ભારે વરસાદમાં રાજમાર્ગો પર પડેલા ખાડાઓ બુરવા મેયર-મ્યુ.કમિશનરનો આદેશ

તૂટેલી ડ્રેનેજની કુંડીઓ બદલાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ: વરસાદે વિરામ લેતાની સાથે જ મેટલીંગ અને મોરમ પાથરી ખાડા બુરી દેવાશે

શહેરમાં ગઈકાલે ખાબકેલા અનરાધાર વરસાદના કારણે રાજમાર્ગોને જબરી નુકશાની થવા પામી છે. મોટાભાગના રાજમાર્ગો પર મહાકાય ખાડા પડી ગયા છે. શહેરીજનોને હાલાકી વેઠવી ન પડે તે માટે તાત્કાલીક અસરથી આ ખાડાઓ અંગે સર્વે કરી ખાડાઓ બુરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવા સંબંધીત વિભાગને મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભારે વરસાદમાં તૂટેલુ ડ્રેનેજની કુંડીઓ અને મેઈન હોલના ઢાંકણા બદલવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.

ગઈકાલે રાજકોટમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. ભારે વરસાદના કારણે રાજમાર્ગોને તોતીંગ નુકશાની થવા પામી છે. મોટાભાગના રાજમાર્ગો પર મહાકાય ખાડા પડી ગયા છે. આ ખાડાના કારણે કોઈ વાહન ચાલકને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક અસરથી ખાડાઓ અંગે સર્વે કરી ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરી દેવા મેયર અને મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

આજે બપોરે મેયર ડો.પ્રદિપ ડવે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયર અને વોર્ડના ડે.સિટી એન્જીનીયર સાથે એક બેઠક યોજી હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરમાં પડેલા ખાડા બુરવા અંદાજે 60 થી 65 લાખનો ખર્ચ થાય તેવી સંભાવના છે. કોઠારીયા રોડ, મવડી વિસ્તાર અને રામનાથપરા વિસ્તારમાં રસ્તાઓને સૌથી વધુ નુકશાની થવા પામી છે. મુખ્ય રાજમાર્ગો પર સૌપ્રથમ ખાડાઓ બુરવામાં આવશે. ત્યારબાદ શેરી-ગલીઓના ખાડા બુરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે. શહેરમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાને થયેલા નુકશાનીનો આંક આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કલેકટર કચેરી ખાતે યોજાનારી બેઠકમાં મહાપાલિકા દ્વારા રજૂ કરવામાં આવે તેવી પણ શકયતા હાલ નકારી શકાતી નથી.

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ગઈકાલ ખુબજ ભારે વરસાદ આવેલ. જેના કારણે શહેરના ઘણા રસ્તાઓ પર ખાડાઓ પડી ગયેલ. આ તમામ રસ્તાઓના ખાડાઓમાં મોરમ, મેટલ, કપચી, પેવિંગ બ્લોક વિગેરે દ્વારા તાત્કાલિક મરામત કરવા અને સફાઈની કામગીરીને સઘન બનાવવા સિટી એન્જીનીયર વાય.કે. ગોસ્વામી, કે.એસ. ગોહેલ, એચ.એમ. કોટક, ડે.એન્જીનીયર પટેલીયા તથા સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, તથા નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી, જીંજાળા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ઈસ્ટઝોનમાં કુવાડવા રોડ, નવો જુનો મોરબી રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, વેકરીયા રોડ, કડવાભનુ રોડ, શ્રીનગર મણીનગર મેઈન રોડ, વ્રજભુમી માલધારી મેઈન રોડ, મંછાનગર, ચુનારાવાડ મેઈન રોડ, કોઠારીયા રોડ, સ્વાતિ 80 ફુટ રોડ તેમજ સેન્ટ્રલઝોનમાં મનહર પ્લોટ-10, હાથીખાના-2, કુંભારવાડા-9, ઘનશ્યામનગર થી નંદાહોલ, ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે, રૂખડીયાપરા મેઈન રોડ, દાણાપીઠ મેઈન રોડ, મોચીબજાર મેઈન રોડ ઉપરાંત વેસ્ટઝોનમાં રામાપીર ચોકડીથી શીતલ પાર્ક, રૈયાધાર રોડ, નાગેશ્વર મેઈન રોડ, વિદ્યાકુંજ રોડ, રાજનગર સોસાયટી, અનુપમા સોસાયટી, સહકારનગર, સૌરભ બંગલો મેઈન રોડ, રૈયા ગામથી બીજા રીંગ રોડ સુધીનો મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, વિમલનગર મેઈન રોડ, રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડીથી વગડ ચોકડી મેઈન રોડ, ગોવિંદરત્ન આવાસવાળો રોડ, માયાણી આવાસયોજનાવાળો રોડ, મવડી રોડ, પુનિતનગર નગર, 80 ફુટ રોડ, ગોકુલધામ મેઈન રોડ, અંકુરનગર મેઈન રોડ વિગેરે નાનામોટા ખાડાઓ પડેલ છે. સર્વે કરવામાં આવેલ તમામ રસ્તા પર ખાડાઓમાં મેટલ, મોરમ, કપચી તેમજ પેવિંગ બ્લોક વિગેરે નાંખી તાકીદે મરામત કરવા સુચના આપવામાં આવેલ.

વરસાદના કારણે તણાઈને આવેલ પ્લાસ્ટિક, ઝાડી-જાખરા વિગેરેની ગંદકી તાત્કાલિક ઝુંબેશના સ્વરૂપે સફાઈ કરવા તેમજ નદીમાં ગાંડી વેલ શરૂઆતથી જ કાઢવાની કાર્યવાહી હાથધરવા ઉપરાંત ચોમાસા બાદ વોંકળાની તબક્કાવાર સફાઈની કાર્યવાહી હાથધરવા અને વોંકળામાં રબીશ કચરો વિગેરે ન નાંખે તેની તકેદારી રાખવા મેયરે સોલીડવેસ્ટ વિભાગના અધિકારીને સુચના આપેલ. સોલીડવેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના વોંકળાઓનું ડીમાર્કેશન કરી આપવા રજુઆત કરી છે.