Abtak Media Google News

દિગ્જામ સર્કલ પાસે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ મુકવાની માંગ સાથે સંગઠન સભામાં પહોંચ્યું: વાતાવરણ તંગ બન્યા બાદ ડે.મેયરે તા.૧૦એ ફરી સભા બોલાવવાની ખાતરી આપતા મામલો શાંત પડયો

જામનગરના બે ઓવરબ્રીજના નામકરણ અંગેની દરખાસ્તને મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. આ સમયે રાજપૂત યુવા સંગઠનના આગેવાનો સામાન્ય સભા સ્થળે આવી પહોંચ્યા હતાં અને મહારાણા પ્રતાપની પ્રતિમા અંગેની માંગણી કરી હતી.

જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કચેરી બહારના વિસ્તારમાં સામાન્ય સભા યોજાઈ હતી.

મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષ સ્થાને આ સામાન્યસભામાં બેડેશ્વર ઓવરબ્રીજને મહારાણા પ્રતાપ અને દિગ્જામ સર્કલ પાસેના બ્રીજને છત્રપતિ શિવાજી ઓવરબ્રીજ નામ આપવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી.

આ સમયે શહેર રાજપૂત યુવા સંગઠનનના રૃષિરાજસિંહ જાડેજા વિગેરેએ પુલનું નામ નહીં પરંતુ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ મૂકવાની માંગણી કરી સામાન્ય હંગામો મચાવ્યો હતો. આ સમયે બોર્ડમાં જવાબ આપતા સિનિયર નગર સેવક પ્રવિણભાઈ માડમે જણાવ્યું હતું કે, જાહેર રોડ ઉપર પ્રતિમા અન્વયે સુપ્રિમકોર્ટની મનાઈ છે.

ચીફ ઓડીટર અને સેક્રેટરીની જગ્યા જાહેરાતથી ભરવા અંગેની દરખાસ્ત અન્વયે કોર્પોરેટર જસરાજ પરમારે સૂચન કર્યુ હતું કે, હૈયાત કર્મચારીમાંથી યોગ્ય વ્યક્તિને બઢતી આપવી જોઈએ. તો કોર્પોરેટર યુસુફ ખફીએ જણાવ્યું હતું કે, નવા સેટઅપ મુજબ આ જગ્યા ભરવામાં આવે.

જમીન અંગેની દરખાસ્ત અન્વયે કોર્પોરેટર યુસુફભાઈ ખફીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, આરોગ્ય હેતુ માટેની જમીનનો હેતુફેર કરવામાં આવી રહ્યો છે. કોરોના સમયે આવો એજન્ડા લાવવો શરમજનક બાબત છે. મેરામણભાઈ ભાટુએ જણાવ્યું કે, હેતુફરની જગ્યામાં અમુક પ્લોટના કોર્ટ મેટર ચાલતા હોય, વિચારીને નિર્ણય લેવો જોઈએ. તો જેનબબેન ખફીએ જણાવેલ કે આરોગ્ય અને રમત-ગમતની જગ્યાનો હેતુફેર શા માટે…? આખરે દરખાસ્તને મંજૂરી અપાઈ હતી.

સીટી ડીસ્પેન્સરી વાળી જગ્યામાં હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરી.ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવવા અંગેની દરખાસ્ત અન્વયે અસ્લમભાઈ ખીલજીએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આનંદ રાઠોડએ જણાવેલ કે મહાનગરપાલિકને ચાર વર્ષે કેમ યાદ આવ્યું…? જો કે હોસ્પિટલને તેમણે આવકારી હતી.

અસ્લમ ખીલજીએ કરેલી સહી ઝુંબેશવાળા ફોર્મનું આજે સામાન્ય સભામાં તેમણે રજૂ કર્યો હતો. જો કે, મેયરે આ અંગે દાદ આપી ન હતી. વિપક્ષી નેતાએ કોરોનાની ચર્ચા માટે માંગણી કરી હતી. જેને ઠુકરાવી દેવામાં આવી હતી.

સ્ટેચ્યુના મુદ્દે જામનગર શહેર રાજપૂત યુવા સંગઠનના હોદ્દેદારો ચાલુ સામાન્ય સભામાં ઘૂસી જઈ હોબાળો મચાવતા આખરે સભા સંપન્ન કરી દેવામાં આવી હતી.

સામાન્ય સભા શરૃઆતમાં જ ભારતીય સૈન્યના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કોરોના મહામારીની ચર્ચા માટે રીક્વીઝેશન બોર્ડની માંગ

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોરોના મહામારી અંગે ચર્ચા કરવા દેવામાં આવી ન હતી. આથી વિપક્ષના સભ્ય દ્વારા મેયરને પાંજરાનો પોપટ ગણાવ્યો હતો. તો વિપક્ષી નેતાએ કોરોનાની ચર્ચા કરવા માટે રીક્વીઝેશન બોર્ડની માંગણી કરી હતી, તો વિપક્ષના કોર્પોરેટર જેનમબેન ખફીએ સામાન્ય સભાના સ્થળ નજીક મુખ્ય દરવાજા પાસે બેઠક જમાવી છે ધરણા શરૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.