Abtak Media Google News

ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે અધિક જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરનું જાહેરનામું

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપના કરાયેલ ભગવાન ગણેશની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી.ઠક્કરે  પ્રતિબંધક આદેશો જાહેર કર્યા છે.

પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા અને જળ સૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર આ આદેશો જારી કરાયા છે, જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં. આ આદેશો તા. 11 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.

સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવેલ હોય તેવી વ્યક્તિને કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને અને કોઈ સ્મશાનયાત્રાને આ આદેશો લાગુ પડશે નહીં. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમો લાગુ પડશે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.