કૃષિ કાયદાને લઈ આવતીકાલના બંધમાં વિપક્ષો મોરચો માંડશે!!

પંજાબથી ફુંકાયેલું બ્યુગલ ભાજપ માટે ‘રણશિંગુ’ બની જશે?

કોંગ્રેસ, એનસીપી, એસપી, ડાબેરીઓ સહિતના ૧૮ વિરોધપક્ષો સરકારને ભિડવવા તૈયાર

કૃષિ બીલ થકી ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્રની કુચ આડે રોડો?

કૃષિ કાયદાને લઈ આવતીકાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાનને દેશના ૧૮ પક્ષોએ ટેકો આપ્યો છે. ખેડૂત આંદોલનકારીઓ કૃષિ કાયદાને હટાવવા માંગે છે. સામાપક્ષે કેન્દ્ર સરકાર કૃષિ કાયદા હટાવવા સહમત નથી. વચલો રસ્તો કાઢવાનો અવકાશ છે. આવી સ્થિતિમાં પંજાબ-હરિયાણાથી ઉભુ થયેલુ ખેડૂત આંદોલન ભાજપ માટે ભવિષ્યમાં યુદ્ધનું રણશીંગુ બની જશે તેવી શકયતા છે. જેના પાછળ ઘણા કારણો જવાબદાર છે. એક તરફ કોંગ્રેસ, એનસીપી, એસપી અને ડાબેરીઓ સહિતના ૧૮ વિરોધ પક્ષોએ સરકારને ભીડવવા તૈયારી કરી છે. કૃષિ કાયદા બીલને લઈ જો કેન્દ્ર સરકાર પીછેહટ કરે તો ખેડૂતોની આવક બમણી કરવાનું મુશ્કેલ બની જાય. ઉપરાંત એક વખત બીલ પરત ખેંચ્યા બાદ ભૂતકાળમાં લાવવામાં આવેલા બીલ મુદ્દે પણ સરકારને ક્યાંકને ક્યાંક નમતુ જોખવું પડે તો મુશ્કેલી સર્જાય તેવી શકયતા છે.

રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઘણા સમયથી કૃષિ બીલનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર કૃષિ બીલને પરત જ ખેંચી લે તેવી માંગણી છે. આવી સ્થિતિમાં આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂત આગેવાનો દ્વારા અપાયું છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, ડીએમકેના ચિફ એમ.કે.સ્ટાલીન, એનસીપીના શરદ પવાર, સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને સીતારામ યેચુરી તેમજ ડી.રાજા સહિતનાએ ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ભારત બંધ બાદ પણ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધશે. ખેડૂત બીલ મુદ્દે સરકારને ભીડવવાના પ્રયાસ થશે.

વડાપ્રધાન મોદીએ ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન આપ્યું હતું. ખેડૂતોની આવકને બે ગણી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર પગલા લેવામાં આવ્યા છે. જેમાં લઘુતમ ટેકાના ભાવ ખેત સુધારા અને વચેટીયા હટાવવા સહિતના અસરકારક પગલાંને અનેક ખેડૂતોએ વધાવ્યા પણ છે. કૃષિ બીલના માધ્યમથી મોદી સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવાનો લક્ષ્ય રાખી રહી છે. એવામાં જો ખેડૂત આંદોલનના કારણે આ બીલ પરત ખેંચવાની મજબૂરી સરકાર સમક્ષ ઉભી થાય તો ખેડૂતોની આવક બે ગણી કરવાનું સ્વપ્ન રોળાઈ જાય. આ ઉપરાંત ભવિષ્યમાં અન્ય બીલના પરત ખેંચવા પણ વધુ દબાણ થાય. આવી સ્થિતિમાં સરકાર નમતુ જોખવા તૈયાર નથી. પરંતુ ખેડૂતોની માંગ અકબંધ છે.

ખેડૂત આગેેવાનો અને સરકાર વચ્ચે તબક્કાવાર આઠ વખત બેઠકો મળી ચૂકી છે. કેટલાક આગેવાનો લઘુતમ ટેકાના ભાવ કાયમી રહે તે માટે લેખીત ખાતરી સરકાર પાસે માંગી રહ્યાં છે. કેટલાંક આગેવાનો કૃષિ બીલ પરત જ  ખેંચાઈ જાય તેવી માંગણી કરી રહ્યાં છે. અત્યારે ખેડૂતો પાસે ચાર મહિના જેટલો ચાલે તેટલો રાશનનો જથ્થો છે. માટે સરકાર અને ખેડૂતો વચ્ચેની મડાગાંઠ ઉકેલાશે નહીં તો આંદોલન લાંબુ ચાલે તેવી શકયતા પણ છે.

ખેડૂત આંદોલન મુદ્દે વિપક્ષો આંદોલનને ટેકો આપી રહ્યાં છે. આ મુદ્દાનો રાજકીય લાભ લેવા અનેક પ્રયાસ થયા છે. ખેડૂત આંદોલનને લઈ ભવિષ્યમાં પણ સરકારની છબી ઉપર વિરોધ પક્ષો હુમલો કરશે. ભવિષ્યમાં ખેડૂતોના નામે સરકારને ભીડવવાના પ્રયાસો થશે. વાતાવરણ પણ ડહોળાઈ શકે તેવી ધારણાઓ છે. એક વખત બીલ પરત ખેંચી લેવામાં આવે તો સરકારના અન્ય નિર્ણયો ઉપર શંકાની સોય ઉઠી શકે છે. ઉપરાંત ખેડૂતોની આવક બમણી કરવાનું મોદી સરકાર માટે વધુ અઘરું બનશે.

ત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે ૧૨મો દિવસ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કાની વાતચીત પછી પણ કોઈ રસ્તો નીકળી શક્યો નથી. પોતાની માગ અંગે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. ૮ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુપ બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ પણ પોતાના સ્તરે ખેડૂતોની સ્ટ્રેટેજી જાણવાનો પ્રયાસ કરી રહી છે.