દારૂની પરમીટ ન મળતા વિપક્ષી નેતાએ રોગચાળાનો મુદ્દો ચગાવ્યો: કાનગડનો આક્ષેપ

વશરામ સાગઠીયાએ કલ્પેશ કુંડલીયા મારફત સિવિલ સુપ્રીટેન્ડેન્ટ સમક્ષ મુકેલી ૬ દારૂની પરમીટ નામંજુર કરાતા કોંગ્રેસ સિવિલમાં હંગામો મચાવી રહી છે: ડેન્ગ્યુનો ખોટો હાવ ઉભો કર્યો છે, રોગચાળાનાં કોંગ્રેસનાં આંકડાઓ સદંતર જુઠ્ઠા: શાસકો

રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેન્ટ ડો.મનિષ મહેતા સમક્ષ પોતાનાં પાગીયાઓ માટે ૬ લીકર પરમીટ મુકી હતી જે નામંજુર કરવામાં આવતા કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં ખોટો હોબાળો મચાવી રહી છે. તેઓ સનસનીખેસ આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે પત્રકાર પરીષદમાં કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રોગચાળાનો મુદ્દો કોંગ્રેસે ખોટી રીતે ચગાવ્યો છે અને શહેરીજનોમાં ડેન્ગ્યુનો ખોટો હાવ ઉભો કર્યો છે. કોંગ્રેસે મેલેરિયા અને ડેન્ગ્યુનાં જે આંકડા જાહેર કર્યા છે તે સદંતર જુઠ્ઠા છે તેમ મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનાં કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું.

આજે ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં રોગચાળા અંગે શહેરીજનોને જાગૃત કરવા માટે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવેલી એક પત્રકાર પરીષદમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા સામે એવો આક્ષેપ લગાવ્યો છે કે, વિપક્ષી નેતાએ પોતાના સહિત અલગ-અલગ ૬ લીકર પરમીટ માટે સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેન્ટ ડો.મનિષ મહેતા સમક્ષ અરજી કરી હતી જેનો અસ્વિકાર કરવામાં આવતા કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ ખોટા કારણો ઉભા કરી હંગામો મચાવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનનાં વિપક્ષી નેતા સામેનાં આક્ષેપથી રાજયભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આજે પત્રકાર પરીષદમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, કોંગ્રેસે શહેરમાં ડેન્ગ્યુનો ખોટો હાવ ઉભો કર્યો છે. કોંગ્રેસે રોગચાળાનાં જાહેર કરેલા આંકડાઓ તદન જુઠ્ઠા છે. શહેરમાં આજ સુધીમાં ડેન્ગ્યુનાં ૪૧૮ કેસ નોંધાયા છે અને એક વ્યકિતનું જ મોત નિપજયું છે. ડેન્ગ્યુ માટે માત્ર એલીઝા ટેસ્ટ જ માન્ય છે. રેપીડડાયગ્નોસ્ટીક ટેસ્ટને શંકાસ્પદ ડેન્ગ્યુ ગણવામાં આવે છે. કોઈપણ વાયરલમાં બેટલેટ નીચા આવી જાય છે અને આવા કેસમાં દર્દીને ડેન્ગ્યુમાં જે સારવાર આપવામાં આવે તે જ પ્રકારની સારવાર અપાઈ છે. કોંગ્રેસે તમામ વાયરલને ડેન્ગ્યુ દેખાડી દીધા છે.

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માનસિક રોગી થઈ છે. રાજકીય ડેન્ગ્યુ તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા દ્વારા રોગચાળાને નાથવા માટે અલગ-અલગ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ૧૦ લાખથી વધુ ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને ૫૫ લાખ પાત્રોને ચકાસવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ ૧૮ વોર્ડ અને ૨૧ આરોગ્ય કેન્દ્રો પરથી ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવશે. હાલ ૧૦૪ ફિવર હેલ્પલાઈન દ્વારા તાવ અંગે લોકોને ઘર બેઠા સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષનો સિનારીયો જોવામાં આવે તો ઓકટોબર માસમાં ડેન્ગ્યુનાં કેસો વધુ નોંધાતા હોય છે અને નવેમ્બર માસથી ડેન્ગ્યુનું જોર ઘટી જતું હોય છે. કોંગ્રેસે રોગચાળા મુદ્દે ખોટો હાવ અને ડર ઉભો કર્યો છે ત્યારે શહેરીજનોને ખોટા ગભરાહટમાં ન રહેવા પણ મહાપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રોગચાળાને નાથવા માટે પાણી ભેગુ ન થવા દેવા અને સ્વચ્છતા પર ભાર મુકવા અપીલ કરવામાં આવી છે.

આક્ષેપ સાબિત થાય તો જાહેર જીવન છોડવા તૈયાર છું: વશરામ સાગઠીયા

દારૂની પરમીટ ન મળતા વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ રોગચાળાનો મુદ્દો ચગાવી સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવી રહ્યા છે તેવા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડનાં સનસનીખેસ આક્ષેપનો જવાબ આપતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, ભાજપ દ્વારા જે અંગત આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદન પાયોવિહોણા છે. મારા મોબાઈલમાંથી સિવિલ સુપ્રીટેન્ડેન્ટને કોઈપણ પ્રકારની ભલામણનો જો કોઈ મેસેજ કર્યો હોય તે સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. ભાજપનાં કાર્યાલય મંત્રી અને રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય જયંત ઠાકર સિવિલ હોસ્પિટલમાં  કોન્ટ્રાકટરોને દબાવી પોતાના મળતીયાઓને નોકરી અપાવે છે અને પરમીટ કઢાવવાની દલાલી પણ કરે છે. કોંગ્રેસનાં કોર્પોરેટર અતુલ રાજાણી, મનસુખભાઈ કાલરીયા અને દિલીપ આસવાણીએ એવો આક્ષેપ કર્યો છે કે, કાલે જનરલ બોર્ડમાં ભાજપને ભીસ પડવાની બીક છે તેનાં કારણે રોગચાળાનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે ખોટા આક્ષેપો લગાવી નિમ્ન કક્ષાનું રાજકારણ ભાજપનાં હોદેદારો ખેલી રહ્યા છે.