કાયદાની આંટીઘુંટીમાં ફસાયેલા અબજો રૂપિયા રળવાની તક?

અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલીયાની જેમ કાયદાકીય વિવાદોમાં લીટીગેશન ફંડીગ કરવાનું ચલણ વધશે: વિશ્વના પાંચ ટોચના કોર્પોરેટ મેદાને

દેશની ન્યાય પ્રણાલીમાં કરોડો કેસ ફસાયેલા છે. કાયદાની આંટીઘૂંટીના કારણે ફસાયેલા કરોડો કેસના પરિણામે અબજો રૂપિયા અટકી પડ્યા છે. જો કેસનું નિરાકરણ થાય તો અર્થતંત્રમાં મસમોટુ ભંડોળ તરલતાના રૂપે આવી શકે. આવી સ્થિતિમાં કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલા અબજો રૂપિયા રળવાની તક લીટીગેશન ફાયનાન્સથી ઝડપવાનો પ્રયાસ આંતરરાષ્ટ્રીય કંપનીઓ કરી રહી છે. અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં લીટીગેશન ફંડીંગનું ચલણ છે.

વિવાદમાં ફસાયેલા કેસમાં ફંડીંગ કરી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે. કેસ જીતી ગયા બાદ જે તે કેસમાંથી નિશ્ર્ચિત રકમ મેળવે છે.

સામાન્ય લોકોમાં સૌપ્રથમ પ્રશ્ન ઉઠે કે લીટીગેશન ફંડીંગ એટલે શું ? આ સવાલનો જવાબ ઘણા પાસાઓને આવરી લે છે જેમાં કેટલીક વખત મિલકત કે નાણાના કેસમાં કોર્પોરેટ લીગલ બેટલ બાદ કેસ જીતી ગયા હોય તો તેના ફાયદાને બે ભાગમાં વહેંચી લેવાય છે. આ ઉપરાંત ઘણી વખત લીટીગેશનના ફંડીંગના મામલામાં વિવાદમાં પડેલી આખે આખી મિલકત મેળવી લેવાય છે, ત્યારબાદ નિષ્ણાંત વકીલો દ્વારા આ કાયદેસરની લડાઈ લડવામાં આવે છે.

ભારતમાં પણ લીટીગેશન ફંડીંગનો પ્રવેશ થઈ ચૂકયો છે. તાજેતરમાં જ ઈન્ડિયન એસોસિએશન ઓફ લીટીગેશન ફંડર્સ (આઈએએલએફ)ના એસોસિએશનની રચના કરવામાં આવી હતી. ફોકસવેગન, માસ્ટરકાર્ડ, ઓરેકલ, સેલ્સ ફોર્સ અને પેટ્રોફેકટ જેવી વિશ્વની ટોચની કંપનીઓ પણ લીટીગેશન ફંડીંગના માધ્યમથી પોતાના કાયદાના વિવાદોનો ઉકેલ લાવતી હોય છે. આ ઉપરાંત નાના મકાન ખરીદનાર વ્યક્તિઓ માટે પણ આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય છે. ભારતીય ન્યાય પ્રણાલીમાં કરોડો કેસ ફસાયેલા છે. ઉકેલ ન આવવાથી અબજો રૂપિયા તરલતામાં આવતા નથી. દશકાઓ સુધી કાયદેસરની લડાઈ ચાલતી હોય છે. આવી સ્થિતિમાં સમય અને સંપતિ બન્નેનો વ્યય થતો હોય છે. ત્યારે કોર્પોરેટર લીગલ કલ્ચર દાખલ થતાં ન્યાય પ્રણાલી ઝડપી બને તેવી પણ આશા છે.

ઘણા કિસ્સામાં લીટીગેશન ફંડ એવી રીતે પણ કામ કરે છે કે, કોર્ટમાં જ્યારે બે પક્ષો વચ્ચે જંગ ચાલતી હોય ત્યારે આ બે પક્ષો વચ્ચે ત્રીજા પક્ષ તરીકે લીટીગેશન ફંડની સંસ્થાઓ આવીને ઉભી રહે છે. આવા કેસમાં જે તરફ જીત જણાય તે તરફ પૈસા ઠાલવે છે. એકંદરે લીગલ બેટલમાં લીટીગેશન ફંડ રોકાણ કરવા ઈચ્છે છે. આ ઉપરાંત ક્યારેક કોર્ટમાં એવા કેસ પણ નોંધાયા હોય છે જ્યાં બન્ને પક્ષો કંઈ પણ જતું કરવા તૈયાર હોતા નથી. આવા કિસ્સામાં પણ લીટીગેશન ફંડ યેનકેન પ્રકારે કેસનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે. યુકે, અમેરિકા જેવા દેશમાં તો લીટીગેશન ફંડમાં ખુબ મોટા પ્રમાણમાં રોકાણકારો નાણાનું રોકાણ કરતા હોય છે. આવું જ નજીકના ભવિષ્યમાં ભારતમાં જોવા મળશે.

એવો પ્રશ્ન પણ સામાન્ય વ્યક્તિના મનમાં ઉઠી શકે કે, વિશ્વમાં લીટીગેશન ફંડીંગ એટલા સમયથી પ્રચલીત હતું તો ભારતમાં હજુ સુધી કેમ પ્રવેશ કર્યો નથી ? આ સવાલનો જવાબ લીટીગેશન ફંડની કાયદેસરતા છે. અત્યાર સુધી ભારતમાં જૂના પુરાણા કાયદાનું ચલણ હતું. ત્યારબાદ કેટલાક ફેરફાર થયા છે.

લીટીગેશન ફંડના પ્રવેશ માટે માર્ગ મોકળો થયો છે. વર્ષો પહેલા જેમ ભારતમાં બ્રિટીશ રાજ હતું અને બ્રિટીશ રાજ હેઠળના તમામ દેશોના કાયદા એક સરખા હતા. ઓસ્ટ્રેલીયા, સીંગાપુર, હોંગકોંગ સહિતના દેશો બ્રિટીશ શાસનમાં હતા. આવા દેશોના કાયદા પણ ભારત જેવા છે. જો કે, ત્યાં ઘણા સમય પહેલા જ સુધારા થઈ ચૂકયા છે.

મુંબઈમાં આઈએએલએફની સ્થાપના થઈ ચૂકી છે. આવકવેરા વિભાગ દ્વારા જે રીતે ફસાયેલી ટેકસની રકમ માટે વિવાદ સે વિશ્ર્વાસ જેવી યોજના ચલાવાય છે તેવી જ રીતે લીટીગેશન ફંડ પણ કાર્યરત થશે તો કાયદાની લડાઈમાં ફસાયેલા અનેક કેસોનો હલ થશે. ખાસ કરીને નાદારીના કાયદામાં પણ લીટીગેશન ફંડ મહત્વનું પાસુ બની જશે.

લીટીગેશન ફંડની સંસ્થાઓમાં દેશના ટોચના નિષ્ણાંતો રહેશે. કાયદેસરની આંટીઘૂંટીને ઉકેલવા માટે આ નિષ્ણાંતો કાર્યરત રહેશે. થર્ડ પાર્ટી ફંડ, આબીટ્રલ સંસ્થાઓ સહિતના મુદ્દે પણ લીટીગેશન ફંડ કાર્યરત રહેશે.

આંકડા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે લીટીગેશન ફંડ સામાન્ય રીતે રોકાણના ૩૦૦ ટકા વધુ પૈસા મેળવે છે. ભારતમાં પણ આવા ફંડ માટે ખુબ મોટી તકો સમાયેલી છે.