Abtak Media Google News

એઈમ્સ સુધી પહોંચવા માટે રૂડા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલા રોડની સાઈટ વિઝીટ કરતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા: કોન્ટ્રાકટરને મેન પાવર અને મશીનરી વધારી કામગીરી ઝડપી કરવા કરાતી તાકીદ

રાજકોટની ભાગોળે એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. એઈમ્સ સુધી પહોંચવા માટે રૂડા અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાકટરને મેન પાવર અને મશીનરી વધારી આ કામગીરીને ઝડપી બનાવી ડિસેમ્બર સુધીમાં તમામ રોડનું કામ પૂર્ણ કરવા મ્યુનિ.કમિશનર અને રૂડાના ચેરમેન ઉમિત અરોરા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

એઈમ્સ સુધી પહોંચવા માટે લોકોને સરળતા રહે અને વાહન વ્યવહારની સુવિધા સુદ્રઢ બનાવી શકાય તે માટે કોર્પોરેશન અને રૂડા દ્વારા રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આજે મ્યુનિ. કમિશનર અને રૂડા ચેરમેન અમિત અરોરાએ રૂડા વિસ્તારમાં એઈમ્સને જોડતા રોડની, જામનગર રોડથી એઈમ્સને જોડતા જંકશનની (નવા રીંગ રોડની શરૂઆત) અને માધાપર ચોકડીથી મોરબી રોડ થઈને એઈમ્સ સુધીના રાજકોટ મહાનગરપાલિકાની બાઉન્ડ્રીમાં બનતા રોડની ચાલુ કામગીરીની વિઝિટ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પીટલની કામગીરીને ધ્યાને લઇ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એઈમ્સ હોસ્પીટલને જામનગર રોડથી કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજકોટ મહાનગર પાલિકાની હદથી એઈમ્સ હોસ્પીટલ સુધીનાં 90.0મી ડી.પી. રસ્તાની 6-માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ.9.93 કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એઈમ્સ હોસ્પીટલનાં રોડને મોરબી રોડથી એક વધારાની કનેક્ટીવીટી આપવા માટે જામનગર રોડને સમાંતર 90.0મી. ડી.પી.રસ્તાને જોડતા 30.0મી. ડી.પી. રસ્તાની 4-માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી રકમ રૂ. 4.95 કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે તેમજ જામનગર રોડને સમાંતર ખંઢેરી રેલ્વે સ્ટેશન અને પરાપીપળીયા રોડથી 30.0મી. ડી.પી રસ્તાની બ્રીજ સાથેની કામગીરી રકમ રૂ. 9.18 કરોડનાં ખર્ચે સત્તામંડળ દ્વ્રારા પ્રગતિમાં છે. ઉક્ત બંને રસ્તાની બ્રીજ સાથેની કામગીરી રકમ રૂ.24.06 કરોડનાં ખર્ચે પ્રગતિમાં છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ચોકડી થી મોરબી રોડ થઈને એઈમ્સ સુધી જવા માટેનો 30 મીટર પહોળાઈ પૈકી હાલ 18 મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો જેનો અંદાજિત ખર્ચ રૂા.8.87 કરોડ છે. આ રોડ પર એક માઈનોર બ્રિજ પણ બનાવવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.4.5 કરોડ છે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કરવામાં આવશે.

ઉપરોકત ત્રણેય રોડ પ્રોજેકટ અને એક બ્રીજ પ્રોજેકટની સ્થળ મુલાકાત રૂડાનાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ મુલાકાત દરમ્યાન તેઓએ રસ્તાની કામગીરીનું બારીકાઈથી નિરિક્ષણ તથા અધિકારીઓનું માર્ગદર્શન કરેલ હતુ. આ સમગ્ર મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર સાથે રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તથા ડેપ્યુટી કમિશ્નર નંદાણી સાથે જોડાયાં હતા. રોડ બ્રીજ પ્રોજેકટની કામગીરીથી કમિશ્નરે રૂડાનાં ડાયરેકટર(પ્રોજેકટસ) બી.એ.મારૂ તથા આરએમસી સીટી ઈજનેર કોટક દ્વારા વાફેક કરવાયા હતા.

ઉકત કામગીરી થયે એઈમ્સ હોસ્પીટલને જામનગર રોડ તથા મોરબી રોડથી કનેકટીવીટી મળી રહેશે. તેમજ ખંઢેરી રેલ્વે સ્ટેશનથી દર્દીઓને એઈમ્સ હોસ્પીટલ સુધી અવર-જવર માટે એપ્રોચ મળી રહેશે, અને જામનગર રોડથી એઈમ્સહોસ્પીટલને વધારાની કનેકટીવીટી મળી રહેશે. જામનગર રોડના માધાપર ચોકડી પર વધુ પડતા ટ્રાફિકનુ ભારણ ઘટાડી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.