમના સ્થાને અકિલા ધનંજય, રમેશ મેન્ડિસ અને પ્રવીણ જયવિક્રમાને સ્થાન આપવામાં આવ્યું હતું.

ત્રીજી વન-ડેમાં ભારતની શરૂઆત નબળી રહી હતી. આ વખતે કેપ્ટન શિખર ધવન જલ્દી પેવેલીયનભેગો થઈ ગયો હતો. માત્ર ૧૩ રનના વ્યક્તિગત સ્કોર પર શિખર ધવન આઉટ થયો હતો. જો કે પૃથ્વી શોએ પોતાનું ફોર્મ જાળવી રાખતા ફટકાબાજી કરીને ઝડપી ૪૯ રન બનાવ્યા હતા. જો કે શો પોતાની અર્ધી-સદી ચૂકી ગયો હતો. આ જ શ્રેણીમાં પૃથ્વી શો બીજી વખત અર્ધી સદી ચૂક્યો છે. આ અગાઉ પ્રથમ વનડે માં પણ શો અર્ધી સદી ચૂક્યો હતો. આ ઉપરાંત ત્રીજી વન-ડે માં સંજુ સેમસને મળેલી તકનો ફાયદો ઉઠાવતા ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ સેંસન પણ ૪૬ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયો હતો.

ત્રીજી વન-ડેમાં શરૂઆતથી જ વરસાદનું વિધ્ન નડ્યું હતું. ભારતીય બેટિંગ દરમિયાન વરસાદે મજા બગાડી હતી. વરસાદના કારણે મેચને ઘટાડીને ૪૭ ઓવર્સની કરી દેવામાં આવી હતી. ભારતના ૨૨૫ રન સામે ડકવર્થ લૂઇસના નિયમ મુજબ શ્રીલંકાને ૨૨૭ રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.

ભારતીય ટીમના મિડલ ઓર્ડરના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે સારી શરૂઆત છતાં આખરે ભારતીય ટીમનો ધબડકો થયો હતો. આખી ભારતીય ટીમ માત્ર ૨૨૫ રનના સ્કોરે સમેટાઇ ગઈ હતી. શ્રીલંકા તરફથી ધનંજય અને જય વિક્રમાએ ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી. એક સમયે માત્ર ૧૮ ઓવરમાં બે વિકેટે ૧૧૮ રને રમી રહેલી ટીમનાં મિડલ ઓર્ડરે ચાહકોની આશા પર પાણી ફેરવ્યું હતું. ભારત તરફથી ઓપનર પૃથ્વી શો, સંજુ સેમસન અને સુર્યકુમાર યાદવ સેટ થયા બાદ આઉટ થઈ જતાં ચાહકો નિરાશ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.